Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાને લઈ વિરોધ પ્રદર્શન શરૂ, શું કહ્યું રાજ શેખાવતે?

08:34 AM Dec 06, 2023 | Maitri makwana

હનુમાનગઢ જિલ્લાના સુખદેવસિંહ ગોગામેડી રાજપૂત સમુદાયના આક્રમક નેતા તરીકે જાણીતા હતા. 2017માં ફિલ્મ પદ્માવતના વિરોધ દરમિયાન તેઓ દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. જયપુરમાં ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરમિયાન રાજપૂત કરણી સેનાએ ફિલ્મના સેટ પર પણ તોડફોડ કરી હતી અને વિરોધ કર્યો હતો. રાજપૂત કરણી સેનાએ ફિલ્મમાં સમાવિષ્ટ અનેક દૃશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો.

ઘરમાં ઘૂસીને બપોરે દોઢ વાગ્યે ગોળી મારવામાં આવી હતી

શ્યામનગર વિસ્તારમાં સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસીને બપોરે દોઢ વાગ્યે ગોળી મારવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ગોગામેડીના ઘરે પહોંચી હતી. એફએસએલની ટીમે પણ પુરાવાઓ એકત્રિત કર્યા છે.

સુખદેવસિંહ ઉપર ફાયરિંગ કર્યું

જયપુર પોલીસ કમિશનર બીજુ જ્યૉર્જ જોસેફે જણાવ્યું કે, ‘ત્રણ લોકો ગોગોમેડીને મળવા માટે આવ્યા હતા. જેની મંજૂરી મળ્યા બાદ તેઓ અંદર આવ્યા હતા અને દસ મિનિટ સુધી તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી.’ તેમણે કહ્યું, “દસ મિનિટ પછી એ લોકોએ સુખદેવસિંહ ઉપર ફાયરિંગ કર્યું હતું જેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. તેમની પાસે ઊભેલા સુરક્ષા ગાર્ડને પણ ગોળી વાગી હતી. તેઓ પણ આઈસીયુમાં ભરતી છે. આ ગોળીબારમાં એક હુમલાખોરનું મૃત્યુ પણ થયું છે.”

સમગ્ર રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા 

ગોગામેડીની હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. સુખદેવસિંહને જે માનસરોવર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા તેની બહાર રાજપૂત કરણી સેના સાથે જોડાયેલા લોકો અને રાજપૂત સમાજના લોકો રસ્તા રોકીને વિરોઘ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે બને તેટલી ઝડપથી હત્યારાઓની ધરપકડ કરવામાં આવે નહિતર પ્રદર્શનીઓ કાનૂનને હાથમાં લઈ શકે છે.

જયપુરમાં પોતાના ઘરની અંદર હત્યા કરવામાં આવી

ક્ષત્રિય કરણી સેના પરિવારનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજ શેખાવતે આંદોલનની ચીમકી પણ આપી છે. તેમણે નિવેદન જાહેર કરીને કહ્યું કે, “કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જે પ્રકારે જયપુરમાં પોતાના ઘરની અંદર હત્યા કરવામાં આવી છે તેને લીધે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભરેલો છે.”

જયપુરમાં એક મોટું આંદોલન કરવામાં આવશે

“સરકાર સમક્ષ અમારી માંગણી છે કે ગોગામેડીનાં હત્યારાઓની બને તેટલી જલદી ધરપકડ કરવામાં આવે નહિંતર જયપુરમાં એક મોટું આંદોલન કરવામાં આવશે અને સરકાર તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.” કૉંગ્રેસ સરકારના પૂર્વ મંત્રી રાજેંદ્ર ગુઢાએ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરીને આ ઘટનાને કાયરોનું કૃત્ય ગણાવ્યું છે. આખા રાજ્યના રાજપૂત સમાજના લોકોએ જયપુરમાં ભેગા થવાનું શરૂ કરી દીધુ છે.

વિરોધમાં જયપુરના ઘણા વિસ્તારોમાં બજારો બંધ

હત્યાનાં વિરોધમાં જયપુરના ઘણા વિસ્તારોમાં બજારો બંધ કરાવામાં આવ્યા છે. બધા જ સમાજ તરફથી બુધવારે જયપુર બંધનુ એલાન કરવામાં આવ્યું છે. બીજી તરફ, રાજસ્થાન પોલિસના ડીજીપી ઉમેશ મિશ્રાએ લોકોને શાંતિ જાળવાની અપીલ કરી છે.

આ પણ વાંચો –  કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લેનાર રોહિત ગોદારા કોણ છે ?, વાંચો અહેવાલ