+

KalyanjiAnandji : સ્વભાવની ઉદારતા અને કચ્છીઓના હ્રદયની વિશાળતા

KalyanjiAnandjiએ ગુજરાતીઓના સ્વભાવની ઉદારતા અને કચ્છીઓના હ્રદયની વિશાળતાનાં દર્શન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કરાવ્યાં. કામ, કારકિર્દી, સ્પર્ધા તો ચાલ્યા કરે. પણ મન કોઈવાર ખાટું થઈ જાય તો કંઈક નુસખો કરીને પરિસ્થિતિ…

KalyanjiAnandjiએ ગુજરાતીઓના સ્વભાવની ઉદારતા અને કચ્છીઓના હ્રદયની વિશાળતાનાં દર્શન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કરાવ્યાં. કામ, કારકિર્દી, સ્પર્ધા તો ચાલ્યા કરે. પણ મન કોઈવાર ખાટું થઈ જાય તો કંઈક નુસખો કરીને પરિસ્થિતિ વાળી લેવાની. 

જેમની આંગળી પકડીને તમે ચાલતાં શીખ્યા હો એમના જ ખભા પર પગ મૂકીને તમારે છલાંગ લગાવીને આગળ વધી જાઓ ત્યારે તમને કેવું લાગે? અને આવું થાય ત્યારે એ સિનિયરને કેવું લાગે?

લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ કલ્યાણજી-આણંદજીના આસિસ્ટન્ટ

1960માં રિલીઝ થયેલી મનમોહન દેસાઇ દિગ્દર્શિત સૌથી પહેલી ફિલ્મ ‘છલિયા’માં મ્યુઝિક KalyanjiAnandjiએકલ્યાણજી-આણંદજીનું અને આસિસ્ટન્ટ્સમાં વિવિધ ડિપાર્ટમેન્ટના મદદનીશોની ક્રેડિટમાં શોધીને વાંચવાં પડે એવાં સંગીત વિભાગમાં બે નામઃ એક નામ લક્ષ્મીકાંતનું અને પછીની બીજી લાઇનમાં પ્યારેલાલનું.

હીરો રાજ કપૂર પર ફિલ્માવેલું ‘ડમ ડમ ડિગા ડિગા’ આ પિક્ચરનું સૌથી લોકપ્રિય બનેલું ગીત. આ ઉપરાંત ટાઇટલ સાઁન્ગ ‘છલિયા મેરા નામ’, ‘તેરી રાહોં મેં ખડે હૈ’, ‘મેરે ટૂટે હુએ દિલ સે કોઈ તો આજ યે પૂછે’ પણ આજે ય ખૂબ સાંભળવા ગમે એવાં ગીત.

કલ્યાણજી-આણંદજીનું  નામ ક્રેડિટમાં માંડ વાંચવા પડે 

Kalyanji–Anandjiના મદદનીશ તરીકેની લક્ષ્મીકાંત-પ્યારેલાલની એક ઔર ફિલ્મ ‘બ્લફ માસ્ટર’ (1964). એનું દિગ્દર્શન પણ મનમોહન દેસાઈનું અને ‘લક્ષ્મીકાંત એન્ડ પ્યારેલાલ’ની જોડીને નાનકડું પ્રમોશન આપીને આસિસ્ટન્ટ મ્યુઝિક ડિરેક્ટર તરીકેની તરત નજર ચડે એવી ક્રેડિટ તમને ફિલ્મના ટાઇટલ્સમાં જોવા મળે. ગોવિંદા આલા રે આલા આ ફ઼િલ્મનું સૌથી મશહર બનેલું ગીત,

લક્ષ્મીકાન્ત પ્યારેલાલ પહેલી ફિલ્મથી જ હિટ 

એ જ વર્ષે, 1963માં લક્ષ્મીકાન્ત-પ્યારેલાલની સ્વતંત્ર સંગીત દિગ્દર્શક તરીકેની સૌથી પહેલી ફિલ્મ ‘પારસમણિ’ રિલીઝ થઈ: હંસતા હુઆ નૂરાની ચહેરા, ઉઇ મા ઉઇમા યે ક્યા હો ગયા, વો જબ યાદ આયે બહોત યાદ આયે.

એ પછીના વર્ષે લક્ષ્મીકાંત- પ્યારેલાલની ‘સંત જ્ઞાનેશ્વર’ આવી: જ્યોત સે જ્યોત જગાતે ચલો.

‘મિસ્ટર એક્સ ઇન બૉમ્બે’ પણ આવી: મેરે મહેબૂબ કયામત હોગી, આજ રુસવા તેરી ગલિયોં મેં… અને એ જ વર્ષે ‘દોસ્તી’ આવી: ચાહુંગા મૈ તુઝે સાંજ-સવેરે, મેરા તો જો ભી કદમ હૈ, જાનેવાલો જરા મુડ કે દેખો મુઝે, રાહી મનવા દુખ કી ચિંતા, ગુડિયા હમ સે રૂઠી રહોગી કબ તક, તેરી દોસ્તી મેરા પ્યાર– એકેએક ગીત સુપર હિટ.

એકેએક ગીત સુપર હિટ

‘લૂટેરા’ (1965), ‘મેરે લાલ’ ‘આયે દિન બહાર કે (1966), ‘શાગિર્દ’ પથ્થર કે સનમ’ ‘મિલન’, ‘ફર્ઝ’ (1967), ‘રાજા ઔર રંક’, ‘સાધુ ઔર શૈતાન (1968), “જીને કી રાહ’, ‘દો રાસ્તે’, (1969) રિલીઝ થતી ગઈ એમ લક્ષ્મી પ્યારેના લલાટે ભાગ્ય લક્ષ્મીએ કરેલી બિંદિયા ચમકવા લાગી, ઝુમરી તલૈયાની ગલીએ ગલી એમનાં ગીતોથી ખનકવા લાગી.

કલ્યાણજી-આણંદજીની કરિયર પણ મધ્યાહે ઝળહળતી થઈ

આ બાજુ કલ્યાણજી-આણંદજીની કરિયર મધ્યાહે ઝળહળતી થઈ. પૂર્ણિમા’ (1965) : હમ સફર મેરે હમસફર પંખ તુમ પરવાઝ… જબ જબ કુલ ખિલે’ (1965), ‘હિમાલય કી ગોદ મેં’ (1965)થી લઇને ‘સરસ્વતી ચંદ્ર’ (1968), ‘ગોપી’ (1970), ‘સફર’ (1970), ‘ગીત’ (1970), અને ‘સચ્ચા ઝૂઠા’ (1970)ના દરેકેદરેક ગીત સુપરડુપર હિટ. આ મુકામોએ કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈની ગુજરાતી બંધુબેલડીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શિખર પર પહોંચાડી દીધી.

મનોજકુમારની કારકિર્દીને ઘડવામાં કલ્યાણજી-આણંદજીનો ઘણો મોટો ફાળો

મનોજકુમારની કારકિર્દીને ઘડવામાં અને મનોજકુમારના હોમ પ્રોડક્શનને સમૃદ્ધ બનાવવામાં કલ્યાણજી-આણંદજીનો ઘણો મોટો ફાળો. મનોજકુમારે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરેલી પહેલી ફ઼િલ્મ ‘ઉપકાર’ (1967)નું મેરે દેશ કી ધરતી આજે પણ છવ્વીસમી જાન્યુઆરી તથા પંદરમી ઓગસ્ટની ઉજવણી વખતે જોરશોરથી વાગતું હોય છે. ‘ઉપકાર’નાં બધા જ ગીતો સુપરહિટ. એ પછી મનોજકુમારે પૂરબ ઔર પશ્ચિમ’ બનાવી. મ્યુઝિકલ હિટ. મનોજકુમારની હીરો તરીકેની ‘હિમાલય કી ગોદ મે′ (1965)થી લઇને ‘યાદગાર’ (1970) સુધીની ફિલ્મોમાં કલ્યાણજી-આણંદજીએ યાદગાર સંગીત આપ્યું.

બંને બેલાડીના મધુર સંબંધમાં કડવાશ 

મનોજકુમારની ફિલ્મ કારકિર્દી માટે કલ્યાણજી-આણંદજી અવિભાજ્ય અંગ બની ગયા હતા. પણ ત્યાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ધરતીકંપ થયો. મનોજકુમારના હોમ પ્રોડક્શનની એક બિગ બજેટ ફિલ્મ એનાઉન્સ થઈ જેના સંગીતકાર તરીકે કલ્યાણજી- આણંદજીને નહીં પણ લક્ષ્મીકાંત-પ્યારેલાલને લેવામાં આવ્યા હતા. બસ,કલ્યાણજી આણંદજી રિસાયા. એ જમાનામાં આજના જેવી ગળાકાપ સ્પર્ધા નહોતી. આ બે સંગીત બેલડીઓના અબોલા દૂર કરવા એક કાવતરું રચાયું.  

કલ્યાણજી આનંદજીના ઘેર બોલિવૂડના ઘેર છ દિગ્ગજો સાવ અચાનક પહોંચ્યા   

‘શોર’નું શૂટિંગ થાય એ પહેલાં એનું પહેલું અને ક્યા બાત હૈ ગીત ‘એક પ્યાર કા નગમા હૈ′ રેકોર્ડ થયું એ દિવસની વાત. સવારે તાડદેવના ફેમસ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ પૂરું થયું અને લંચ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છ દિગ્ગજો કલ્યાણજીભાઈના ઘરે પહોંચી ગયા. કોણ કોણ? મનોજકુમાર અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ ઉપરાંત લતા મંગેશકર અને મૂકેશ – સાથે દિલીપકુમારા

કલ્યાણજીભાઇ અને આણંદજીભાઇએ પહેલેથી આમંત્રણ આપ્યું હશે ત્યારે જ આ સૌ લંચ માટે આવ્યા હશે ને.? ના,એ બધા સાવ અચાનક પહોંચેલા.

આ બધામાં દિલીપકુમાર શું કામ?

હજુય વિચાર આવે છે કે આ બધામાં દિલીપકુમાર શું કામ? શક્ય છે કે દિલીપકુમારે તડ પડી ગયેલા સંબંધોને સાંધવાના પ્રયત્નરૂપે કલ્યાણજીભાઇને સૂચન કર્યુ હોય અને બાકીના સૌને સમજાવ્યા હોય. શક્ય છે કે KalyanjiAnandji ના પેડર રોડ પરના ‘દેવ આશિષ’ બિલ્ડિંગની સાવ નજીકના પ્રભુ કુંજમાં રહેતાં લતા મંગશકરે દુભાયેલા પક્ષોમાં અગાઉ જેવી હૂંક પાછી આવે એ માટે આ મુલાકાત ગોઠવી હોય.

અફસોસ ખાલી એક જ વાતનો છે કે 1971-72ના એ ગાળામાં અમે જો કલ્યાણજીભાઇના ઘરમાં આસિસ્ટન્ટ રસોઇયાની નોકરી કરતા હોત તો આ તમામ માનવંતા મહેમાનોને પાણીના ગ્લાસની ટ્રે ધરવાનો લહાવો અમને મળ્યો હોત. વિચાર કરો જે ડ્રૉઇંગરૂમમાં સાક્ષાત લતા મંગેશકર, દિલીપકુમાર અને મુકેશજી સોફા પર બિરાજમાન હોય, લક્ષ્મીકાન્તજી અને પ્યારેલાલજી પોતાના મેન્ટરસમા યજમાનો કલ્યાણજીભાઇઅને આણંદજીભાઇ સાથે બેઠેલા હોય, આ અદ્ભુત નજારાનું પછીથી વર્ણન કરનારા મનોજકુમાર ત્યાં હોય અને આ તમામ મહાન ફિલ્મહસ્તીઓ આ નાચીઝે ધરેલી ટ્રેમાંથી વારાફરતી ચાંદીના પ્યાલા ઉઠાવીને મુંબઇના બારમાસી બફારામાં, ફ્રિજમાંથી કાઢેલી બૉટલોમાંથી આપના વિશ્વાસુએ ભરેલા ઠંડા પાણીના ઘૂંટ લઇને તરસ છિપાવતી હોય! આવો અનુભવ થયો હોત તો કુટુંબમાં આવનારી ચાર પેઢીઓને મસાલા નાખીને, વળ પર વળ ચડાવીને આ કિસ્સો કહેવાની કેટલી મઝા આવતી હોત.

બધા ખુશ હતા.એમાંય કલ્યાણજી આણંદજી. એમના હસમુખ સ્વભાવ માટે દુનિયામાં પ્રખ્યાત. તેઓ આ પ્રસંગ જાહેરમાં રમુજ સાથે કહેતા.

આ પણ વાંચો- Sanjay Leela Bhansali-કારમી ગરીબીમાંથી નિપજેલો મહાન દિગ્દર્શક 

Whatsapp share
facebook twitter