+

Rajkot : PM આવાસ યોજના હેઠળ ‘સપનાનું ઘર’ રહીશો માટે ‘સમસ્યાનું ઘર’ બન્યું, નબળા બાંધકામ સામે રોષ

પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળ સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને મકાન બનાવી આપી ‘પોતાનું ઘર’ નું સપનું પૂરું કરવામાં આવે છે. પરંતુ, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોના લીધે ઘર…

પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળ સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને મકાન બનાવી આપી ‘પોતાનું ઘર’ નું સપનું પૂરું કરવામાં આવે છે. પરંતુ, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોના લીધે ઘર બન્યાના થોડા સમયમાં આ મકાનોમાંથી પોપડા પડવાની ઘટના બને છે અને બાંધકામના થોડા જ સમયમાં મકાન જર્જરિત બની જતા હોય છે. ત્યારે એવી જ એક ઘટના રાજકોટમાંથી (Rajkot) સામે આવી છે.

રાજકોટમાં (Rajkot) પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂડા (RUDA) દ્વારા વૃંદાવન સોસાયટીમાં 9 વિંગમાં કુલ 320 જેટલા ફ્લેટનું બાંધકામ કરવામાં આવ્યું છે. પરંતુ, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે નિર્માણકાર્યના માત્ર 8 જ મહિનામાં સરકાર દ્વારા આપવામાં આવેલ ‘સપનાનું ઘર’ હવે રહીશો માટે ‘સમસ્યાનું ઘર’ બની ગયું છે. મકાનોમાં પોપડા પડવા લાગ્યા છે. નબળા બાંધકામના કારણે આવાસ યોજના હેઠળની આ સોસાયટીમાં બનેલા મકાનોમાં અવારનવાર પોપડા પડી રહ્યા હોવાથી રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા સ્થાનિકોનો મુદ્દો ઊઠાવવામાં આવ્યો છે. રાજકોટમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચારને લઈને સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના 320 ફ્લેટમાં 100 જેટલા પરિવાર રહે છે. ત્યારે રહીશો બિલ્ડિંગના જોઇન્ટમાંથી પથ્થરો પડવા, પોપડા પડવા, પાણીની સમસ્યા, ભેજ સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

મકાનોમાં ભેજ, પાણી અને પોપડા પડવાની સમસ્યા

સ્થાનિકોએ ગુજરાત ફર્સ્ટને (Gujarat First) જણાવ્યું કે, સોસાયટીમાં પાણીની પણ સમસ્યા છે. મકાનોમાં પાણી ધીમી ગતિએ આવે છે અને ક્યારેક તો પાણી આવતું જ નથી. સાથે જ મકાનની છત પરથી પોપડા પડી રહ્યા છે. કેટલાક મકાનોની દીવાલોમાં તો મોટી તિરાડ પણ પડી ગઈ છે. ઉપરાંત, રહીશોએ જણાવ્યું કે, કેટલાક ઘરોની ટાઇલ્સો પણ તૂટી છે ત્યારે પાણીના કારણે ભેજની સમસ્યા સર્જાઈ છે. રહીશોએ જણાવ્યું કે, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ સોસાયટીની મુલાકાત લેવા આવતું નથી અને ગલ્લાં તલ્લાં કરી આંખ આડા કાન કરે છે. ત્યારે સવાલ થાય છે કે તંત્રની આ બેદરકારીના કારણે ભવિષ્યમાં જો કોઈ હોનારત થાય તો તેની જવાબદારી કોણ લેશે? આ મામલે તંત્ર દ્વારા જલદી પગલાં લેવામાં આવે અને રિપેરિંગ કામ કરવામાં આવે તેવી રજૂઆત રહીશો દ્વારા કરાઈ છે.

આ પણ વાંચો – Junagadh : ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરીને આજે ફરી કોર્ટમાં રજૂ કરાશે!

Whatsapp share
facebook twitter