Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વર્ષ 1986માં Mahipatsinh Jadeja Ribda ના પંપ પર હુમલો કરી ધાડ પાડનારી નટ ટોળકીનો સાગરીત ઝડપાયો

05:09 PM May 03, 2023 | Bankim Patel

એક ફિલ્મી ડાયલોગ ખૂબ જ પ્રચલિત છે ‘કાનૂન કે હાથ લંબે હોતે હૈ’ આ ડાયલોગ વાસ્તવમાં સાચો છે. દસકાઓ સુધી પોલીસ પકડથી દૂર રહેલાં ગુનેગારો આખરે જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યાં છે. ગુજરાતની પંચમહાલ જિલ્લા પોલીસે ગોંડલ તાલુકાના રીબડા (Ribda) ગામના મહિપતસિંહ જાડેજા (Mahipatsinh Jadeja) ના પેટ્રોલ પંપ પર ધાડ પાડવાના 36 વર્ષ જૂના કેસમાં ફરાર આરોપી ભારતીયા નટને ઝડપી લીધો છે. પકડાયેલા આરોપી ભારતીયા છત્રા નટને ગોંડલ તાલુકા પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપી દેવાયો છે. પેટ્રોલ પંપના માલિક સ્વર્ગસ્થ મહિપતસિંહ જાડેજા આજે આ ઘટનાને જાણવા હયાત નથી.

શું હતી આખી ઘટના ?વર્ષ 1986ની તારીખ 21 સપ્ટેમ્બરના રોજ રીબડા ગામે હાઈવે પર આવેલા ભારત પેટ્રોલિયમ (Bharat Petroleum) ના પંપ પર પથ્થરમારો કરી ધાડ પાડવામાં આવી છે તેવો સંદેશો મધ્યરાત્રિ બાદ પોલીસને મળ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન (Gondal Taluka Police Station) ના તત્કાલિન PSI ટી એન ઠાકોર તેમની ટીમ સાથે તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. રીબડાના મહિપતસિંહ જાડેજા (Mahipatsinh Jadeja Ribda) ની માલિકીના પેટ્રોલ પંપ પર નોકરી કરતા સુરેશભાઈ કુંભારે પોલીસને ફરિયાદ આપી હતી કે, મધ્યરાત્રિ બાદ સવા એક વાગ્યાના સુમારે અચાનક પથ્થરમારો શરૂ થયો હતો. 6 થી 8 શખ્સો લાકડીઓ સહિતના હથિયારો સાથે આવી પેટ્રોલ પંપના કાચ તોડી નાંખી કેશ કેબિનમાં ઘૂસી આવ્યા હતા. આદિવાસી-ગુજરાતી ભાષા બોલતી ટોળકીએ કેબિનની તિજોરીના ચાવી માગી હતી. ફરિયાદી સુરેશભાઈ તે સમયે ભાગવા જતાં તેમની પીઠ પર આરોપીઓએ લાકડી ફટકારી હતી. બૂમાબૂમ અવાજ થતાં બાજુમાં આવેલી માતૃ કૃપા લોજમાંથી મહિપતસિંહના પુત્ર રામદેવસિંહ સહિતના લોકો દોડી આવતા ટોળકી નાસી છૂટી હતી.એક આરોપીનું મોત અન્ય એક ફરારપોલીસે ઘટના બાદ લૂંટારૂ ટોળકી લઈને આવી હતી તે હથિયારો પૈકી લાકડીઓ, કુહાડી અને કોશ કબજે લીધી હતી. પકડાયેલા આરોપી શંકર નટ અને વાલમસી નટની આગવી ઢબે કરાયેલી પૂછપરછમાં તેમણે પોતાના સાચા નામ દિવસો બાદ આપ્યા હતા. અન્ય ફરાર આરોપી ભારતીયા નટ, રાજારામ નટ, ભજનીયા નટ અને પોપટ નટ (તમામ રહે. ભૂરખલ ગામ, તાલુકો શહેરા) ના નામ પણ રિમાન્ડ દરમિયાન પોલીસે જાણવા મળ્યા હતા. લાંબી તપાસ બાદ પોલીસે રાજારામ નટને પકડી પાડ્યો હતો. જ્યારે ભારતીયા નટ, ભજનીયા નટ અને પોપટ નટ વર્ષોઓ સુધી પોલીસ ચોપડે ફરાર હતા. દરમિયાનમાં પોપટ નટ મોતને ભેટ્યો હતો. જ્યારે ભજનીયા નટ આજે પણ પોલીસની પહોંચથી દૂર છે. ભારતીયા નટની પંચમહાલ પોલીસે (Panchmahal Police) 36 વર્ષ બાદ ધરપકડ કરી છે.

મહિપતસિંહે પીછો કરી બે આરોપીને જીપમાં લઈ આવ્યાપેટ્રોલ પંપ પર ધાડ પડી હોવાની જાણ થતા મહિપતસિંહ રીબડા (Mahipatsinh Ribda) તેમના સાથી મિત્રો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. પકડાઈ જવાના ડરથી નાસી છૂટેલી ટોળકીને પકડવા મહિપતસિંહ જાડેજાએ તેમનો જીપમાં પીછો કર્યો હતો. ખેતરોના પાકની આડમાં નાસી રહેલા ધાડપાડુઓને પકડવા માટે મહિપતસિંહે પોતાની પાસે રહેલી બંદૂકમાંથી ભડાકો કર્યો હતો. મહિપતસિંહ અને તેમના મિત્રોએ બે ધાડપાડુઓને ઘટના સ્થળથી થોડેક દૂરથી ઝડપી લીધા હતા અને બંનેને જીપમાં નાંખી પેટ્રોલ પંપ પર લઈ આવી પોલીસને સોંપ્યા હતા. ગોંડલ તાલુકા પોલીસે પણ ફરાર આરોપીઓને પકડવા વહેલી સવાર સુધી પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય કોઈ આરોપી હાથ લાગ્યો ન હતો.

36 વર્ષ બાદ કેવી રીતે પકડાયો આરોપી ?પંચમહાલ જિલ્લા (Panchmahal District) પોલીસના પેરોલ ફર્લો સ્કવૉડ (Parole Furlough Squad) ના ASI હાર્દિક ગઢવી 4 મહિના અગાઉ 36 વર્ષથી ધાડ કેસમાં ફરાર ભારતીયા છત્રા નટની તપાસ કરવા તેના વતન ભૂરખલ ગામે ગયા હતા. થોડાક દિવસો અગાઉ હાર્દિક ગઢવીને જાણકારી મળી હતી કે, ભારતીયો તેના ઘરે આવ્યો છે. પેરોલ ફર્લો સ્કવૉડની ટીમ પ્રથમ વખત તેના ઘરે ગઈ ત્યારે ભારતીયા નટ ઘરે હાજર મળ્યો ન હતો. પોલીસ ટીમ બીજી વખત પહોંચી ત્યારે તે બાઈક લઈને નીકળી ગયો હતો. ત્રીજી વખત પેરોલ ફર્લો સ્કવૉડના PSI બી.એમ. રાઠોડ (ઉ.44),  ASI હાર્દિક ગઢવી (ઉ.34), HC કલ્પેશભાઈ બાબુભાઈ (ઉ. 37) અને PC હિતેશ આરતસિંહ (ઉ. 45) આરોપીના ઘરે પહોંચ્યા તો એક વ્યક્તિ મળી આવ્યો. પોલીસે તેનું નામ પૂછતાં તેણે પોતાની ઓળખ ગુણંનત શંકરભાઈ જણાવી પોલીસને ગુમરાહ કરવાની કોશિષ કરી હતી. જો કે, પોલીસ પાસે ઠોસ માહિતી હોવાથી તેની અંગજડતી અને ઘરમાં તપાસ કરતા આધાર કાર્ડ (Aadhar Card) તથા વૉટર આઈડી (Voter ID) મળી આવતા ભારતીયા નટની પોલ ખૂલી ગઈ હતી.

મહારાષ્ટ્રના પૂણેમાં છુપાયો હતો આરોપીરીબડા ગામે પેટ્રોલ પંપ પર ધાડ પાડવા ગયેલા સાગરીતો પૈકી બે જણા પકડાઈ જતા ભારતીયા નટ ભૂરખલ ગામે આવ્યો હતો અને પરિવારના સભ્યોને લઈને ફરાર થઈ ગયો હતો. ભારતીય નટને સંતાનોમાં 7 પુત્રો અને 3 પુત્રી છે. ત્રણેય પુત્રીઓના લગ્ન થઈ ગયા છે. ભારતીયા નટ તેના પુત્રો-પરિવાર સાથે 36 વર્ષથી મહારાષ્ટ્રના પૂણે (Pune Maharastra) માં રહે છે અને દેશી દારૂ બનાવવાનો ધંધો કરી રહ્યો હતો.

હ્યુમન ઈન્ટેલિજન્સ કામ કરી ગયું : SP પંચમહાલપંચમહાલ એસપી (Panchmahal SP) હિમાંશુ સોલંકી (Himanshu Solanki IPS) એ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 36 વર્ષથી વૉન્ટેડ આરોપી પકડાવમાં હ્યુમન ઈન્ટેલિજન્સ કામ કરી ગયું છે. 36 વર્ષ જૂના કેસના આરોપીને શોધી કાઢવા માટે પોલીસ ટીમ સતત પ્રયત્નશીલ રહી છે અને આ તેનું પરિણામ છે. અત્રે નોંધનીય છે કે, નટ જાતિના રિઢા ગુનેગારો મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું હંમેશા ટાળે છે. ક્યારેક કોઈનો સંપર્ક કરવાનો થાય તો તે અન્યના મોબાઈલ ફોનનો જ ઉપયોગ કરે છે.

આ પણ વાંચો – AHMEDABAD નો આ VIRAL VIDEO જોઈને તમારા રૂવાંડા ઉભા થઈ જશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ