Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bollywoodમાં સતત ચાર ચાર દાયકાથી ચમકતો સિતારો-અનુપમ ખેર

02:06 PM May 08, 2024 | Kanu Jani

Bollywoodમાં અનુપમ ખેરની કારકિર્દી આદરપાત્ર ગણાતા રાજશ્રી પ્રોડક્શનની યાદગાર ફિલ્મ સારાંશ (૧૯૮૪–દિગ્દર્શન-મહેશ ભટ્ટ) થી થઇ. સારાંશ ફિલ્મમાં અનુપમ ખેરે  ફક્ત  ૨૯ વર્ષની યુવાન વયે ૬૫ વરસના નિવૃત્ત શિક્ષકની બહેતરીન ભૂમિકા ભજવીને પોતાની અભિનય પ્રતિભાનો ઉજળો પરિચય આપ્યો હતો.

ભારતના પ્રસિદ્ધ ગિરિમથક શિમલામાં કશ્મીરી પંડિત પરિવારમાં જન્મેલા અનુપમ ખેર કહે છે, ૨૦૨૨માં રજૂ થયેલી મારી કાર્તિકેય-૨, કશ્મીર ફાઇલ્સ, ઉંચાઇ ફિલ્મોને દર્શકોએ ઉમળકાભેર આવકાર આપ્યો હોવાથી મને બેહદ ખુશી થઇ છે. હું મારાં ચાહકોનો અને ફિલ્મ રસીકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

40 વરસથી દર્શકોનો હજી ય એટલો જ પ્રેમ

આજે  ૪૦  વર્ષની કારકિર્દી બાદ પણ ફિલ્મ પ્રેમીઓ મારા અભિનયને પ્રેમ  કરે છે તે બાબત મારા માટે સૌથી મોટું માન-સન્માન અને ઋણ છે. ખરું કહું તો  મને મારાં  ચાહકો તથા ફિલ્મ પ્રેમીઓના ભરપૂર સ્નેહથી જ આટલી મોટી ઉંમરે પણ ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવવાની તીવ્ર ઇચ્છા રહે છે. હું મારી ભૂમિકાને  શક્ય તેટલી જીવંત બનાવવા પ્રયાસ કરું  છું. 

ધ કશ્મીર  ફાઇલ્સ-કશ્મીરી પરિવારોને હૃદયાંજલી

મૂળ કશ્મીરી પંડિત અનુપમ ખેર ભારે હૈયે  કહે છેધ કશ્મીર  ફાઇલ્સ ફિલ્મમાં   નેવુંના દાયકામાં  હજારો કશ્મીરી પંડિત પરિવારો સાથે થયેલા હાડોહાડ અન્યાય અને રક્તરંજિત ઘટનાઓનો સાવ સાચુકલી તથા હૃદયદ્રાવક રજૂઆત થઇ છે.

ઉગ્રવાદીઓના ખોફથી કશ્મીરી પંડિતો  તેમના વ્હાલા વતનને અને માલ-મિલકતને અલવિદા કહીને ભારતનાં જુદાં જુદાં શહેરોમાં હિજરત કરી ગયાં.  આ ફિલ્મમાં ઉગ્રવાદીઓનો ભોગ બનેલાં અને આજે બે દાયકા કરતાં વધુ સમયથી  પોતાનાજ દેશમાં હિજરતીઓની જેમ રહેતાં તમામ કશ્મીરી પરિવારોને હૃદયાંજલી અર્પણ કરવામાં આવી છે. તેઓને તેમના પૂરા હક્ક સાથે રોકડો  ન્યાય આપવાની વાત છે.પૃથ્વી પરના સ્વર્ગમાં ફરીથી સુખ,શાંતિ, સમૃદ્ધિનો ત્રિવેણી સંગમ થાય એવી મક્કમ રજૂઆત થઇ છે.

કુદરતના અનુપમ સૌંદર્ય સામે  માનવી બહુ  નાનો

નેશનલ  સ્કૂલ ઓફ ડ્રામા (એન.એસ.ડી.-દિલ્હી)ના વિદ્યાર્થી  અનુપમ ખેર ભારોભાર ખુશી અને  સંતોષ વ્યક્ત કરતાં કહે છે, ઉંચાઇ (નિર્માણ : રાજશ્રી ફિલ્મ્સ) ફિલ્મમાં મારી સાથે મહાનાયક અમિતાભ બચ્ચન, મજેદાર અભિનેતા બોમન ઇરાની અને અનુભવી અભિનેત્રી નીના ગુપ્તા હોવાથી જાણે કે અભિનયની  જુગલ બંદી થઇ હોય તેવો યાદગાર અનુભવ થયો. આમ પણ ઉંચાઇ ફિલ્મમાં માનવીના  જીવનની ઉંચાઇનો સુંદર સંદેશો પણ હોવાથી ખરેખર આનંદ થયો. હિમાલયના બરફીલા – ગગનચુંબી પર્વતો, ખળખળ વહેંતોં રમતિયાળ ઝરણાં, ઘટાટોપ-લીલાંછમ વૃક્ષો, રંગબેરંગી પુષ્પો અને પક્ષીઓનો કર્ણપ્રિય કલરવ વગેરે કુદરતના અનુપમ સૌંદર્ય સામે  માનવી બહુ  નાનો લાગે. પ્રકૃતિની ઉંચાઇ સામે માનવીએ નત મસ્તક રહેવું જોઇએ એવો અર્થપૂર્ણ સંદેશો છે ઉંચાઇ  ફિલ્મમાં.

આમ પણ મારી અભિનય કારકિર્દી  જ રાજશ્રી ફિલ્મની યાદગાર ફિલ્મ સારાંશ (૧૯૮૪)થી થઇ હોવાથી અને  મેં  તેમની લગભગ  બધી ફિલ્મો (સારાંશ, હમ આપ કે હૈ કૌન, વિવાહ,પ્રેમ રતન ધન પાયો, ઉંચાઇ) માં કામ  કર્યું હોવાથી અમારી વચ્ચે એક પ્રેમાળ પરિવાર જેવો હુંફાળો સંબંધ રહ્યો છે.

રાજશ્રી ફિલ્મ્સમાં કામ કરનાર એક પરિવાર

રાજશ્રી ફિલ્મ્સની સ્થાપના પ્રખર રાષ્ટ્ર પ્રેમી અને  ભારતીય સંસ્કૃતિના સંસ્કાર જીવંત રાખવાના આગ્રહી  તારાચંદ બરજાત્યાએ  ૧૯૪૭ની ૧૫,ઓગસ્ટે  કરી છે. એટલે જ તો સતત ૭૫ વર્ષથી   રાજશ્રી  ફિલ્મ્સની તમામ ફિલ્મોમાં પરિવાર પ્રેમ, સત્ય, નીતિ, પ્રામાણિકતા, માનવતાનો ઉમદા સંદેશો  વહેતો  રહ્યો છે.

આજે રાજશ્રી ફિલ્મ્સનું સુકાન સૂરજ બરજાત્યા સંભાળે છે.  નિર્માતા અને દિગ્દર્શક  તરીકે સૂરજ  બરજાત્યા ખરેખર બહુ તેજસ્વી છે. સાથોસાથ એક માનવી તરીકે પણ ભારોભાર સંસ્કારી અને ઉમદા છે. સુંદર, અર્થસભર, સંગીતમય ફિલ્મોનું નિર્માણ કરવા માટે આગ્રહી છે. ભારતીય સભ્યતા અને મર્યાદા બાબતમાં જરાય સમાધાન નથી  કરતા.

સાથોસાથ પોતાની નિર્માણ કંપનીના અને  ફિલ્મોમાં કામ કરનારી વ્યક્તિઓનાં  સલાહ-સૂચનોને પણ આવકારે છે. સૌથી મજેદાર બાબત તો એ છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન સમગ્ર  માહોલ પિકનિક  જેવો હોય છે.

પાત્રને સમજવા એક  વિદ્યાર્થીની જેમ  તૈયારી

બે નેશનલ એવાર્ડ્ઝ (ફિલ્મ –ડેડી -૧૯૮૯, મૈંને ગાંધી કો નહીં મારા-૨૦૦૫) અને  આઠ ફિલ્મ ફેર એવોર્ડ્ઝનું સન્માન મેળવનારા Anupam Kher મહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, હું મારા પાત્રને સમજવા એક  વિદ્યાર્થીની જેમ  તૈયારી કરું છું.  પહેલા તબક્કે ફિલ્મની કથા-પટકથા વાંચું અને તેનો સાર-સંદેશો  સમજવા પ્રયાસ કરું. બીજા તબક્કે મારા પાત્રને,  તેની સાથે જોડાયેલા પ્રસંગોને, મારા પાત્રનો બીજા ં પાત્ર સાથેનો  સંબંધ, મારી ભૂમિકા દ્વારા અપાતો સદેશો  સમજવા  પ્રયાસ કરું. સાથોસાથ આખી  ફિલ્મ  સાથે  મારી ભૂમિકા વિશે દિગ્દર્શકનાં મન- હૃદયમાં કેવું ચિત્ર કે દ્રષ્ટિ છે તે મહત્વની બાબત સમજવા કોશિશ કરું.

એક વખત આ બધાં પાસાં સ્પષ્ટ થઇ જાય ત્યારબાદ હું મારા પાત્રનો શારીરિક દેખાવ, પ્રતિભા,  અવાજ,  વાતચીત કરવાની રીતભાત, તેના અંગત જીવનની  સંવેદનશીલતા  વગેરે પાસાં વિશે પણ વિચારું અને તેની એક રૂપરેખા તૈયાર કરું.  હું એક કદમ આગળ વધીને મારી   ભૂમિકાના સંવાદ અને તેના હાવભાવ વગેરેની પણ તૈયારી કરું. હા, હું  મારા ઘરના મોટા  અરીસા સામે ઉભાં રહીને મારી ભૂમિકા સાથે વાતચીત કરું  કે જેથી  મને  સંતોષ થાય.

તમારા કાર્ય પ્રત્યે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો અને તેને મન, કર્મ,વચનથી વફાદાર રહો

વિજય, તેઝાબ, પરિન્દા, ચાંદની, ચાલબાઝ, દિલ, લમ્હંે, બેટા, રામ લખન, સૌદાગર,કર્મા, કુછ કુછ  હોતા હૈ વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારા અને કુછ ભી હો સકતા હૈ ટીવી શો દ્વારા યુવાન પેઢીને ભરપૂર પ્રોત્સાહન આપનારા અનુપમ ખેર કહે છે, હું  નવી પેઢીનાં અભિનેતા-અભિનેત્રીઓને ફક્ત એટલી જ સલાહ કે સૂચન આપવા ઇચ્છું છું કે  તમારા કાર્ય પ્રત્યે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો અને તેને મન, કર્મ,વચનથી વફાદાર રહો.  ગમે તેટલા આરોહ-અવરોહ, પડકાર  આવે તો પણ જરાય હિંમત ન હારો. તમારું મનોબળ લોખંડી રાખો અને સમગ્ર શક્તિથી આગળ  વધો. સાથોસાથ સભ્ય, સુસંસ્કૃત, નમ્ર, વિવેકી બનો કે જેથી તમારાં સિનિયર કલાકારો પાસેથી તમને ઘણું ઘણું શીખવા મળશે. અને હા, સફળતા કાંઇ અંતિમ ચરણ કે લક્ષ્ય ન હોઇ શકે પણ સતત આગળ વધતી યાત્રા છે.

અનુપમ ખેર કહે છે કે-

“એક કલાકાર તરીકે તમે આપણા રાષ્ટ્રને અને  સમાજને કંઇક અર્પણ કરવાની ઉમદા ભાવના પણ રાખો. તમે એક  ઉમદા માનવી છો એટલે સવારે દિવસની શરૂઆત  તેજસ્વી, સુંદર વિચાર સાથે કરો.વળી, તમારા પરિવારનાં સભ્યોને અને તમારાં શુભેચ્છકોને પણ  ઉમદા, તેજસ્વી વિચાર આપો. સ્વભાવ હસમુખો રાખશો તો આજના ભારે દોડધામના યુગમાં પણ આનંદમાં રહીને હળવાશ અનુભવી શકશો.  જુઓ, કોરોનાની જીવલેણ મહામારીએ સમસ્ત માનવજાતને વેરવિખેર કરી નાખી. કોરોનાનો ઝેરી ડંખ ભારતીય ફિલ્મ જગતને પણ વાગ્યો છે. આ આઘાતમાંથી  બહાર આવવા ફિલ્મ જગત હવે તેનાં દર્શકોને અર્થપૂર્ણ,  વાસ્તવિક, જીવન ઉપયોગી ફિલ્મોની ભેટ આપી રહ્યું છે.”

સાચી વાત છે. અભિનયનું  વિશાળ ગગન ધરાવતા અનુપમ ખેર બહુ સ્પષ્ટપણે માને છે કે   હું એક અભિનેતા તરીકે સતત વિસ્તરતો રહ્યો છું. અને એટલે જ આજે  ચાર દાયકાની કારકિર્દી બાદ પણ આખું ભારતીય અને હિન્દી ફિલ્મ જગત મને બહુ બહુ યાદ કરે છે.

આ પણ વાંચો-   Tapsi Pannu-પચાસ ફિલ્મો પછી ય હતી ત્યાંની ત્યાં