+

સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલથી થશે

બુધવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે મીડિયાને માહિતગાર કરતા પ્રવક્તા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય…

બુધવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે મીડિયાને માહિતગાર કરતા પ્રવક્તા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬માં સાર્વજનિક ટ્રસ્ટની કોઈપણ સ્થાવર મિલકત વેચાણ, ગીરો, વિનિયમ કે ભાડાપટ્ટે અથવા બક્ષિસથી તબદીલ કરવા અંગેની જોગવાઈમાં સુધારો કરી આ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરવામાં આવશે

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી કલમ ૩૬ હેઠળ ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની કાર્યવાહી મેન્યુઅલ રીતે કરવામાં આવતી હતી, જેના કારણે ઇજારાશાહી વધવાની શક્યતાઓ રહેતી હતી. પરંતુ આ નવા સુધારાથી હવે ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની આ કાર્યવાહી વધુ પારદર્શક પદ્ધતિથી થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે અને ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટની મિલકત અદલા-બદલી કરવા માટે ટ્રસ્ટો દ્વારા અદલા-બદલી કરવા ધારેલી બંને મિલકતની કિંમતની સરખામણી કરી, ખૂટતી રકમ સરભર કર્યેથી જ અદલા-બદલીની મંજૂરી આપવામાં આવશે.

જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ” દ્વારા મિલકતની કિંમત નિયત કરવાનો નિર્ણય

તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી ટ્રસ્ટની મિલકત વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હાથ ધરતાં પહેલાં મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે જંત્રી, ગવર્મેન્ટ એપ્રૂવડ વેલ્યુઅરનો રિપોર્ટ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનો અંદાજિત વેચાણ કિંમતનો ઠરાવ ધ્યાને લઇ અપસેટ વેલ્યુ નિયત કરવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવેથી ટ્રસ્ટની કોઈપણ મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવવામાં આવેલ “જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ” દ્વારા મિલકતની કિંમત નિયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, સંબંધિત પ્રવર નગર નિયોજક, નગર આયોજક અને મૂલ્યાંકન ખાતું સભ્ય હશે.

સાર્વજનિક ટ્રસ્ટોને વધુમાં વધુ લાભ

ટ્રસ્ટની કોઈપણ મિલકતની કોઈપણ પ્રકારે એટલે કે વેચાણ, ગીરો, વિનીયમ ભાડાપટ્ટે અથવા બક્ષિસના પ્રસંગે જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિના મિલકતની કિંમત અંગેનો રિપોર્ટ ફરજિયાત મેળવવાનો રહેશે. આ ઓનલાઇન કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયાથી સાર્વજનિક ટ્રસ્ટોને વધુમાં વધુ લાભ થાય તે રાજ્ય સરકારનો હેતુ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો—વધતા હાર્ટ એટેકના કેસને મામલે એક્સપર્ટ ડોક્ટર્સની કમિટીની રચના

Whatsapp share
facebook twitter