+

હોસ્ટેલમાં છૂટથી રહ્યા બાદ વિદ્યાર્થીઓને ઘેર રહેવામાં પડી રહી છે મુશ્કેલી..

હોસ્ટેલમાં છૂટથી રહ્યા બાદ વિદ્યાર્થીઓને ઘેર રહેવામાં પડી રહી છે મુશ્કેલી..સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં આવ્યું સામેખાનગી હોસ્ટેલ કે પી.જી.માં નિયંત્રણ વગર રહ્યા પછી  વિદ્યાર્થીઓને ઘરે સમાયોજન કરવામાં સમસ્યા અનુભવાય છેમિત્રોની સોબત, વધુ પડતો સ્ટ્રેસ અને ઊંચી લાઇફ સ્ટાઇલ વ્યસન તરફ દોરી જાય છેસમાયોજનનો સામાન્ય અર્થ સુમેળ સાધવો એવો કરી શકાય. માણસ પોતાના જીવનમાં અનેક ઈચ્છ
 • હોસ્ટેલમાં છૂટથી રહ્યા બાદ વિદ્યાર્થીઓને ઘેર રહેવામાં પડી રહી છે મુશ્કેલી..સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં આવ્યું સામે
 • ખાનગી હોસ્ટેલ કે પી.જી.માં નિયંત્રણ વગર રહ્યા પછી  વિદ્યાર્થીઓને ઘરે સમાયોજન કરવામાં સમસ્યા અનુભવાય છે
 • મિત્રોની સોબત, વધુ પડતો સ્ટ્રેસ અને ઊંચી લાઇફ સ્ટાઇલ વ્યસન તરફ દોરી જાય છે
સમાયોજનનો સામાન્ય અર્થ સુમેળ સાધવો એવો કરી શકાય. માણસ પોતાના જીવનમાં અનેક ઈચ્છાઓ અભિલાષાઓ ધરાવે છે. પણ ઘણી વાર સંજોગો એવા હોય છે જેમાં વ્યક્તિની જરૂરિયાતનો સંતોષ થઈ શકતો નથી. ત્યારે વ્યક્તિએના છૂટકે તે પરિસ્થિતિ સાથે સુમેળ સાધવો પડે છે. તેને સમાયોજન કહી શકાય. સમાયોજન એ આપણી અને આપણા વાતાવરણ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા છે. આ પ્રક્રિયામાં ક્યારેક આપણે વાતાવરણ ને અનુકુલિત બનીએ છીએ અને ક્યારેક વાતાવરણ ને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે બદલીએ છીએ. ટુંકમાં વ્યક્તિ જ્યારે પોતાની જરૂરિયાત અને ઈચ્છાની પૂરતી હેતુ વાતાવરણ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે તેને સમાયોજન કહેવામાં આવે છે. સમાયોજન પર ઘણી બધી બાબતો અસર કરે છે. જેમ કે વ્યક્તિની ઉંમર , જાતિ, બુદ્ધી , શારીરિક બાંધો, સંસ્કૃતિ , સમુદાય, ઉછેર પદ્ધતિ વગેરે.  મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની દેવધરીયા નિરાલી અને સવાડીયા માનસીએ અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1260 વિદ્યાર્થીઓ પર   સર્વે કર્યો જેમાં જોવા મળ્યું કે હોસ્ટેલ કે પી.જી.માં રહેતા વિદ્યાર્થીઓને ઘરે સમાયોજન કરવામાં તકલીફ વધુ પડે છે. ઘરથી દૂર રહીને મળતી છૂટછાટ ઘરે મળતી નથી. 
સર્વેમાં નીચે મુજબ પ્રશ્નનો પૂછવામાં આવ્યા.
 • તમે જ્યારે કુટુંબ સાથે હોવ છો ત્યારે તમે ખુશ રહી શકો છો? જેમાં હોસ્ટેલ કે પી.જી.માં રહેતા 37% વિદ્યાર્થીઓ એ ના જણાવી 
 • વેકેશનમાં સમાયોજન કરવામાં તકલીફ પડે છે? જેમાં હોસ્ટેલ કે પી.જી.માં.રહેતા 56% વિદ્યાર્થીઓ એ હા જણાવી.
 • રજાઓમાં ઘરનું વાતાવરણ બોજારૂપ લાગે છે? જેમાં હોસ્ટેલ કે પી.જી.તરીકે રહેતા 45% વિદ્યાર્થીઓ એ હા જણાવી.
 • હાલમાં તમને તમારા રહેઠાણમાં સ્વતંત્રતા અનુભવાય છે? જેમાં હોસ્ટેલમાં કે પી.જી.તરીકે રહેતા 64% વિદ્યાર્થીઓ એ હા જણાવી 
 • શુ તમે તમારા પરિવાર સાથે ખુલ્લીને તમારા વિચારો રજૂ કરી શકો છો જેમાં 72%વિદ્યાર્થીઓ એ ના જણાવી કે ઘરે વાત કરવામાં સમસ્યાઓ અનુભવાય છે.
 • ઘરનું વાતાવરણ બંધનયુક્ત લાગે છે? જેમાં 69% વિદ્યાર્થીઓ એ હા જણાવી. 
 • કોઈ પ્રસંગમાં જાવ ત્યારે સમાયોજનની ખામી વર્તાય છે? જેમાં 62.55% વિદ્યાર્થીઓ એ હા જણાવી.
 • જવાબદારીથી દુર ભાગવાનું મન થાય છે? જેમાં 47.44% વિદ્યાર્થીઓ એ હા જણાવી
 • સ્વતંત્ર રહીને તમે કોઈ કાર્ય કરી શકો છો? જેમાં 76% હોસ્ટેલ કે પી.જી.ના વિદ્યાર્થીઓ એ હા જણાવી જ્યારે માત્ર 33% ઘરે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ હા જણાવી
 • રજાઓ દરમિયાન બેચેની અનુભવાય છે? જેમાં હોસ્ટેલ અને પી.જી.માં રહીને અભ્યાસ કરતા 53.44% વિદ્યાર્થીઓ એ હા જણાવી
 • હોસ્ટેલ કે પી.જી. મૂકીને ઘરે જાવ ત્યારે અણગમો અનુભવાય છે? જેમાં 62.22%વિદ્યાર્થીઓ એ હા જણાવી
 • ઘરે રહો ત્યારે મિત્રની યાદ સતત સતાવે છે? જેમાં 81% વિદ્યાર્થીઓ એ હા જણાવી.
 • માતાપિતા નું બેજવાબદાર અને સેલ્ફ સેન્ટર વર્તન ને કારણે બાળકો માં સમાયોજન ની સમસ્યા વધુ ઉદભવી છે, માતા કે પિતા એ પોતાના સંતાનોને  લાગણી સભર રીતે ઉછેરવા જોઈએ એના બદલે આધુનિક વાલીઓ અહમ્ વાદી ઉછેર કરતા હોય છે એ પણ બાળકને બગાડે છે.
સમસ્યાના કારણો જવાબદાર…
 • આધુનિક સમયમાં વ્યક્તિઓને સમાયોજનમાં ખૂબ મુશ્કેલી થાય છે.નાની મોટી વાતમાં વ્યક્તિ પોતાની જાતને સમાયોજીત કરી શકતો નથી, અને પરિણામે પોતે ચિંતા,તણાવ,ખિન્નતા, મનોભાર વગેરેનો અનુભવ કરે છે. જ્યારે આ બધી બાબતોથી આગળ વધીને વ્યક્તિ આપઘાતનો પ્રયાસ કરે છે. 
 • હોસ્ટેલ કે PG મા રહેતા  વિદ્યાર્થીમાં જોવા મળતી બાબતો
 • વિદ્યાર્થીઓમાં અનેક સમસ્યાઓ હોય છે.આ સમસ્યા માટે વિવિધ કારણો જવાબદાર હોય છે. 
 • – સમાજિક જીવનમાં ઓછો રસ હોય છે.પોતે  પોતાના જ જીવનમાં વ્યસ્ત હોય છે. 
 • – સમાજ કરતાં તેને પોતાના મિત્રો કે બહારના લોકો સાથે સમય પસાર કરવામાં  વધારે રસ હોય છે.
 • – સામજિક પ્રસંગોમાં રહેવાનું તે ઓછું પસંદ કરે છે.
 • – પોતાને સ્વતંત્રતાથી રહેવું વધુ ગમતું હોય છે.
 • – સમાયોજનમાં  તેઓ મુશ્કેલી અનુભવે છે.
 • – ખોટા મિત્રોની સંગતે વ્યસની બનવા તરફ આગળ વધે છે
 • *આધુનિક સમયમાં વિદ્યાર્થીઓમાં જોવા મળતા પ્રશ્નો* 
 • – વધારે પડતાં ભણવાને લગતા કામથી સતત ચિંતાનો અનુભવ કરે છે.
 • – પરીક્ષાઓમાં પોતે સારું લખી શકતા નથી.
 • – સામાજિક પ્રસંગોમાં રહેવાનું તે ઓછું પસંદ કરે છે.
 • – વધારે સ્વતંત્રતામાં રહેવું ગમતું હોય છે.પરંતુ ક્યારેક તેને મળતી નથી .
 • –  મોબાઇલનો ઉપયોગ વધ્યો છે.
 • – સમાયોજનનો  અમુક અંશે અભાવ જોવા મળે છે.
 • – વ્યસન વધારે પડતું જોવા મળે છે.
 • – સહનશકિતનો અભાવ જોવા મળે છે.
 *વિદ્યાર્થીઓમાં આવેલ પરિવર્તનો* 
આધુનિક યુગમાં વિદ્યાર્થીઓમાં અનેક પરિવર્તનો આવ્યા છે. પહેલાંના સમયના વિદ્યાર્થીઓ અને અત્યારના સમયના વિદ્યાર્થીઓ બંનેમાં ખૂબ જ બદલાવ જોવા મળે છે. એમાં પણ મોબાઈલ અને ઇન્ટરનેટના લીધે અનેક પરિવર્તનો થવા પામ્યા છે. જે નીચે પ્રમાણે છે. 
*રહેણી કરણીમાં પરિવર્તન:
પહેલાંના સમયમાં લોકો સાદાઈથી જીવન જીવતા હતા પરંતુ અત્યારના લોકોમાં આ બાબતે ખૂબ પરિવર્તન જોવા મળ્યું છે. લોકોમાં કપડાં, ભોજન, રહેવાસ દરેક બાબતે પરિવર્તન થયું છે. અત્યારની પેઢીના બાળકો જુદી જુદી સ્ટાઈલના કપડા પહેરી એક બીજાને આકર્ષિત કરવાના પ્રયાસો કરે છે અને સાથે સાથે સાદો ખોરાક મૂકીને ચાઇનીઝ, પિત્ઝા , બર્ગર, મેગી, વગેરે જંક ફૂડ ના વ્યાસની થઈ ગયા છે. આના પરિણામે ઘણા બધા પ્રશ્નો ઉદ્દભવે છે. 
*દેખાદેખી:
મોબાઈલ અને ઈન્ટરનેટ ના લીધે આ સમસ્યા ખુબજ વિશાળ બનતી જાય છે. બાળકો અન્ય સાથે સરખામણી કરતા થયા છે. અન્યના કપડાં, મોબાઈલ, ગાડી વગેરે જોઈને પોતે પણ આવી વસ્તુ ખરીદવાની ઘેલછા ધરાવે છે. અને દેખાડાવૃતી ખૂબ જ વધી છે. અન્ય સાથે દેખાદેખીમાં ઘણી વાર પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ભૂલી જાય છે અને દેવું પણ કરી બેસે છે.
*ઝડપી શિક્ષણ:
આજના ઝડપી યુગમાં શિક્ષણ પણ ઝડપી બન્યું છે. પહેલાંના વિદ્યાર્થીઓ ને જે બાબતો ચોથા કે પાચમાં ધોરણમાં શીખવવામાં આવતી તે હવે જોઈએ તો પહેલા ધોરણના બાળકને શીખવવામાં આવે છે. દરેક વિદ્યાર્થી આ ઝડપી શિક્ષણ સાથે તાલ મિલાવી શકતા નથી ત્યારે તેનામાં સમાયોજન ના પ્રશ્નો ઉદ્દભવે છે.  ટેકનોલોજીના કારણે શિક્ષણમાં ઘણા પરિવર્તનો થયા છે અને કોરોના કાળ પછી પણ બાળકોમાં અનેક પરિવર્તનો થયા છે. 

*વિચારસરણીમાં પરિવર્તન:
અત્યારના વિદ્યાર્થીઓની વિચારસરણીમાં ખુબજ અલગતા જોવા મળે છે. આજનો વિદ્યાર્થી બધું કામ ઝડપથી કરવા ઈચ્છે છે. બીજા વિદ્યાર્થીઓ થી અલગ પડવા ઈચ્છે છે. અને ખાસ કરીને સ્વતંત્ર થવા ઈચ્છે છે. અને તેની સ્વતંત્રતાની વ્યાખ્યા કઈક એવી હોય છે કે તેના જીવનમાં કોઈ દખલ કરે નહિ. તે ઈચ્છે છે કે તેના માતા પિતા તેનામાં થતાં પરિવર્તનોને સમજે, અને તેની મદદ કરે પણ જ્યારે આવું થતું નથી ત્યારે તે નાસીપાસ થઈ જાય છે.
*ઝડપી શારીરિક પરિવર્તનો:
પહેલાંના સમયમાં શારીરિક પરિવર્તનનો જે સમયગાળો હતો તે લાંબો હતો અને અત્યારના સમયમાં શારીરિક પરિવર્તનનો સમયગાળો ટુંકો જોવા મળે છે. જેમકે સ્ત્રીઓમાં રજોદર્શન નો સમય પહેલા ૧૫ – ૧૬ વર્ષનો હતો જે હવે ૧૦ – ૧૨ વર્ષ થઈ ગયો છે. પુરુષોમાં પણ જાતીય અંગોનો વિકાસ ઝડપી થવા માંડ્યો છે. તેના પરિણામે શારીરિક ફેરફારો માનસિક સ્થિતિ પર ખુબજ અસર કરે છે.
*વિદ્યાર્થીઓના પ્રશ્નો*
માતા પિતા અને બાળકો વચ્ચે જનરેશન ગેપ:
આપણે છેલ્લા 20 વર્ષનો ઈતિહાસ જોઈએ તો ટેકનોલોજી એ ધરખમ પરિવર્તનો સર્જ્યા છે. આવા સમયે ઘણા માતા પિતા એવા છે જેઓ આ પરિવર્તનોને સ્વીકારી શકતા નથી અને સાથે બાળકમાં થતાં પરિવર્તનો અને તેમની વિચારસરણીને સમજી શકતા નથી ત્યારે બાળકોમાં કૌટુંબિક સમાયોજન ના પ્રશ્નો ઉદ્દભવે છે. માતા પિતાની વિચારસરણી ઘણી વખત બાળકને આગળ વધવા દેતી નથી. 
*તણાવ:
અત્યારના વિદ્યાર્થીઓની સમસ્યાઓમાં ની એક સમસ્યા છે તણાવ. જ્યારે વિદ્યાર્થીઓમાં અમુક સંઘર્ષયુક્ત પરિસ્થિતિઓ આવે ત્યારે તેનામાં તણાવનું પ્રમાણ ખુબજ જોવા મળે છે. જ્યારે પરિવર્તનો સાથે પોતે પરિવર્તિત ન થઈ શકે ત્યારે તેમનામાં મોટે ભાગે તણાવ ઉત્પન્ન થતો હોય છે. સમાયોજન ના પ્રશ્નોને લીધે પણ બાળકો તણાવયુક્ત પરિસ્થિતીમાં મુકાય છે. 

*વ્યસન:
આજના વિદ્યાર્થીઓમાં વ્યસન એ ખુબજ સામાન્ય બાબત બની ગઈ છે. પછી તે વ્યસન દારૂ, સિગારેટ, કે અન્ય પદાર્થોનું હોય કે મોબાઇલનું હોય. ધીમે ધીમે દારૂ પીવો સિગારેટ પીવી વગેરે એક ટ્રેન્ડ બની ગયો હોય એવું લાગે છે. પરિણામે અનેક શારીરિક માનસિક પરિવર્તનો થયા છે. મોબાઈલ એ ઉપયોગ માટે ખૂબ સારી વસ્તુ છે પરંતુ અત્યારે તેના ઉપયોગ કરતા દુરુપયોગ વધી ગયેલ છે. ઘણી વાર આ વ્યસન છોડવાની ઈચ્છા છતાં છોડી શકાતું નથી ત્યારે અનેક પ્રશ્નો ઉદ્દભવે છે.

*સામાજિક સમાયોજન:
વિદ્યાર્થીઓમાં કૌટુંબિક સમાયોજન ની સાથે સામાજિક સમાયોજનના પ્રશ્નો પણ વધવા પામ્યા છે. સૌની સાથે હળીમળીને રહેવામાં અત્યારના બાળકોને ખુબજ તકલીફ પડે છે. શરૂઆતમાં બાળક કુટુંબના સંપર્કમાં આવે છે પછી મિત્ર વર્તુળના સંપર્કમાં ત્યારબાદ સામાજિક અને વ્યવસાયિક સંસ્થાઓના સંપર્કમાં. અત્યારના વિદ્યાર્થીઓ માટે સામાજિક સમાયોજન એ ખુબજ અઘરી બાબત બની ગઈ છે. સૌની સાથે સંબંધો ટકાવી રાખવાની કલા અત્યારના વિદ્યાર્થીઓમાં ઓછી થતી જતી હોય એવું ક્યાંકને ક્યાંક લાગે છે. 
*ખિન્નતા:
ખિન્નતા એ એક માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિનો આજુબાજુની પરિસ્થિતિ માંથી રસ ઘટે છે અને તે લાંબા સમય સુધી ની પરિસ્થિતિ છે. અત્યારના વિદ્યાર્થીઓમાં શિક્ષણ, કૌટુંબિક, વાતાવરણગત,  અને અન્ય ઘણા કારણોસર ખિન્નતા નું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. અને આના લીધે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો પણ વધતા જાય છે. આવા સમયે બાળકને માનસિક સધિયારાની જરૂર હોય છે પણ ઘણી વખત માતા પિતા આ બાબતને ધ્યાનમાં લેતા નથી અને વધારે દબાણ યુક્ત પરિસ્થિતિ સર્જે છે.
*વાલીઓ અને વિદ્યાર્થીઓએ ધ્યાન માં લેવા જેવી બાબતો*
– ઘરથી જયારે દૂર રહીને અભ્યાસ કરો ત્યારે જવાબદારીઓ વધુ હોય છે માટે સાવચેત રહો
-વાલીઓએ સમયાંતરે પોતાના બાળકોને મળવા જવું
-ખોટી સોબત થી બચવું
-વાલીઓએ પોતાના બાળકને સમજાવવું કે તે એની સાથે છે માટે સમસ્યા કોઈપણ આવે પહેલા માતાપિતા પાસે આવે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter