Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સચ્ચાઈ, વર્ચસ્વ અને અહમ્ વચ્ચે ક્યારેય ન બને?

08:50 AM Apr 17, 2023 | Vipul Pandya

  • તમારા ઘરમાં કોનું ચાલે?  
  • તમારી ઓફિસમાં કોનું વર્ચસ્વ વધારે? 
  • પારિવારિક બિઝનેસમાં કોનો અહમ્ વધુ પોષસવામાં આવે?  
વર્ષોથી આપણે ત્યાં આ લડાઈઓ નાની મોટી દરેક જગ્યાઓએ ચાલતી હોય છે. ક્યાં કોનું કેટલું ચાલે અને ક્યાં કોનું કેટલું માનવામાં આવે છે? ઘર હોય કે ઓફિસ, બિઝનેસ હોય કે કિચન, પરિવાર અને સમાજ આ જગ્યાઓએ વર્ચસ્વની લડાઈ અને અહમ્ વચ્ચે સત્ય પીસાતું રહેતું હોય છે. ખોટી જિદ્ અને જક્કીપણું હાવી થઈ જાય ત્યારે તો સત્ય ડગમગવા માંડે છે.  
જમવામાં શું બનાવવું? એમાં પૂછવું પડે, મરજી ન હોય અને એ વિચારધારને આપણી માથે ઠોકી બેસાડવામાં આવે ત્યારે સૌથી વધુ તો તમારું અસ્તિત્વ ઘવાતું હોય છે. આ બધી પરિસ્થિતિઓમાં વધુ સમજ ધરાવતો વ્યક્તિ એની લાચારી જ અનુભવી શકે છે.  
કોઈની સલાહ લેવી અને કોઈની પાસે પોતાનું ધાર્યું કરાવવું એ બંને બહુ જ અલગ-અલગ વસ્તુ છે. પરિવારમાં તો સૌથી વધુ વર્ચસ્વની લડાઈ રમાતી હોય છે. સાસુને ન ગમે એવું ન થઈ શકે, સાસુ માથાભારે વહુથી ડરતી હોય, સસરાનું કંઈ ન ચાલતું હોય, પતિ પાસે ધાર્યું કરાવતી વહુથી માંડીને ભીંડાનું શાક બનાવવાનું હોય તો એ ભીંડા કેવી રીતે કાપવા એ પણ ધાર્યું કરાવવાની વ્યાખ્યામાં આવી જતું હોય છે. પરિવારમાં જેનો સૂઝકો હોય એનું વધારે ઉપજતું હોય છે. તેમ છતાંય પેઢીઓથી કિચન પોલિટિક્સ સૌથી વધુ પાવરફુલ રહેલું છે.  
પત્ની અને માતા વચ્ચેની લડાઈમાં ક્યાંયનો ન રહેતો પુરુષ ઘણી વખત તો એવો ફસાઈ જાય છે કે, કોઈક વાર તો એને વિચાર આવી જ જાય છે કે, લગ્ન ન કર્યાં હોત તો સારું હતું. અત્યારના સમયમાં ઘણાં ઘરોમાં દીકરી સાસરે હોય, એક જ દીકરો હોય અને મા-બાપ સાથે રહેતા હોય આવું વધુ જોવા મળે છે. બે દીકરા હોય તો મા-બાપ બંનેના ઘરે કે બેમાંથી એકના ઘરે રહેવાનું પસંદ કરે. અથવા તો બેમાંથી એક સાથે વધુ ફાવતું હોય ત્યાં રહે છે. ઘરોમાં ખેલાતી વર્ચસ્વની લડાઈ ક્યારેક એટલી વરવી બની જાય છે કે, સંબંધો જ સવાલો બની જાય છે.  
માતા વગર એક પળ ન ચાલતું હોય એવો દીકરો થોડાં વર્ષો કે મહિનાઓમાં વહુનો થઈ જાય એ માતા માટે સહન કરવું અઘરું પડે છે. હકીકત એ હોય છે કે, પચીસ- સત્યાવીસ વર્ષ સુધી દીકરા ઉપર એકચક્રી પ્રેમ કે શાસન ભોગવ્યું હોય એ માતા વહુ માટે જેટલી સહજ થાય એટલું બધાં પક્ષે સરળ રહે છે. આપણે ત્યાં સંબંધોમાં જ્યારે પઝેસીવનેસ આવી જાય છે ત્યારે એકબીજાની પજવણી શરુ થઈ જાય છે.  
વાસણ હોય તો ખખડે પણ પછી એ વાસણો સામેસામા અથડાય એમાં ગોબા પડવા માંડે ત્યારે લાગણીઓ ઊંડી ખીણમાં ધસી જતી હોય છે. દરેક વ્યક્તિની જતું કરવાની એક મર્યાદા હોય છે. સમજદારી જ્યારે સહનશીલતાની હદ વટી જાય ત્યારે સંબંધો ખોડંગાવા માંડે છે. એક વખત સરસ રીતે જીવાયેલાં સંબંધોમાં જીવ જ ન રહે ત્યારે બધું ખતમ થવાને આરે આવી જાય છે.  
સમજણ સાથેનો કોઈ પણ માણસ ક્યારેય વિવાદોમાં ઉતરતો નથી. પણ સંવાદ થાય ત્યાં વિવાદ થવો. સવાલ એ હોય છે કે એ વિવાદ મનભેદ કે મતભેદ વચ્ચેની પાતળી રેખાને અતિક્રમી જાય ત્યારે પરિસ્થિતિ સંભાળવી અઘરી બનાવે છે. વર્ચસ્વ, અહમ્ અને સચ્ચાઈની લડાઈ સમજદારી સાથે જ જીતી શકાય. પણ પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે એ વર્ચસ્વની લડાઈમાં અહમને ઘૂસાડી દઈને સચ્ચાઈનો મૃત્યુઘંટ વગાડી દઈએ છીએ. વળી, લડાઈમાં આપણી સમજને ક્યારે તાળા વાગી જાય છે એની આપણને જ ખબર નથી હોતી. આ તાળાની ચાવી એવી જગ્યાએ મૂકી દઈએ છીએ કે, સંબંધને ગૂમાવી દીધા પછી પણ આપણે એ ચાવી શોધવાની તસ્દી નથી લેતા હોતાં.  
સંબંધોમાં આવી લડાઈ ચાલતી હોય ત્યારે ક્યાં-કેટલું બોલવું અને મૌન રહેવું એ આવડી જાય તો ઘણું બધું સચવાઈ જતું હોય છે. પણ સમસ્યા એ હોય છે કે, બધું ખોરવાઈ જાય ત્યારે આપણને ખબર પડે છે સાચવવાની જરુર હતી એ સંબંધની જ બલિ ચડી ગઈ છે. ધરાર અને ઢસડાતાં સંબંધો દુનિયાને બતાવવા પૂરતાં બની રહે ત્યારે સમજદારી રુંધાતી હોય છે. બધું જ ધબકવા દેવું હોય તો સમજદારીને સોળે કળાએ ખીલવા દઈને સંબંધોની જીવી જવામાં જ જિંદગી છે. 
jyotiu@gmail.com