+

Maharashtra : 10થી 12 ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડે તેવી અટકળો

Maharashtra POLITICS: મહારાષ્ટ્ર( Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દઇ લોકસભા ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા જ વિપક્ષી ગઠબંધન ઈન્ડિ ગઠબંધનને મોટો…

Maharashtra POLITICS: મહારાષ્ટ્ર( Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દઇ લોકસભા ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા જ વિપક્ષી ગઠબંધન ઈન્ડિ ગઠબંધનને મોટો ફટકો આપ્યો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડે પણ ચવ્હાણનું રાજીનામું સ્વીકારી લીધું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ કોંગ્રેસ છોડ્યાના ગણતરીના દિવસો બાદ તેમણે પણ રાજીનામુ આપ દેતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ચવ્હાણને રાજ્યસભાની સીટ ઓફર કરી શકે છે. ચવ્હાણની વિદાય બાદ કોંગ્રેસમાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હોવાના અહેવાલ છે. 10થી 12 ધારાસભ્યો પણ ચવ્હાણના સંપર્કમાં છે જે ગમે ત્યારે પક્ષ બદલી શકે છે.

ધારાસભ્ય પદ પરથી પોતાનું રાજીનામું પણ સ્પીકરને મોકલી દીધું

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા નાના પટોલેને લખેલા એક લીટીના રાજીનામાના પત્રમાં અશોક ચવ્હાણે લખ્યું છે કે, “હું 12/02/2024 ના રોજ બપોરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી મારું રાજીનામું સુપરત કરું છું.” 65 વર્ષીય નેતાએ ધારાસભ્ય પદ પરથી પોતાનું રાજીનામું પણ સ્પીકરને મોકલી દીધું છે.

રાજીનામા બાદ ચવ્હાણે શું કહ્યું?

રાજીનામું આપ્યા પછી પત્રકારો સાથે વાત કરતા અશોક ચવ્હાણે કહ્યું કે, “મે ધારાસભ્ય પદ તેમજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એક-બે દિવસમાં હું નક્કી કરીશ કે આગળ શું કરવું. મે મારા જીવનમાં સંપૂર્ણપણે કોંગ્રેસ માટે કામ કર્યું છે પરંતુ હવે હું વિકલ્પો શોધી રહ્યો છું.” તેમણે કહ્યું કે હું આખી જીંદગી કોંગ્રેસી રહ્યો છું અને પાર્ટી માટે ઈમાનદારીથી કામ કર્યું છે. મને નથી લાગતું કે મારે દરેક વખતે સમજાવવું પડશે કે મેં પાર્ટી કેમ છોડી છે, તે મારું અંગત કારણ છે.”

ભાજપમાંથી રાજ્યસભામાં જશે

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અશોક ચવ્હાણને રાજ્યસભાની સીટ ઓફર કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 10 થી 12 ધારાસભ્યો પણ ચવ્હાણના સંપર્કમાં છે અને આગામી સમયમાં પક્ષ બદલશે. ચવ્હાણના આગામી પગલા વિશે અટકળો વચ્ચે, ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાહ જોવા અને શું થશે તે જોવાનું કહ્યું હતું.

કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં

ફડણવીસે કહ્યું, “મેં અશોક ચવ્હાણ વિશે મીડિયામાંથી સાંભળ્યું હતું. પરંતુ હવે હું એટલું જ કહી શકું છું કે કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. જે નેતાઓ જનતા સાથે જોડાયેલા છે તેઓ કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવે છે. કેટલાક મોટા ચહેરાઓ કોંગ્રેસમાં જોડાશે તેવો વિશ્વાસ છે. જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે?

2008થી નવેમ્બર 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2008થી નવેમ્બર 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેલા ચવ્હાણને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક ગણવામાં આવતા હતા. મુંબઈમાં આદર્શ હાઉસિંગ કૌભાંડમાં તેમની કથિત સંડોવણીને કારણે તેમણે 2010માં પદ છોડી દીધું હતું. ચવ્હાણ, જેઓ મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ જિલ્લાના છે, તેમણે 2014-19 દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત પાર્ટીમાં વિવિધ હોદ્દા સંભાળ્યા છે. તેઓ અન્ય ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરરાવ ચવ્હાણના પુત્ર છે.

ચવ્હાણના વફાદારોએ પણ રાજીનામું આપી દીધું

ચવ્હાણના રાજીનામા બાદ તેમના કેટલાક વિશ્વાસુઓએ પણ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય અમરનાથ રાજુરકર, જેમનો કાર્યકાળ હમણાં પૂરો થયો છે, ચવ્હાણની સાથે કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. કાઉન્સિલર અને મુંબઈ જિલ્લા પ્રમુખ જગદીશ અમીને પણ તેમના પક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ફડણવીસ અને ભાજપના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસે શું કહ્યું?

અશોક ચવ્હાણના પાર્ટીમાંથી બહાર થયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે તેમની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું, “આ વિશ્વાસઘાતીઓને ખ્યાલ નથી કે તેમના બહાર નીકળવાથી તે લોકો માટે નવી તકો ખુલશે જેમના વિકાસને તેઓએ હંમેશા અવરોધિત કર્યા છે.”

તે આશ્ચર્યચક્તિ છે

બીજી બાજુ, ઉદ્ધવ ઠાકરેએ પણ આ મામલે કહ્યું કે તે આશ્ચર્યચક્તિ છે. મને અશોક ચવ્હાણ વિશે આશ્ચર્ય થાય છે. તેઓ ગઈકાલ સુધી બેઠક વહેંચણીમાં ભાગ લેતા હતા અને અચાનક બદલાઈ ગયા. મને લાગે છે કે તેઓ રાજ્યસભા માટે ગયા છે. એવું લાગે છે કે દરેક વ્યક્તિ પોતાના વિશે વિચારી રહ્યો છે.”

આ પણ વાંચો—-MAHARASHTRA : અશોક ચવ્હાણે કોંગ્રેસ કેમ છોડી? હવે ભાજપ રાજ્યસભા મોકલી શકે છે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter