+

2 વર્ષમાં ગુજરાત પોલીસે 785 નશાના સોદાગરોને જેલના હવાલે કર્યા :ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી 

અહેવાલ—ઉદય જાદવ, સુરત  સુરત જિલ્લા પોલિસ અને શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવણી કરાઇ હતી.  મહુવાની ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી…
અહેવાલ—ઉદય જાદવ, સુરત 
સુરત જિલ્લા પોલિસ અને શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવણી કરાઇ હતી.  મહુવાની ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ’ની ઊજવણી કરવામાં આવી હતી.
 ડ્રગ્સ એ આપણું સૌથી મોટું સામાજિક દૂષણ 
આ અવસરે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ એ આપણું સૌથી મોટું સામાજિક દૂષણ છે. આજે ગુજરાત પોલીસ બે દિશામાં કામ કરી રહી છે. માત્ર ડ્રગ્સ પકડવાની કામગીરી કરવાથી ડ્રગ્સ રોકી નથી શકાતું પણ ડ્રગ્સના દૂષણને નાથવા માટે સમાજે આ લડાઈને હાથમાં લેવી પડશે. વ્યસની વ્યક્તિનું વ્યસન છૂટતા જ નવી જિંદગીની શરૂઆત થશે.
દેશના ભવિષ્યને બરબાદ કરવાનું કાવતરું
 સારા ભવિષ્યના નિર્માણ માટે તમે જે દિશા નક્કી કરી હોય એની ઉપર જરૂરથી કામ કરજો એમ સૌ યુવાનોને ગૃહ રાજ્ય મંત્રીએ અનુરોધ કર્યો હતો. છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે કુલ મળીને ૭૮૫ નશાના સોદાગરોને જેલના હવાલે કર્યા છે. નશાનો વેપલો કરનારા લોકોને પકડીને જેલ હવાલે કરવાનું કામ કરનાર આપણી ગુજરાત પોલીસ કર્યું છે. આજનું યુવા પેઢી આવતી કાલનું ભવિષ્ય છે. અને દેશના ભવિષ્યને બરબાદ કરવાનું કાવતરું હતું, જે ગુજરાત પોલીસને નાકામ કરવામાં મોટી સફળતા મળી છે.
સમગ્ર ગુજરાતની સાથે ભારત ડ્રગ્સ મુકત બનશે
વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ કહ્યું કે,  ભારત દેશ યુવાનોનો દેશ છે. એટલે સ્વાભાવિક હોય છે કે ડ્રગ્સ માફિયાઓનો લક્ષ્યાંક યુવા પેઢી જ હોય છે. પરંતુ આજનાં આ યુવા ધનની જાગૃત અવસ્થાથી સમાજનું દૂષણ ધીરે ધીરે નાબૂદ થઈ રહ્યું છે. આવનાર સમયમાં સમગ્ર ગુજરાતની સાથે ભારત ડ્રગ્સ મુકત બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વિવિધ સ્પર્ધા યોજાઇ
આ અભિયાન અંતર્ગત પ્રાથમિક કક્ષાએ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને પ્રેરીત કરવા વિવિધ સ્પર્ધાઓ જેવી કે, ૧ મિનિટ વીડિયો મેકીંગ, ચિત્રો-પોસ્ટર ચિત્રાંકન સ્પર્ધા, કવિતા લેખન, રંગોળી અને માઇમ સ્પર્ધાઓ યોજાઇ હતી. ત્યારબાદ શાળા કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ વચ્ચે તા.૧૩થી ૨૪ જુન સુધી સ્પર્ધા યોજાય હતી. જેમાં પ્રાથમિક કક્ષાએ કુલ ૫,૮૨૧ વિદ્યાર્થીઓએ અને ૬૭૯ શિક્ષકોએ ભાગ લીધો હતો. માધ્યમિક કક્ષાએ ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓને પ્રેરીત કરવા માટે પણ વિવિધ સ્પર્ધાઓ દ્વારા #IStandStrong Against Drugs “Yuva Ambessador” પ્રતિયોગિતા યોજાઇ હતી. જેમાં માધ્યમિક કક્ષાએ ૨૦૨૧ વિદ્યાર્થીઓ અને ૨૮૧ શિક્ષકોએ ભાગ લઈને ડ્રગ્સના દૂષણને નાથવા સહભાગી બન્યા હતા. જેમાં સૌથી ઓછા સમયમાં ક્વિઝના જવાબો આપી વિજેતા બનનાર બે વિદ્યાર્થીઓને જિલ્લા પોલીસ દ્વારા #iStandStrongAgainstDrugs “Yuva Ambessador – 2023″નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેઓ એક વર્ષ માટે પોલીસ વિભાગ સાથે મળીને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં કાર્ય કરશે. આ ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત સુરત જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક મિનિટ વિડિયો મેકિંગ, પોસ્ટર, સૂત્રો, ચિત્રકામ, મૂક નાટક સ્પર્ધા, સહિત કઠોળ અને મીઠાનાં ઉપયોગથી ડ્રગ્સ વિરોધી સંદેશા સાથે કલરફૂલ રંગોળી દોરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થી – વિધાર્થીનીઓને પ્રશંસાપત્ર, શીલ્ડ અને રોકળ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
 ડ્રગ્સનાં દૂષણને નાથવા એકજૂથ થઈને પ્રતિજ્ઞા લીધી
નોંધનીય છે કે, આ ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સુરત જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાના અંદાજિત ૭૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઈ- માધ્યમ જોડાઈને ડ્રગ્સનાં દૂષણને નાથવા એકજૂથ થઈને પ્રતિજ્ઞા લીધી હતી. સમાજ માંથી  ડ્રગ્સનાં દૂષણ ને દુર કરવા ડ્રગ્સ વિરોધી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
મહાનુભાવો હાજર 
આ અવસરે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા કલકટર આયુષ ઓક, ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, મોહનભાઈ ઢોડીયા, ઈશ્વર પરમાર, ગણપતસિંહ વસાવા, સુરત અધિક પોલીસ મહાનિર્દેશક પિયુષ પટેલ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, જિલ્લા શિષણાધિકારી ડો. ડી.આર.દરજી, નાયબ પોલીસ અધિક્ષક બી. કે. વનાર, ઉકા તરસાડીયા  યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.દિનેશ આર. શાહ સહિત વિવિધ શાળાના વિધાથીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Whatsapp share
facebook twitter