+

ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ

‘બૉબી’થી માંડીને ‘કર્ઝ’, ‘દૂસરા આદમી’ અને ‘દામિની’, ‘દીવાના’, ‘ચાંદની’ અને કરીઅરના સેકન્ડ હાફમાં ‘ડી કંપની’, ‘અગ્નિપથ’ જેવી અઢળક ફિલ્મો કરનારા સુપરસ્ટાર રિશી કપૂરે જ્યારે પોતાના વિશે વાત કરવાની આવી ત્યારે…

‘બૉબી’થી માંડીને ‘કર્ઝ’, ‘દૂસરા આદમી’ અને ‘દામિની’, ‘દીવાના’, ‘ચાંદની’ અને કરીઅરના સેકન્ડ હાફમાં ‘ડી કંપની’, ‘અગ્નિપથ’ જેવી અઢળક ફિલ્મો કરનારા સુપરસ્ટાર રિશી કપૂરે જ્યારે પોતાના વિશે વાત કરવાની આવી ત્યારે એ બાયોગ્રાફીનો એક પણ શબ્દ લખાય એ પહેલાં તેણે બાયોગ્રાફીનું ટાઇટલ ફાઇનલ કરી લીધું હતું, ‘ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’ અને આ ટાઇટલને તે વફાદાર પણ રહ્યા. ‘ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’માં રિશી કપૂરે ક્યાંય કોઈ જાતનો સંકોચ નથી રાખ્યો તો તેમણે ક્યાંય કોઈ જાતની આભડછેટ પણ નથી રાખી. તેમણે પોતાના લગ્નેતર સંબંધોની વાત પણ કરી છે અને સાથોસાથ પપ્પા રાજ કપૂરના લગ્નેતર સંબંધોની વાત પણ ખુલ્લા મને કરી છે અને સવાલ પણ કર્યો છે કે એક માણસને એકથી વધારે સંબંધ હોય તો કોઈને ખરાબ શું કામ લાગવું જોઈએ? ‘ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’ બુકના લોકાર્પણ સમયે પણ રિશી કપૂરે આ જ વાત લોકોને પૂછી હતી અને કહ્યું હતું, ‘તમારા વૉર્ડરોબમાં એક જ શર્ટ છે? શું તમે એક રોટલી ખાઈને ઊભા થઈ જાઓ છો? શું તમને એકથી વધારે શૂઝ રાખવાની પરમિશન નથી? જો આ બધાના સવાલનો જવાબ ના હોય તો પછી શું કામ રિલેશનશિપની બાબતમાં આપણે નૅરો-માઇન્ડેડ રહીએ?’

રિશી કપૂરની આ વાતે એ સમયે વિવાદ પણ જન્માવ્યો હતો અને નારીવાદી સંસ્થાઓ દ્વારા થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને થોડા સમય પછી રિશી કપૂરે જવાબ પણ આપ્યો હતો કે મારા કોઈ સ્ટેટમેન્ટમાં મેં એવું નથી કહ્યું કે હું માત્ર આ પરમિશન પુરુષોને આપતો હોઉં. હું આજે પણ કહું છું કે ફીમેલને પણ આ પરમિશન હોવી જોઈએ અને તેને પણ એકથી વધારે સંબંધો હોય તો એનો સ્વીકાર થવો જોઈએ.

‘ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’માં રિશી કપૂરની સાથે રાઇટર તરીકે મીના અય્યર પણ છે. ઍક્ચ્યુઅલી મીના અય્યરનો જ વિચાર હતો કે રિશી પોતાની બાયોગ્રાફી લખે. ૨૦૧૭માં આ બાયોગ્રાફી પબ્લિશ થઈ એ સમયે રિશી કપૂરે કહ્યું હતું કે ‘મીનાને મારા કિસ્સાઓ સાંભળવા બહુ ગમતા અને અમે બેસીને મારી લાઇફ પર બહુ ગપ્પાં મારતાં. એક દિવસ મીનાએ આવીને કહ્યું કે રિશીજી, મારી ઇચ્છા છે કે આપણે તમારી બાયોગ્રાફી લખીએ અને મેં એ વાત હસી કાઢી, પણ એ પછી મારી પાસે સાંભળેલી વાતો પરથી મીનાએ એક ચૅપ્ટર લખ્યું અને મને સંભળાવ્યું. એ સાંભળીને મને થયું કે હા યાર, મારી લાઇફ તો ઇન્ટરેસ્ટિંગ છે.’

ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’નું કામ ઑલમોસ્ટ અઢી વર્ષ ચાલ્યું. રિશી કપૂર માટે હંમેશાં કહેવાયું છે કે એ બહુ આળસુ હતા અને ‘ખુલ્લમખુલ્લા ઃ રિશી કપૂર અનસેન્સર્ડ’માં એક જગ્યાએ તેમણે પણ એ વાત સ્વીકારીને કહી છે કે જો મારું ચાલે તો હું મારા રૂમમાંથી પણ બહાર ન નીકળું પણ અમુક બાબતોમાં મારું બહુ ચાલ્યું નહીં એટલે મારે કામ કરવું પડ્યું.

`ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’ માટે રિશી કપૂર શૂટ પર હોય ત્યારે તેણે યાદ કરી-કરીને પોતાના કિસ્સાઓ નોટ કર્યા છે અને એ કિસ્સાઓને બુકમાં સમાવ્યા છે. અમુક કિસ્સાઓમાં રિશીને નીતુ સિંહે પણ હેલ્પ કરી છે તો અમુક કિસ્સાઓમાં રિશીને તેના સાથી કલાકારોએ પણ હેલ્પ કરી હતી, જેનો ઉલ્લેખ ખુદ રિશી કપૂરે બુકના લોકાર્પણ સમયે જાહેરમાં કર્યો હતો. એ સમયે રિશી કપૂરે કહ્યું હતું, મારી લાઇફ મને યાદ હતી એના કરતાં બીજા લોકોને વધારે સારી રીતે યાદ હતી!

‘ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’ પરથી ઓટીટી પ્લૅટફૉર્મ માટે યશરાજ ફિલ્મ્સ અત્યારે ડૉક્યુમેન્ટરી બનાવવા પર કામ કરે છે પણ કામ બહુ ધીમું છે તો સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે આ ડૉક્યુમેન્ટરી માટે માત્ર બુકના જ નહીં, એ સિવાયના પણ અઢળક લોકોના રાઇટ્સ લેવા પડે એટલે બની શકે કે એને આવતાં હજી વર્ષો નીકળી જાય, પણ એ જ્યારે પણ આવશે ત્યારે એક વાત નક્કી છે કે ‘ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’માં જે કન્ટ્રોવર્શિયલ વાતો છે એ કદાચ ક્યારેય જોવા કે સાંભળવા નહીં મળે.

 

 બુકમાં તેમણે એક વાત સ્વીકારી છે કે જો મારું ચાલે તો હું મારા રૂમમાંથી પણ બહાર ન નીકળું, અમુક બાબતોમાં મારું બહુ ચાલ્યું નહીં એટલે મારે કામ કરવું પડ્યું.

‘ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’ નૅચરલી રિશી કપૂરની કરીઅરની વાતો છે. એક ફિલ્મસ્ટાર હોય એટલે સ્વાભાવિક રીતે એ વાંચવામાં મજા આવે પણ જે મસ્તફકીરી સાથે રિશી કપૂર જીવ્યા હતા એવી જ મસ્તફકીરી સાથેની કેફિયત તેમની બુક ‘ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’માં પણ જોવા મળે છે.રિશી કપૂર બુકમાં સ્વીકારે છે કે રાજ કપૂર અને નર્ગિસને અફેર હતું તો એ પણ સ્વીકારે છે કે તેમના જન્મ પછી પણ રાજ કપૂરને એક્સ્ટ્રા મૅરિટલ અફેર હતું અને તેમની મમ્મી બાળકોને લઈને બીજે રહેવા ચાલી ગઈ. રિશી કપૂર એ વાત પણ સ્વીકારે છે કે તેમની લાઇફનો પહેલો પ્રેમ યાસ્મિન મહેતા નામની પારસી છોકરી હતી. ‘બૉબી’ રિલીઝ થયા પછી એક મૅગેઝિને રિશી કપૂર અને ડિમ્પલના અફેર વિશે બહુ લખ્યું એ વાંચીને રિશી કપૂર એવો તે ગભરાયો કે તેણે યાસ્મિન સાથે પોતાનું અફેર તોડી નાખ્યું. ‘ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’માં રિશી કપૂર અમિતાભ બચ્ચન પ્રત્યેની પોતાની નારાજગી પણ વ્યક્ત કરે છે અને કહે છે કે મિસ્ટર બચ્ચને ક્યારેય તેમના એક પણ ઇન્ટરવ્યુમાં પોતાનો કે પછી બીજા કો-સ્ટાર્સનો ઉલ્લેખ નથી કર્યો, જેમણે તેમની મલ્ટિસ્ટારર ફિલ્મોને સુપરહિટ બનાવવામાં હેલ્પ કરી હોય.
‘ખુલ્લમખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’માં રિશી કપૂરની પ્રામાણિકતા અકબંધ છે. પોતે અવૉર્ડ ખરીદ્યો હતો એ વાત પણ તેમણે અહીં સ્વીકારી છે અને એ વાત પણ તેમણે સ્વીકારી છે કે નીતુ સિંહ સાથે જ્યારે તેમને રોલ ઑફર થતો ત્યારે તે પહેલું કામ બન્નેના રોલની કમ્પેર કરવાનું કરતા. અરે, ફિલ્મ ‘કભી કભી’માં તો નીતુ સિંહના રોલથી રિશી કપૂર એ સ્તર પર પ્રભાવિત થયા કે તેમણે યશ ચોપડાને જઈને કહી દીધું હતું કે મને જે રોલ ઑફર થાય છે એ મારે નથી કરવો, તમે આપવા માગતા હો તો મને નીતુવાળો રોલ આપો!

Whatsapp share
facebook twitter