Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bollywoodમાં બંગાળીઓનો દબદબો

11:11 AM May 08, 2024 | Kanu Jani

Bollywood એક કોસ્મોપોલિટન ઇન્ડસ્ટ્રી છે. અહીં ભારતભરનાં રાજ્યોમાંથી આવેલા કલાકાર-કસબીઓ નામ ‘ને નાણું બન્ને કમાય છે

બંગાળ સાથે તો Bollywoodનો જૂનો સંબંધ છે. ‘ધ કેરલા સ્ટોરી‘ નામની એકેય જાણીતા સ્ટાર વગરની ફિલ્મ જેવી રીલીઝ થઈ તે સાથે જ ફિલ્મના ડિરેક્ટર અને કો-રાઇટરનું નામ  અચાનક ચર્ચાની એરણે ચઢ્યું- સુદીપ્તો સેન. 

બંગાળી બાબુઓ દાયકાઓથી મસ્ત મજાની હિન્દી ફિલ્મો બનાવતા આવ્યા છે – બિમલ રોય (દો બીઘા જમીન, મધુમતી, બંદિની) સત્યજિત રે (શતરંજ કે ખિલાડી), આસિત સેન, શક્તિ સામંતા, સત્યેન બોઝ, હૃષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી, બાસુ ભટ્ટાચાર્ય… એ પછીની પેઢીમાં અપર્ણા સેન આવ્યાં. બે મહત્ત્વના બંગાલી મેકર્સનું નિધન થઈ ચૂક્યું છે – રિતુપર્ણો ઘોષ અને પ્રદીપ સરકાર.

 ‘ધ કેરલા સ્ટોરી’-સુદીપ્તો સેન  

હિન્દી ફિલ્મો બનાવતા ભદ્ર બંગાળી ડિરેક્ટરોની સુચિમાં હવે સુદીપ્તો સેનનું નામ હવે વટથી ઉમેરાઈ ગયું છે. ચાલો, બોલિવુડના આજના ટોપ-સિક્સ બંગાળી ફિલ્મમેકર્સ વિશે અનિયત ક્રમમાં વાત કરીએ. ‘ધ કેરલા સ્ટોરી’ ન્યુઝમાં છે એટલે શરૂઆત સુદીપ્તોદાથી જ કરીએ.   

૧. સુદીપ્તો સેનઃસર્જનમાં લવ જિહાદનો મુદ્દો કેન્દ્રસ્થ 

તમે ઇન્ટરનેટ ખંખોળો છો તો ખબર પડે છે કે સુદીપ્તો સેનના નામનું વિકીપિડીયા પેજ બન્યું જ નથી. એમના નામની વેબસાઇટ પર હુરિયા મોહમ્મદ નામના ન્યુ યોર્ક સ્થિત ફિલમમેકર-રિસર્ચરે એમનો પરિચય આ રીતે આપ્યો છે, ‘બંગાળના જલપાઈગુડી જેવા નાનકડા નગરના એક સીધાસાદા પરિવારમાં જન્મેલો છોકરો સ્કૂલનું ભણતર પૂરું થાય તે પહેલાં જ ફિલ્મમેકર બનવાનું સપનું જોવા લાગે તે આખી વાત જ અજુગતી લાગે એવી છે…’ સુદીપ્તોએ કોલકાતા યુનિવસટીમાં ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું, અપ્લાઇડ સાઇકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને પછી ફિલ્મમેકિંગનો કોર્સ કર્યો. આ ફિલ્મમેકિંગનો કોર્સ એમણે ક્યાં કર્યો તેની માહિતી તો સુદીપ્તો સેનના લિન્ક્ડઇન પ્રોફાઇલમાં ય નથી.

આપણે ભલે સુદીપ્તો સેનનું નામ છેક હવે સાંભળ્યું, બાકી તેઓ ફિલ્મલાઇનમાં ૩૦ વર્ષથી સક્રિય છે. મુંબઈમાં સ્થાયી થયેલા સુદીપ્તો સેનના નામે ‘આસ્મા – ઇન ધ નેમ ઓફ જિહાદ’, ‘લખનૌ ટાઇમ્સ’ જેવી હિન્દી ફિચર ફિલ્મો, ‘ગુરુજી-અહેડ ઓફ ટાઇમ’ જેવી નેશનલ અવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટરી,

સુદિપ્તોના સર્જનમાં લવ જિહાદનો મુદ્દો કેન્દ્રમાં

 ‘અખનૂર’ નામની શોર્ટ ફિલ્મ, એકાદ મલયાલમ ફિલ્મ અને બીજાં થોડાંક ટાઇટલ્સ બોલે છે. આમાંથી હરામ બરાબર આપણે આમાનું કશુંય જોયું હોય તો!

યાદ રહે, ‘ધ કેરલા સ્ટોરી” લવ જિહાદ પર સુદીપ્તો સેને બનાવેલી પહેલી નહીં, પણ ત્રીજી ફિલ્મ છે. એમની ‘આસમા-ઇન ધ નેમ ઓફ જિહાદ’ નામની હિન્દી ફિલ્મ ઉપરાંત ‘ઇન ધ નેમ ઓફ લવ – મેલેન્કોલી ઓફ ગોડ્સ ઑન કન્ટ્રી’ નામની  એક કલાકની ડોક્યુમેન્ટરીમાં પણ લવ જિહાદનો મુદ્દો કેન્દ્રમાં હતો.

હિંસક  વિરોધ છતાં ય સર્જન ન અટક્યું

૨૦૧૮માં જવાહરલાલ નેહરુ યુનિવસટી (જેએનયુ)માં ‘ઇન ધ નેમ ઓફ લવ…’નું સ્ક્રીનિંગ થયું હતું ત્યારે જબરી ધમાલ મચી ગઈ હતી. તોફાનીઓએ સુદીપ્તો સેનને ધક્કે ચડાવ્યા હતા, એમને લાફો ઠોકી દીધો હતો, એમનું લેપટોપ સુધ્ધાં તોડી નાખ્યું હતું. આવા વાયોલન્ટ વિરોધ પછી કોઈ કાચોપાકો ફિલ્મમેકર હોત તો ડરીને શાંત થઈને બેસી ગયો હોત, પણ સુદીપ્તો સેન ન ઝુક્યા, ન હાર્યા.  એમણે ‘ધ કેરલા સ્ટોરી’ જેવી આકરી અને સુપર હિટ ફિલ્મ બનાવી અને પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.      

૨. શૂજિત સરકાર-કોણ જાણે કેમ, સુંદર ફિલ્મો પર જોઈએ એટલી ચર્ચા ન થઈ

સ્પર્મ ડોનેશન જેવા વિષય પર મેઇનસ્ટ્રીમ ને એય પાછી ફેમિલી ફિલ્મ બની શકે? ‘ વિકી ડોનર‘ પહેલાં આનો જવાબ એક જ હતોઃ ના, જરાય નહીં.

‘વિકી ડોનર’ની પહેલાં શૂજિતની ‘યહાં…’ નામની ફિલ્મ આવી ચૂકી હતી. એમની ‘પિકુ‘ કેટલી મસ્ત ફિલ્મ હતી. ઇવન ‘મદ્રાસ કેફે‘ અને ‘ઓક્ટોબર‘ પણ. ‘પિન્ક’ જેવી પાવરફુલ ફિલ્મના તેઓ ડિરેક્ટર નહીં, પણ પ્રોડયુસર અને કો-રાઇટર હતા. એમની ‘સરદાર ઉધમ’ તો માસ્ટરપીસ છે. કોણ જાણે કેમ, આટલી સુંદર ફિલ્મ પર જોઈએ એટલી ચર્ચા થઈ નથી. શૂજિતદા વચ્ચે વચ્ચે બંગાળી ફિલ્મો પણ બનાવતા રહે છે.

૩. અનુરાગ બસુ- સ્ક્રિપ્ટ વગર ઉત્સ્ફૂર્તપણે શૂટિંગ કરનાર સર્જક

એમની રેન્જ જબરી છે – મલ્લિકા શેરાવતની ભમરાળી ‘મર્ડર’થી માંડીને રણબીર-પ્રિયંકાની હૃદયસ્પર્શી ‘બરફી’ સુધી. વચ્ચે કંગના રણૌતની ડેબ્યુ ફિલ્મ ‘ગેંગસ્ટર’, મલ્ટિપલ સ્ટોરીલાઇન ધરાવતી ખૂબ સુંદર ‘લાઇફ ઇન અ મેટ્રો’ અને હૃતિક રોશનની ફ્લોપ ‘કાઇટ્સ’ પણ આવી ગઈ. તેમને પાક્કી સ્ક્રિપ્ટ વગર ઉત્સ્ફૂર્તપણે શૂટિંગ કરવાની ટેવ છે. આ શૈલીના પ્રતાપે ક્યારેક ‘જગ્ગા જાસૂસ’ જેવી બોરિંગ ફિલ્મો પણ આવી જાય છે. કેન્સર સર્વાઇવર અનુરાગ બસુની  આગામી ‘આશિકી-થ્રી’ પર હવે સૌની નજર છે.

૪. દિવાકર બેનર્જી-બોલિવુડના સૌથી ઇમ્પોર્ટન્ટ ડિરેક્ટર

કોણ કહે છે કે ખાન-કપૂર-કુમાર સાથે કામ કરો તો જ તમે બોલિવુડમાં ડિરેક્ટર તરીકે પ્રસ્થાપિત થઈ શકો? દિવાકર બેનર્જીની ફિલ્મોગ્રાફી જુઓઃ ‘ખોસલા કા ઘોસલા’, ‘ઓય લકી! લકી ઓયે!’, ‘લવ, સેક્સ ઔર ધોખા’, ‘શાંઘાઈ’, ‘ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી’ ઇત્યાદિ. એમની છેલ્લી ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ ભલે જરાય નહોતી ચાલી, પણ આજની તારીખે બોલિવુડના સૌથી ઇમ્પોર્ટન્ટ ડિરેક્ટરોમાં એમનું નામ તો લેવાય છે જ.

૫. અયાન મુખર્જીઃ જેની પાસેથી ઊંચી અપેક્ષાઓ રાખવામાં કશો વાંધો નથી.

ડિરેક્ટર દેવ મુખર્જીના આ ટેલેન્ટેડ દીકરાની પહેલી જ ફિલ્મ ‘વેક અપ સિડ‘ કેટલો આનંદ કરાવી દે તેવી હતી. આ ઓફબીટ ફિલ્મ પછી એમણે પ્રોપર કમશયલ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ બનાવી. તે પણ હિટ. ‘બ્રહ્મા‘થી એમણે સફળતાની હેટટ્રિક કરી. નજીકના ભવિષ્યમાં તેમની ‘વોર-ટુ’ આવશે અને ‘બ્રહ્મા’નો પાર્ટ ટુ અને થ્રી તો ખરા જ. અયાન પાસેથી ઊંચી અપેક્ષાઓ રાખવામાં કશો વાંધો નથી.

૬. સુજોય ઘોષઃમૂળ એન્જિનીયર. પછી પત્રકાર બન્યા ને છેલ્લે ફિલ્મમેકર

તેઓ મૂળ એન્જિનીયર. પછી પત્રકાર બન્યા ને છેલ્લે ફિલ્મમેકર બન્યા. ‘ઝંકાર બીટ્સ‘ એમની પહેલી ફિલ્મ. વિશાલ-શેખરે કંપોઝ કરેલાં આ ફિલ્મનાં ગીતો આપણને આજેય સાંભળવા ગમે છે. તે પછીની બે ફિલ્મો ‘હોમ ડિલીવરી’ અને ‘અલાદ્દીન’ ફ્લોપ થઈ, પણ ત્યાર પછી આવેલી ‘કહાની‘એ બાજી પલટી નાખી. કેટલી પાવરફુલ ફિલ્મ… ને એમાં પાછો વિદ્યા બાલનનો હાઇક્લાસ અભિનય! ‘કહાની-ટુ’એ પહેલા પાર્ટ જેટલી જમાવટ ન કરી, પણ તે ફિલ્મ જોવાની મજા તો આવી જ. કરીના કપૂર સાથેની સુજોય ઘોષની આગામી ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ ખાસ્સી પ્રોમિસિંગ લાગે છે. એ તો ફિલ્મ જોઈએ એટલે ખબર.

બોલિવુડના બંગાળી ફિલ્મમેકર્સની વાત જ નીકળી છે ત્યારે ભેગેભેગા કેન ઘોષ (ઇશ્ક વિશ્ક, ફિદા) અને ઓનિર (માય બ્રધર નિખિલ, આઇ એમ)નાં નામોને પણ ‘ઓનરેબલી મેન્શન’ કરી દઈએ?

જએ હોય એ પણ બંગાળી વાર્તા પરથી બનેલી ફિલ્મો,દિગ્દર્શકો,સંગીતકારો,હીરો હિરોઈનો,શરિત્ર કલાકારો બધાની શૈલી મનહર હોય છે. કારણ બંગાળી કલ્ચરનું મૂળ સંગીત અને વાર્તા કથન સમાજાભિમુખ અને શાંતરસવાળું હોય છે.

આ પણ વાંચો- Shamshad Begum-મંદિરની ઘંટડી જેવો રણકતો સ્વર