+

Junagadh : ડમ્પિંગ સ્ટેશનના કારણે લોકોના આરોગ્યનું જોખમ, રજૂઆતો છતાં કાર્યવાહી નહી

કોઈપણ શહેર કે મહાનગરમાં ડમ્પિંગ સાઈટ શહેરથી દૂર હોય છે, રાજ્યમાં આઠ મહાનગરપાલિકા છે, પરંતુ જૂનાગઢ એકમાત્ર એવી મહાનગરપાલિકા છે કે જેણે શહેરની વચોવચ ડમ્પિંગ સાઈટ બનાવી છે, ડમ્પિંગ સાઈટ…

કોઈપણ શહેર કે મહાનગરમાં ડમ્પિંગ સાઈટ શહેરથી દૂર હોય છે, રાજ્યમાં આઠ મહાનગરપાલિકા છે, પરંતુ જૂનાગઢ એકમાત્ર એવી મહાનગરપાલિકા છે કે જેણે શહેરની વચોવચ ડમ્પિંગ સાઈટ બનાવી છે, ડમ્પિંગ સાઈટ હોય એટલે સ્વાભાવિક રીતે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનું… શહેરની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની પાછળના ભાગે આવેલી ડમ્પિંગ સાઈટના કારણે આસપાસના રહેણાંક વિસ્તારના લત્તાવાસીઓ બદબુ થી પરેશાન છે અને તેમના આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે.

જૂનાગઢ શહેરમાં એકત્રિત થતાં કચરાનો નિકાલ ઈવનગર નજીક આવેલી મનપાની ડમ્પીંગ સાઈટ પર કરવામાં આવે છે, ઈવનગર નજીકની ડમ્પીંગ સાઈટ પર કચરો ઠલવાતા પહેલાં શહેરની બહાઉદ્દીન કોલેજની પાછળના ભાગે હાજીયાણી બાગમાં શહેરનો તમામ કચરો એકત્રિત કરવામાં આવે છે, જેથી અહીં એક મીની ડમ્પીંગ સાઈટ ઉભી થઈ ગઈ છે અને શહેરની મધ્યમાં ગંદકીના ગંજ ખડકાય છે પરિણામે આસપાસના રહેવાસીઓ ગંદકીની બદબુ થી પરેશાન થઈ ચુક્યા છે.

જે સ્થળ પર મનપાએ ડમ્પિંગ સાઈટ બનાવી છે ત્યાં અગાઉ મેદાન હતું અને તેમાં પ્રદર્શનો, મેળાઓ અને સર્કસ જેવા મનોરંજક તથા જાહેરસભાઓ જેવા કાર્યક્રમો થતાં હતા, ઉપરાંત બાળકો તથા યુવાનોને રમવા માટે સારૂં એવું મેદાન હતું પરંતુ હવે ડમ્પિંગ સ્ટેશન બની જતાં લોકોની સુવિધા છીનવાઈ ગઈ છે અને ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે.

આ ડમ્પિંગ સ્ટેશનને દુર કરવા માટે આસપાસના રહેવાસીઓ દ્વારા અનેક વખત મનપામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ડમ્પિંગ સ્ટેશનના કારણે સ્વાભાવિક રીતે કચરાના ઢગલાં થાય અને ચોમાસાંને લઈને કીચડ થાય છે અને ભયંકર દુર્ગંધ આવે છે જેના કારણે લત્તાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.

ડમ્પિંગ સાઈટ પર ગંદકીના કારણે રખડતાં ઢોર અને શ્વાન નો જમાવડો રહે છે, પશુઓ કચરો ખાઈ છે અને તેમના જીવનું પણ જોખમ રહેલું છે, જો કે આ અંગે મનપા દ્વારા ઠરાવ થઈ ગયો છે પરંતુ તેની અમલવારી થતી નથી, ત્યારે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા વહેલી તકે ડમ્પિંગ સ્ટેશન હટાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ

આ પણ વાંચો : અમદાવાદ પાણી પાણી…! શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter