Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાઈ, જીરુંની ખબર નહીં પડે તો ચાલશે પણ સ્વરક્ષણ કરતાં આવડવું જોઈએ

04:14 PM Apr 16, 2023 | Vipul Pandya

હમણાં એક વિડીયો જોયો. વિદેશનો હતો. જેમાં એક યુવતીની નજીક કેટલાક યુવકો આવ્યા. એ યુવકોનો ઈરાદો યુવતી ઉપર દુષ્કર્મ આચરવાનો હતો. એ યુવકોમાંથી કોઈ કંઈ હરકત કરે એ પહેલાં જ આ યુવતીએ એ યુવકોની ધોલાઈ કરી નાખી. ઉભી પૂંછડીએ એ યુવકો ભાગ્યા.  
આપણે ત્યાં ગુજરાતમાં દીકરીઓ વધુ સેફ છે એવું આપણે પોરસાઈને કહીએ છીએ. તેમ છતાં આપણે ત્યાં ઈવ ટીઝિંગ- છેડતી, મૌખિક અપશબ્દોથી માંડીને ઘણું બધું થતું જ રહે છે. દર બીજી દીકરી છેડતી, ગંદી નજરથી માંડીને શારીરિક અડપલાંનો ભોગ બનતી રહે છે. આપણે ત્યાં કાયદામાં ગંદી નજરે જોવું પણ ગુનો ગણવામાં આવે છે. સવાલ એ છે કે, એ ગંદી નજર કે ગંદા શબ્દો બોલનારની સામે આપણી જીભ ઉપડતી નથી. આ સહન કરી લેવા પાછળ અનેક કારણો છે. સામાજિક બદનામીથી માંડીને દીકરીનું ભવિષ્ય બગડવા સુધીના સવાલો એમાં આવી જાય છે.  
દીકરીની જાત અને તારું રક્ષણ તારી સાથે જોડાયેલા પુરુષોએ કરવાનું હોય આ ઘસાઈ ગયેલી માન્યતામાંથી બહાર આવવાનો સમય થઈ ગયો છે. આપણે ત્યાં દીકરી થોડીક સમજણી થાય એટલે એને ગોઠણ ઢાંકીને બેસવાનું, ઘરકામ કરવામાં મદદ કરવાની, રસોઈની થોડીઘણી સમજણ આપવી એ બહુ સહજ રીતે શીખવાડવામાં આવે છે. તુવેરની દાળ અને મગની દાળ કેવી હોય એ ખબર ન પડે કે રાઈ કે જીરુંને કેવી રીતે ઓળખી શકાય એની સમજ પહેલા આપવામાં આવે છે. આ જ દીકરીની કોઈ બહાર છેડતી કરતું હોય તો એની સામે ન બોલાય એવી સમજ પણ આપવામાં આવે છે. કોઈ પ્રહાર કરે તો પ્રતિકાર કેવી રીતે કરવો એ ભાગ્યે જ શીખવવામાં આવે છે.  
ડાન્સીંગ કલાસ, સિંગીગ કલાસ, સ્વીમિંગ, પેઈન્ટીંગથી માંડીને અનેક ઈતર પ્રવૃત્તિઓમાં એ પારંગત થાય એની કાળજી રાખવામાં આવે છે. એના રસનું હોય અને એમાં એ આગળ વધે એ બાબતમાં કોઈ વાંધો ન હોય શકે. પણ એને એકલાં બહાર આવવું જવું હોય ત્યારે એને પોતાની જાત ઉપર ભરોસો બેસે એ માટે સ્વરક્ષણના કલાસ તો કરાવવા જ જોઈએ. કોઈ એની છેડતી કરે કે એના ઉપર હુમલો કરે તો સામેવાળાને બે ફેંટ મારીને ધૂળ ચાટતો કરી દેવાની આવડત એ દીકરીમાં હોવી જ જોઈએ.  
આજના સમયમાં દીકરીઓ બહાર ભણતી થઈ છે. ઘરથી બહાર રહેતી થઈ છે ત્યારે એને ઘણી વખત કામ બાબતે કે પછી સ્કૂલ-કોલેજના કામથી કટાણે બહાર જવું પડે તો એની સેફટી માટે મા-બાપને ચિંતા ન રહેવી જોઈએ. દીકરી રાત્રે ઘરેથી બહાર હોય ત્યારે વારંવાર ફોન કરી મમ્મી કે ચિંતા કરતા પપ્પાને એક જ વાતનો ડર રહે છે કે, મારી દીકરી સાથે ક્યાંક કંઈક અજુગતું ન બની જાય. આવી ચિંતા કરવા કરતાં એ નાની હોય ત્યારથી એને સ્વરક્ષણની તાલીમ અપાવવી ખૂબ જ જરુરી છે.  
રાઈ, જીરું કે કઈ દાળને કેવી રીતે પારખવી એ નહીં આવડે તો કદાચ ચાલી જશે. પણ રાત્રે બાર વાગે એ ઘરે સ્કૂટર ઉપર આવતી હોય અને જો બે છોકરાં એની છેડતી કરે તો એને સ્વરક્ષણ કરતા નહીં આવડે તો એને લાગેલો એ ઘાવ જલદીથી નહીં પૂરાય. કોઈ અણગમતી ઘટનાનો ભોગ બનવું એ કરતાં કરાટેના બે દાવપેચ આવડે તો વધુ સારું.  
આપણે ત્યાં સમસ્યા એ છે કે, દીકરીને આપણે શારીરિક રીતે સ્ટ્રોંગ બનાવવા માટે ખાસ ધ્યાન નથી આપતા. કોઈની સામે કેમ બોલવું, કેમ વર્તવું, કેમ બેસવું એની તાલીમ આપવામાં આપણે કંઈ બાકી નથી રાખતાં પણ આપત્તિજનક સ્થિતિ હોય તો દીકરીએ એનો સામનો કેમ કરવો એ માટે આપણે લાંબુ નથી વિચારતા. સરવાળે બોલવામાં  જોરદાર દીકરી કદાચ શારીરિક પ્રતિકાર કરવામાં નબળી સાબિત થાય છે. ભણવામાં હોશિયાર હોવાની સાથે દીકરી સ્વરક્ષણ માટે પણ અબળા નહીં સશક્ત સાબિત થવી જરુરી છે