+

IND vs ENG 3rd Test : રોહિત-જડ્ડુની શાનદાર સદી, સરફરાજ ખાને ડેબ્યૂ ટેસ્ટમાં ફટકારી અડધી સદી

IND vs ENG 3rd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજે ગુરુવાર (15 ફેબ્રુઆરી) થી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ (Niranjan Shah Cricket Stadium)…

IND vs ENG 3rd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજે ગુરુવાર (15 ફેબ્રુઆરી) થી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ (Niranjan Shah Cricket Stadium) માં રમાઈ રહી છે. ટોસ (Toss) જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે (Team India) પ્રથમ દિવસે રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજાની સદી અને ડેબ્યૂ બોય સરફરાજ ખાન (Sarfraj Khan) ની અડધી સદીની મદદથી 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં રવિન્દ્ર જાડેજા (110) અને કુલદીપ યાદવ (1) રન બનાવી રહ્યા હતા.

રોહિતની સદી

રોહિત શર્મા લાંબા સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ પહેલા રોહિત અફઘાનિસ્તાન સામે રમાયેલી T20 સિરીઝની બે મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. પરંતુ રોહિતે ત્રીજી મેચમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. હવે રોહિત શર્માએ લાંબા સમય બાદ રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે તેની ટેસ્ટ કારકિર્દીની 11મી સદી પૂરી કરી. આ સિવાય રોહિતે ભારત માટે ટેસ્ટમાં 16 અડધી સદી પણ ફટકારી છે. 10 ઓવરમાં ઝડપથી 3 વિકેટ ગુમાવ્યા બાદ રોહિતે એક છેડો પકડી રાખ્યો હતો. રોહિતે જાડેજા સાથે સદીની ભાગીદારી કરી હતી. આ શ્રેણીમાં ભારત માટે આ પ્રથમ સદીની ભાગીદારી પણ છે. રોહિત શર્માએ પોતાની સદીની ઇનિંગ્સમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. આ પછી રોહિત શર્માએ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક ખાસ રેકોર્ડ પણ તોડ્યો. જણાવી દઈએ કે રોહિત શર્માના ટેસ્ટ કરિયરની આ 11મી સદી છે અને ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માની આ ત્રીજી સદી છે.

રોહિતે ધોનીનો રેકોર્ડ તોડ્યો

રાજકોટ ટેસ્ટ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપની ઇનિંગ જોવા મળી હતી. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બીજા સ્થાને હતો. જેણે પોતાના ટેસ્ટ કરિયરમાં 78 સિક્સર ફટકારી હતી. જ્યારે રોહિત શર્માએ અત્યાર સુધી 79 ટેસ્ટ સિક્સર ફટકારી છે. આ સાથે જ ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. જણાવી દઈએ કે સેહવાગે ટેસ્ટમાં 91 સિક્સર ફટકારી હતી. જો રોહિત શર્મા ટેસ્ટમાં આ રીતે રમવાનું ચાલુ રાખશે તો તે ચોક્કસપણે આ રેકોર્ડમાં સેહવાગને પણ પાછળ છોડી દેશે.

બાપુએ રાખ્યો રંગ

આજે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. જેમા ફેન્સ રવિન્દ્ર જાડેજા પર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા હતા કે આજે જડ્ડુ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ધમાકેદાર ઇનિંગ રમી તેમને ખુશ કરશે. જોકે, બન્યું પણ કઇંક આવું જ. આજે રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા પોતાના ટેસ્ટ કેરિયરની ચોથી સદી ફટકારી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરવા આવેલા રવિન્દ્ર જાડેજાએ પોતાના ધૈર્ય અને અનુભવનો પરિચય આપ્યો હતો. સૌથી પહેલા જડ્ડુએ કેપ્ટન રોહિત શર્મા સાથે ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી હતી. ત્યારબાદ જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. જ્યારે જાડેજા બેટિંગ કરવા આવ્યો હતો તે સમયે ભારતે તેની પ્રથમ 3 મહત્વની વિકેટ માત્ર 33 રનમાં ગુમાવી દીધી હતી. જે બાદ રવિન્દ્ર જાડેજાએ રોહિત શર્મા સાથે 200થી વધુ રનની ભાગીદારી કરી અને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.

પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સરફરાઝે 100થી વધુના સ્ટ્રાઈક રેટથી ફિફ્ટી ફટકારી

રાજકોટમાં મેચ રમાય અને પુજારા ન રમે તે જોવું ફેન્સ માટે થોડું દુખદ છે પણ તેની જગ્યાએ ટીમમાં સ્થાન મેળવેલા સરફરાજ ખાને શાનદાર બેટિંગ કરી ફેન્સને ખુશી આપી હતી. જણાવી દઇએ કે, ત્રીજી ટેસ્ટ મેચનો આજે પ્રથમ દિવસ કેપ્ટન રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને સરફરાઝ ખાનના નામે રહ્યો હતો. 5 મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી, જ્યારે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં રમી રહેલા સરફરાઝ ખાને ઝડપી ફિફ્ટી ફટકારી હતી. સરફરાઝ ખાન 66 બોલમાં 62 રન બનાવીને રનઆઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ તે પહેલા સરફરાઝે 100થી વધુના સ્ટ્રાઈક રેટથી ફિફ્ટી ફટકારી હતી. 26 વર્ષીય સરફરાઝે છેલ્લા 4-5 વર્ષમાં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને હવે તેને તેનો પુરસ્કાર મળ્યો છે.

સરફરાઝને બેબ્યૂ ટેસ્ટમાં જોઇ પિતા અને પત્ની રડી પડ્યા

સખત મહેનત અને લાંબી રાહ જોયા બાદ સરફરાઝને ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. સરફરાઝ જ્યારે મેદાન પર આવ્યો ત્યારે તેના પિતા અને પત્ની સ્ટેડિયમમાં હાજર હતા. તેની પ્રથમ રન પર, તેના પિતા અને પત્ની ઉભા થયા અને તાળીઓ પાડી હતી. આ પછી સરફરાઝની ફિફ્ટી થતાં જ તેના પિતાની પ્રતિક્રિયા જોવા જેવી હતી. સરફરાઝે 48 બોલ પર 50 રન બનાવ્યા હતા. આ રીતે સરફરાઝે 104.2ના સ્ટ્રાઈક રેટથી ફિફ્ટી ફટકારી હતી. સરફરાઝ ખાને 66 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 9 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

ટીમ ઈન્ડિયાએ એક સમયે 33 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ મળીને ઇનિંગને સંભાળી હતી. રોહિત શર્મા 131 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ 10 રન, શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના અને રજત પાટીદાર 5 રન બનાવીને આઉટ થયા હતા. ભારતે પહેલી વિકેટ 22 રનમાં, બીજી વિકેટ 24 રનમાં અને ત્રીજી વિકેટ 33 રનમાં ગુમાવી હતી. ભારતને ચોથો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. રોહિત 131 રન બનાવીને માર્ક વુડનો શિકાર બન્યો હતો. માર્ક વૂડે ત્રણ વિકેટ લીધી હતી જ્યારે એક વિકેટ ટોમ હાર્ટલીના ખાતામાં ગઈ હતી.

આ પણ વાંચો – IND vs ENG: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી, સરફરાઝ અને ધ્રુવ ડેબ્યૂ કરશે

આ પણ વાંચો – WPL-2024 : ઓસ્ટ્રેલિયાની આ મહિલા ક્રિકેટરને મળી ગુજરાત જાયન્ટ્સની મહત્ત્વની જવાબદારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter