Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કર્ણાટકમાં 75 ટકા થઇ જશે અનામત, જીત બાદ રાહુલે કહ્યું પ્રથમ કેબિનેટમાં જ પુરા કરીશું વચનો

06:01 PM May 13, 2023 | Vishal Dave

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું કે અમે ચૂંટણી દરમિયાન કર્ણાટકની જનતાને 5 વચનો આપ્યા હતા. આ વચનો પ્રથમ દિવસે પ્રથમ કેબિનેટમાં પૂરા કરવામાં આવશે. કોંગ્રેસે તેના ઢંઢેરામાં કર્ણાટકની જનતાને પાંચ મોટા વચનો આપ્યા હતા. કોંગ્રેસે કહ્યું હતું કે, કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં તમામ મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. નવી શિક્ષણ નીતિને રદ કરીને રાજ્યની શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે. ઢંઢેરામાં જણાવ્યું હતું કે 63 સરહદી તાલુકાઓમાં કન્નડ ભાષા અને સંસ્કૃતિનો વિકાસ કરવામાં આવશે અને તમામ સમુદાયોની આશાઓ અને આકાંક્ષાઓને સમાવવા માટે અનામતની મહત્તમ મર્યાદા 50 % થી વધીને 75% કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં જીત માટે રાજ્યની જનતાનો આભાર માન્યો
રાહુલ ગાંધીએ કર્ણાટકમાં જીત માટે રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. આ સાથે જ ભાજપ પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે, રાજ્યમાં પ્રેમની જીત થઈ છે અને નફરતની હાર થઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે ગરીબોના મુદ્દે લડ્યા હતા. અમે આ યુદ્ધ પ્રેમથી લડ્યા. કર્ણાટકના લોકોએ અમને બતાવ્યું કે આ દેશ પ્રેમને પસંદ કરે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે. પ્રેમની દુકાનો ખુલી છે. તે દરેકની જીત છે. આ કર્ણાટકની જનતાની જીત છે.

મહિલાઓ અને બેરોજગારોને મળશે ભથ્થું
કોંગ્રેસે તેના ઢંઢેરામાં વચન આપ્યું હતું કે પરિવારની દરેક મહિલા વડાને 2,000 રૂપિયા પ્રતિમાસ ભથ્થું આપવામાં આવશે. આ ઉપરાંત, બેરોજગાર સ્નાતકોને દર મહિને રૂ. 3,000 અને બે વર્ષ માટે બેરોજગાર ડિપ્લોમા ધારકોને દર મહિને રૂ. 1,500 આપવામાં આવશે.

નાઇટ ડ્યુટી કરનારા પોલીસ કર્મચારીઓનું ભથ્થું
આ ઉપરાંત નાઇટ ડ્યુટી કરનારા પોલીસ અધિકારીઓને દર મહિને રૂ.5000 નું વિશેષ ભથ્થુ આપવાની જાહેરાત પણ કરી હતી. આ સાથે જ સત્તામાં આવ્યાના એક વર્ષની અંદર ભાજપ દ્વારા પસાર કરાયેલા જનવિરોધી કાયદાઓ અને તમામ અન્યાયી કાયદાઓ રદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

200 યૂનિટ વિજળી મફતમાં આપવામાં આવશે
કર્ણાટકની જનતાને ગૃહ જ્યોતિ યોજના દ્વારા 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. અન્નભાગ્ય યોજના હેઠળ 10 કિલો ચોખા આપવાનું પણ કહેવાયું હતું. આગામી 5 વર્ષમાં ખેડૂત કલ્યાણ માટે રૂ. 1.5 લાખ, પાકના નુકસાન માટે રૂ. 5000 કરોડ અને નાળિયેરના ખેડૂતો અને અન્યો માટે એમએસપી સુનિશ્ચિત કરવાની પણ જાહેરાત કરી.

જીત પર સિદ્ધારમૈયાએ શું કહ્યું?
સિદ્ધારમૈયાએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવવા જઈ રહી છે. અમે પ્રચાર દરમિયાન એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસને લગભગ 130 બેઠકો મળશે. આ એક મોટી જીત છે. કર્ણાટકના લોકો પરિવર્તન ઈચ્છે છે. તેઓ ભાજપ સરકારથી કંટાળી ગયા હતા. આ ચૂંટણીનું પરિણામ લોકસભાની ચૂંટણી માટે એક પગથિયું છે. મને આશા છે કે તમામ બિન-ભાજપ પક્ષો સાથે આવશે. મને આશા છે કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે.