Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જામનગરના વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો.ગૌરવ ગાંધીનું નિધન, તબીબી આલમ સ્તબ્ધ..!

12:29 PM Jun 06, 2023 | Vipul Pandya
અહેવાલ–નાથુ રામડા, જામનગર
તબીબી જગતમાં શોકની લાગણી
વહેલી સવારે પેલેસ રોડ ખાતેના પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળેલા ડો.ગૌરવ ગાંધીને સઘન સારવાર અપાયા બાદ મૃત જાહેર કરાયા
કારર્કીદીમાં ૧૬ હજારથી વધુ હદયની સર્જરી કરનારા નિષ્ણાંત જ પોતાના હદયના ધબકારા સમજી ન શકયા
વિધીની વક્રતા કે પછી ઓવર સ્ટ્રેસ જવાબદાર ?
સાંજે અંતિમ સંસ્કાર
જામનગરના વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો.ગૌરવ ગાંધીનું આજે વહેલી સવારે કાર્ડીયાક એરેસ્ટના કારણે નિધન થતાં તબીબી જગત સ્તબ્ધ છે. હદય બંધ શું કામ પડી ગયું ? એ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. સાંજે સદગતની અંતિમ યાત્રા નિકળશે. તેઓ પોતાની પાછળ વૃઘ્ધ માતા-પિતા, પત્ની, બે સંતાન અને બહેન-બનેવીને વિલાપ કરતા છોડી ગયા છે. આ અહેવાલો સામે આવ્યા બાદ જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના હદયરોગના નિષ્ણાંતોમાં ભારે શોકની લાગણીની સાથે અનેક સવાલો પણ ઉઠયા છે જેનો જવાબ હાલની તકે કોઇની પાસે નથી કે આખરે એકાએક કાર્ડીયાક એરેસ્ટ શું કામ આવી રહ્યા છે.
વહેલી સવારે બેભાન હાલતમાં મળ્યા
આ દુ:ખદ ઘટનાની મળતી માહિતી મુજબ જામનગર એસ.ટી. સ્ટેન્ડની સામે શારદા હોસ્પિટલ ખાતે સેવા આપતા ડો.ગૌરવ ગાંધી ગઇકાલ રાત સુધી રાબેતા મુજબ દર્દીઓની સારવાર આપવામાં વ્યસ્ત હતાં અને ત્યારબાદ રાત્રે પેલેસ રોડ ખાતે આવેલ સામ્રાજય એપાર્ટમેન્ટના ત્રીજા ફલોર પર પોતાના ઘરે પહોંચીને નિત્ય ક્રમ મુજબ ભોજન કરીને રાત્રે સુઇ ગયા હતાં. વહેલી સવારે ૬ વાગ્યે તેઓ બેભાન હાલતમાં મળી આવતાં તાત્કાલીક સગા-સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતાં અને ૧૦૮ મારફત જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં હ્રદયરોગના નિષ્ણાંત તબીબોએ બે કલાક સુધી સઘન સારવાર આપી હતી પરંતુ ઘરેથી જ અત્યંત બેભાન હાલતમાં રહેલા ડો.ગૌરવ ગાંધીને બચાવી શકાયા ન હતાં અને સારવાર બાદ એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
૧૬ હજારથી વધુ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીની સર્જરીઓ કરી હતી
૧૯૮૨માં જન્મેલા ૪૧ વર્ષના ડો.ગૌરવ ગાંધી પોતાના કામમાં ખુબ જ ગંભીર હતાં. કારર્કીદી દરમ્યાન એમણે ૧૬ હજારથી વધુ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીની હ્રદયની સર્જરીઓ કરી હતી. આ કેવી વિધીની વક્રતા છે કે હજારો લોકોના હ્રદયના ધબકારા પરથી જ હ્રદયની ચાલ સમજી જનારા હ્રદયરોગના નિષ્ણાંત ડો.ગૌરવ ગાંધી પોતાના હ્રદયના ધબકારા કદાચ સમજી શકયા નહીં.
કારણ જાણવા પીએમ કરાવાયું
તેઓ પોતાની પાછળ પિતા દિનેશચંદ્ર ગાંધી, માતા કુસુમબેન ગાંધી, પત્ની ડો.દેવાંશી ગાંધી (ડેન્ટીસ્ટ) અને સંતાનો પુત્રી ધનવી તથા પુત્ર પ્રખરને વિલાપ કરતા છોડી ગયા છે. સંભવત સાંજ સુધીમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આમ તો કાર્ડીયાક એરેસ્ટના કારણે જ ડો.ગૌરવ ગાંધીનું નિધન થયું છે આમ છતાં સ્પષ્ટ કારણ જાણવા માટે જી.જી.હોસ્પિટલમાં પોર્સ્ટમોટમ કરવામાં આવ્યું છે જેથી કરીને કાર્ડીયાક એરેસ્ટ સંબંધે વધુ સ્પષ્ટ કારણ જાણી શકાય.
સૌરાષ્ટ્રભરના તબીબોમાં આઘાતની લાગણી
ગઇ રાત સુધી તદન નોર્મલ દેખાતા ડો.ગૌરવ ગાંધી સાથે જામનગરની સરકારી કોવીડ હોસ્પિટલના નોડલ ઓફીસર અને અધીક ડીન ડો.એસ.એસ.ચેટરજી દ્વારા સાંજે જ એક પેસેન્ટને લઇને વાતચીત કરવામાં આવી હતી, ત્યારે પણ ડો.ગૌરવ ગાંધી હંમેશની જેમ નોર્મલ હતાં. આજે સવારે જયારે એમને કાર્ડીયાક એરેસ્ટ સંબંધે વિગતો બહાર આવતા જામનગર સહિત સૌરાષ્ટ્રભરના તબીબોમાં આઘાતની લાગણી ફેલાઇ છે. છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતા-રમતા, લગ્નમાં ડાન્સ કરતા-કરતા, જીમ કરતા-કરતા, ઓફીસમાં બેઠાં-બેઠાં અને વોર્કિગ કરતા-કરતા યુવાનોથી લઇને વૃઘ્ધોના નિધન થઇ રહ્યા છે. તાજેતરમાં એક ૧૪ વર્ષના બાળકનું પણ ક્રિકેટ રમતા-રમતા નિધન થયું હતું, આ પ્રકારની ઘટનાઓ શું કામ વધી રહી છે ? અને હવે તો હદયરોગના નિષ્ણાંતો પણ કાર્ડીયાક એરેસ્ટનો ભોગ બની રહ્યા છે ત્યારે સવાલ ગંભીર બન્યો છે અને તાત્કાલીક અસરથી કાર્ડીયાક એરેસ્ટ શું કામ થઇ રહ્યા છે ? તેના કારણો જાણવાની આવશ્કયતા ઉભી થઇ છે. થોડા અરસા પહેલા જ જામનગરમાં જોગસપાર્ક પાસે વોકીંગ કરતા-કરતા જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો.મીલન ચગના ભાઇ ડો.સંજીવ ચગનું પણ કાર્ડીયાક એરેસ્ટના કારણે નિધન થયું હતું અને વધુ એક વખત જામનગરના તબીબી જગતને આંચકો આવ્યો છે.