+

Rajkot : હાર્ટ એટેકના કેસ વધતા નવરાત્રીના આયોજનોમાં ડોકટરોની ટીમોને સ્ટેન્ડ બાય રાખવા આદેશ

અહેવાલ–રહીમ લાખાણી, રાજકોટ રાજકોટ (Rajkot) સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસમાં ઉછાળો આવ્યો છે. આગામી નવરાત્રી પર્વને લઈને રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા નવરાત્રીના આયોજકો સાથે બેઠક યોજી હતી. નવરાત્રી રાસોત્સવના આયોજનોમાં…

અહેવાલ–રહીમ લાખાણી, રાજકોટ

રાજકોટ (Rajkot) સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસમાં ઉછાળો આવ્યો છે. આગામી નવરાત્રી પર્વને લઈને રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા નવરાત્રીના આયોજકો સાથે બેઠક યોજી હતી. નવરાત્રી રાસોત્સવના આયોજનોમાં ડોકટરોની ટીમોને સ્ટેન્ડ બાય રાખવા આદેશ કરવામાં આવ્યા હતા. અયોજકોને પ્રાથમિક સારવાર CRPની ટ્રેનીંગ પણ લેવા સૂચના આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, સિવિલ હોસ્પિટલ, IMAના તબીબો સાથે સંકલન કરી હાર્ટ એટેક થી બચવા નવરાત્રીમાં શું કરવું તેની એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવશે.

108માં દર મહિને 400 કરતા વધુ હાર્ટ એટેકના કેસ

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે, દર મહિને રાજકોટ શહેર અને જિલ્લામાં 400 થી 450 જેટલા હાર્ટ એટેકના કેસ નોંધાઈ રહ્યા છે. 108 દ્વારા હાર્ટ એટેકના કેસ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં 42 અને શહેરી વિસ્તારમાં 22 છે. દરરોજ 15 જેટલા કેસ સામે આવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સમાં AED મશીન પણ રાખવામાં આવ્યા છે જેથી હૃદય બંધ પડી ગયું હોય તો શોક આપી શરૂ કરી શકાય. જે વિસ્તારમાં અર્વાચીન રાસોત્સવમાં થતા હશે તેને હોટ સ્પોટ પણ જાહેર કરવામાં આવશે. જ્યાં એમ્બ્યુલન્સ સતત આંટાફેરા કરતી રહેશે. ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આયોજકોને પણ એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી ગેટ આપવા સૂચના આપવામાં આવી છે.

હાર્ટ એટેકના કેસના આંકડા

જુલાઈ મહિનો
ગ્રામ્ય – 300
શહેર – 135
કુલ – 435

ઓગસ્ટ મહિનો
ગ્રામ્ય – 298
શહેર – 126
કુલ – 424

સપ્ટેમ્બર મહિનો
ગ્રામ્ય – 324
શહેર – 127
કુલ – 452

નવરાત્રી સમયગાળા પહેલા ખેલૈયાઓએ પણ વોર્મઅપ કરવા અને આયોજકોને ગરબાના રાઉન્ડ 20 મિનિટના કરવા તેમજ વચ્ચે બ્રેક આપતા રહેવા અપીલ કરવામાં આવી હતી.

ભાજપની ડોકટર સેલના તબીબો પણ નવરાત્રી આયોજકોને ફ્રી સેવા આપશે

તો બીજી તરફ આ નવરાત્રી આયોજકો સાથેની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન આપ્યું હતું કે, ભાજપની ડોકટર સેલના તબીબો પણ નવરાત્રી આયોજકોને ફ્રી સેવા આપશે. હાર્ટ એટેકના કેસને લઈને ભાજપ સાથે જોડાયેલા તબીબોને અલગ અલગ આયોજનોમાં ફ્રી સેવાઓ આપવા સૂચના આપશે. વધતા હાર્ટ એટેકના કેસને લઈને અયોજકોને પણ સૂચના આપી છે કે, આસપાસની ખાનગી હોસ્પિટલો સાથે ટાઈઅપ કરવામાં આવે અને તબીબોની ટીમો ગ્રાઉન્ડમાં જ તૈનાત રાખવામાં આવે. અર્વાચીન રાસોત્સવમાં તબીબો રાખવા સૂચના આપવામાં આવી છે. મેડિકલ કોલેજના સ્ટુડન્ટસને પણ નવરાત્રી ગ્રાઉન્ડમાં ડ્યુટી ફાળવવા સિવિલ સુપ્રિટેન્ડન્ટ સાથે ચર્ચા કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાના 150 જેટલા આયોજનો

રાજકોટ શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાના 150 જેટલા આયોજનો થાય છે. જે આયોજનોમાં 600 થી 800 જેટલા લોકો એકત્ર થતા હોય તેવા તમામ આયોજનોમાં તબીબી ઇમરજન્સી સેવા ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે. મોટા આયોજનોમાં 3000 જેટલા લોકો એકત્ર થતા હોય છે ત્યારે તેમને વેન્ટીલેશનની સુવિધા મળે તે માટે મોટા ગ્રાઉન્ડ બનાવવા તેમજ ફાસ્ટ ફૂડ જેવા જંકફૂડ સ્ટોલમાં ન વેંચવા અપીલ કરી હતી. સાથે જ વધુ પ્રમાણમાં પરસેવો વળવો, ચક્કર આવી જવા અથવા તો છાતીમાં દુઃખાવો ઉપડે તો ખેલૈયાઓએ બેસી જવા તબીબોએ પણ અપીલ કરી છે. નવરાત્રીમાં ગરબા રમતા પહેલા વોર્મ અપ કરી લેવું જેથી આવી કોઈ સમસ્યા ન સર્જાય તેવું તબીબોનું કહેવું છે.

આ પણ વાંચો—AMBAJI: મોહિની કેટરર્સને ઘી આપનાર નીલકંઠ ટ્રેડર્સના જતીન શાહને 1 દિવસના રિમાન્ડ

Whatsapp share
facebook twitter