+

World Music Day: આ ગામમાં છે કલાકરોની ફોજ, દરેકની જીભ પર વસે છે સરસ્વતી

World Music Day: સંગીત જે ગાયન, નૃત્ય અને વાદ્ય ત્રણેયમાં ભાગ ભજવે છે. ભાગ્યે જ કોઈ એવા વ્યક્તિ હશે કે, જેમને સંગીત પસંદ ન હોય! લગભગ દરેકને સંગીતમાં રસ હોય…

World Music Day: સંગીત જે ગાયન, નૃત્ય અને વાદ્ય ત્રણેયમાં ભાગ ભજવે છે. ભાગ્યે જ કોઈ એવા વ્યક્તિ હશે કે, જેમને સંગીત પસંદ ન હોય! લગભગ દરેકને સંગીતમાં રસ હોય છે. તેમાં જરૂરી નથી કે તમને ગીત ગાતા, નૃત્ય કરતા કે કોઈ વાદ્ય વગાડતા આવડતું હોય. જો તમે સંગીતને સાંભળીને તેને પોતાના અંતર મનમાં ઉતારી શકો છો. એટલે એનો અર્થ એ છે કે, તમને સંગીતમાં રસ છે, તમે સંગીતને સમજો છો અને સંગીતને અનુભવી શકો છો. જેના સન્માન માટે ખાસ એક દિવસ ઉજવવામાં આવે છે. આજે 21 જૂન એટલે કે, વિશ્વ સંગીત દિવસ…

કાછેલ ગામમાં વિવિધ વાદ્ય વગાડતા કલાકારોની ફોજ

છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલા કાછેલ ગામમાં વિવિધ વાદ્ય વગાડતા કલાકારોની ફોજ છે. જેમાં ખાસ વાત કરીએ તો હેમંત વણકરે વાંસળી વાદનમાં ગીત સંગતની ધૂણી રેલાવી છે. હેમંતને બાળપણથી જ વાંસળી વાદનનો અનેરો શોખ અને ઉત્સાહ હતો. કુટુંબની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી કોઈ પ્રોફેશનલ કોર્સ કે ક્લાસ કરી શક્યો ન હતો. મનોમન તેમણે સંકલ્પ કર્યું હતું કે, એક દિવસે સંગીત વિશારદનો અભ્યાસ જરૂર કરીશ. દિવસો વીતતા ગયા અને કોલેજમાં અભ્યાસ કરવા હેમંત પહોંચ્યો. જ્યાં તેને જીવનના એક વળાંક ઉપર સાચી દિશા ચીંધનાર તરીકે પ્રોફેસર ગૌરાંગ કોન્ટ્રાક્ટર મળી આવ્યા કે, જે પણ વાંસળી વાદનના ખૂબ શોખીન હતા.

સંગીતની દુનિયામાં મેળવશે મોટી ખ્યાતી

નોંધનીય છે કે, તે પ્રોફેસરે હેમંતના મનમાં દબાયેલી ઈચ્છામાં પ્રાણ વાયુ પૂર્યા અને જરૂરી તાલીમ આપી પ્રોત્સાહન આપવામાં આવી હતી. હેમંત દ્વારા પાર્ટ ટાઈમ જોબ થકી સંગીત વિસારદના અભ્યાસની શરૂઆત માટે આર્થિક બળ મળી આવ્યું હતું. હેમંત આમ તો હાલ એક આઉટસોર્સિંગ નોકરી દ્વારા પોતાના કુટુંબનું લાલન પાલન કરવા રોજીરોટીને પ્રાધાન્ય આપી રહ્યો છે. એક તરફ ઘર ચલાવવાની જવાબદારી અને બીજી તરફ હેમંતના મનમાં ગીત સંગીતની દુનિયામાં અનોખી સિદ્ધિ મેળવવાની ઈચ્છા હાલ તો હેમંતના સુવર્ણ સ્વપ્ન સુધી સીમિત છે. એક વાત નક્કી છે કે જો છોટાઉદેપુર જિલ્લાના રત્ન કહી શકાય તેવા કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ મળી આવે તો સંગીતની દુનિયામાં મોટી ખ્યાતી મેળવી શકે તેમ છે.

પોતાની કલામાં ખૂબ પ્રવિણ એવા…

કાછેલ ગામમાં વસતા કલાકારોને સંગીત આજીવિકા રળી આપતું નથી. રોજીરોટી મેળવવા માટે અન્ય કામો કરવા પડે છે. તેઓ વધુ ભણેલા ન હોવાથી તેમને મજૂરી, ખેતીકામ અને પશુપાલન જેવા શ્રમપ્રધાન કામો કરવા પડે છે. આ માટે તેમને ઘર છોડીને દૂર દૂર ભટકવું પડે છે. તેવી સ્થિતિમાં તેઓ અને તેમનાં સંતાનો સંગીતથી વિમુખ થાય તે સ્વાભાવિક છે. પોતાની કલામાં ખૂબ પ્રવિણ એવા આ કલાકારોને તેમના સમાજના બહારની દુનિયા સુધી પહોંચવા માટે પૂરતું પ્લેટફોર્મ મળતું નથી. તેઓ મુખ્યત્વે પોતાના ઘર, સમાજના ધાર્મિક કે સામાજિક કાર્યક્રમોમાં જ પોતાની કલા પીરસે છે.

કાર્યક્રમોમાં ઇલેક્ટ્રોનિક વાદ્યોનું પ્રાધાન્ય વધ્યું

નોંધનીય છે કે, તેમની ખૂબીઓ તેઓ અલગ અલગ હોવાના કારણે કોઈના ધ્યાને જલદી આવતી નથી. જો તેઓ ભેગા થઈને એક મંચ પર કાર્યક્રમ આપે તો જ તેમની સિદ્ધિઓ દુનિયાની નજરમાં આવે. વિવિધ સંસ્થાઓ દ્વારા સ્થાનિક કલાકારોને સારું પ્લેટફોર્મ મળે તે માટે પ્રયત્ન કરવા જોઈએ. ઉપરાંત સામાન્ય લોકો દ્વારા હવે પારિવારિક પ્રસંગોમાં કે ધાર્મિક કાર્યક્રમોમાં ઇલેક્ટ્રોનિક વાદ્યોને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેને કારણે ઢોલ, શરણાઈ સિવાયનાં વાદકોની આર્થિક ઉપાર્જનની તક ઝૂંટવાઈ છે. કલાકારોને ભિખારી સમજનારા લોકો સંગીતને કઈ રીતે બચાવી શકશે? હકીકતે તો કલાકારોને ઉત્તેજન આપવા વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગોઓ એ આગળ આવવું જોઈએ. કલાકારોને પ્રોત્સાહન આપીને સમાજે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે પુષ્ટિમાર્ગીઓની અરજી ફગાવીને ‘Maharaj’ ફિલ્મને આપી લીલીઝંડી

આ પણ વાંચો: Bharuch: 9 વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, મેડિકલ રિપોર્ટમાં ભાંડો ફુટતા બંનેની ધરપક

આ પણ વાંચો: Rajkot: આને કહેવાય વિકાસ? નેતાજીએ કર્યું ખખડધજ બસનું ઉદ્ઘાટન, વીડિયો થયો વાયરલ

Whatsapp share
facebook twitter