Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદી માહોલ..ઠેર ઠેર પાણી ભરાયા 

10:47 PM May 28, 2023 | Vipul Pandya
રાજ્યમાં રવિવારે સાંજ પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઉત્તર અને મધ્ય ગુજરાત તથા ભાવનગર પંથકમાં ગાજવીજ અને ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યના 16 તાલુકાઓમાં રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. સાંજે 6થી 8 વાગ્યા સુધી રાજ્યમાં સૌથી વધુ વરસાદ બહુચરાજીમાં 2 ઇંચ નોંધાયો હતો જ્યારે સમી સાંજથી ગાજવીજ સાથે અને વીજળી સાથે અમદાવાદમાં શરુ થયેલો વરસાદ આ લખાય છે ત્યારે રાત્રે સાડા દસ વાગ્યા સુધી યથાવત રહ્યો છે. ભારે વરસાદમાં અમદાવાદ સહિત અનેક સ્થળો પર કરા પણ પડ્યા હતા.

સાબરમતી નદી ગાંડીતૂર બની
ભારે વરસાદના કારણે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. અમદાવાદમાં સાંજે 2 કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને રાત્રે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ ચાંદખેડા અને જોધપુરમાં 3 ઇંચ તથા ગોતા અને સરખેજમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે પાલડી, ઉસ્માનપુરા, ચાંદલોડીયામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. વટવામાં 2 કલાકમાં પોણા બે ઇંચ અને મણિનગર તથા રાણીપમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના અને પવનના કારણે અમદાવાદની સાબરમતી ગાંડીતૂર બની હોવાના દ્રષ્યો જોવા મળ્યા હતા.

રાજ્યમાં ઠેર ઠેર ભારે વરસાદ
ઉપરાંત સાંજે રાજ્યના 16 તાલુકામાં પણ ભારે વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ મહેસાણા જીલ્લામાં બેચરાજીમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો રાત્રે 9 વાગ્યા બાદ ભારે પવન સાથે મહેસાણા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. કડી, શિહોર અને ધોળકા તાલુકામાં 1 ઇંચ જ્યારે ચાણસ્મા, કલોલમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો તો જોટાણા, દેત્રોજ, સાણંદમાં અડધો ઇંચ અને ગાંધીનગર, હારીજ તથા વલભીપુરમાં અને દસક્રોઇ , ભાવનગર તથા સિદ્ધપુર ઉપરાંત વડોદરા શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મહિસાગર જીલ્લામાં પણ કડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો જ્યારે દેવગઢબારીયા પંથકમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. માંડલ પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. પંચમહાલ જીલ્લામાં પણ ઠેર ઠેર ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવ બન્યા છે.

મોબાઇલ ટાવર ધરાશાયી
અમદાવાદમાં લાલદરવાજા વિસ્તારમાં એક વ્યક્તિને કરંટ લાગ્યાનો બનાવ બન્યો છે તો ખાનપુર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઇ હતી. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોબાઇલ ટાવર ધરાશાયી થયો હતો. વડોદરા શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં પણ ઝાડ પડવાના બનાવો બન્યા હતા.