Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જીત બાદ રબાડા: ટીમ ઈન્ડિયાને હરાવવામાં IPLએ મારી મદદ કરી, પણ ભારતીય ખેલાડીઓ શું શીખ્યા?

07:54 AM Apr 23, 2023 | Vipul Pandya

ગુરુવારે ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ એકાના સ્ટેડિયમ (Ekana Stadium)માં રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમ (Team India)ને 9 રને હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. વરસાદના કારણે આ મેચ 40-40 ઓવરની કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવન (Shikhar Dhawan)એ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 4 વિકેટે 249 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા આઠ વિકેટે 240 રન જ બનાવી શકી અને મેચ નવ રનથી હારી ગઈ.
કાગિસો રબાડાનું IPLને લઇને મોટું નિવેદન



લખનૌમાં ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. આ શ્રેણી પહેલા ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ખેલાડી કાગિસો રબાડા T20 અને હવે ODI બંને શ્રેણીમાં તેની ટીમનો ભાગ છે.  તેણે આ મેચમાં 2 વિકેટ લીધી અને ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને બેક ફૂટ પર ધકેલ્યા હતા. મેચમાં જીત મેળવ્યા બાદ રબાડાએ ભારતીય બેટ્સમેનોને લઈને એક મોટો દાવો કર્યો છે. કાગિસો રબાડાનું માનવું છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમવું ભવિષ્યની પ્રવાસી ટીમો માટે ફાયદાકારક છે કારણ કે T20 ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓની નબળાઈઓ સરળતાથી બહાર આવી જાય છે. 

રબાડા: T20 અને ODI મેચો વચ્ચે નથી કોઇ તફાવત
કાગિસો રબાડાને ભારતીય ચાહકો દ્વારા પ્રથમ વખત એક યુવાન તરીકે જોવામાં આવ્યો હતો જ્યારે તે ઓક્ટોબર 2015મા કાનપુરમાં એક ODIમા M.S ધોની સામે રમ્યો હતો. તેણે ધોની સામે અંતિમ ઓવરમાં 11 રનનો બચાવ કર્યો હતો, જ્યાં દક્ષિણ આફ્રિકાએ 3-2થી શ્રેણી જીતી હતી. T20 અને ODI મેચોની તૈયારીઓ વચ્ચેના તફાવત વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, મને લાગે છે કે T20 અને ODI એક જ છે, તમે બંને રમતોમાં હંમેશા એક જ પ્લાન રાખવા માંગો છો, ફરક માત્ર એટલો છે કે ODIમાં મારી પાસે વધુ ઓવર હોય છે અને આ સાથે T20 મેચ કરતાં થોડું ઓછું દબાણ હોય છે, બાકીનું બધું સમાન છે. 
ભારતીય દર્શકોમાં ફેવરિટ છે રબાડા



વર્ષોથી, રબાડા દિલ્હી કેપિટલ્સ અને તાજેતરમાં પંજાબ કિંગ્સ સાથેના તેના IPL પ્રદર્શનને કારણે ભારતીય ચાહકોનો પ્રિય બની ગયો છે. રબાડાએ IPLમા 63 મેચમાં 99 વિકેટ લીધી છે. રબાડાએ વધુમાં કહ્યું, “ભારતીય ખેલાડીઓ સામે, અમે શ્રેણીમાં જતા પહેલા આયોજન કર્યું છે. સદભાગ્યે અમે IPL જેવી લીગમાં આ ખેલાડીઓ સાથે અને તેમની વિરુદ્ધ ઘણી મેચો રમીએ છીએ, તેથી અમારે તેમની નબળાઈઓ વિશે જાણવું મુશ્કેલ નથી.”
ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર Fail



ટીમ ઈન્ડિયાની બેટિંગની વાત કરીએ તો કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિંગ બેટિંગ કરવા આવ્યા હતા. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હોતી. શિખર ધવન 4 અને શુભમન ગિલ 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ઋતુરાજ ગાયકવાડે 19 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલો ઈશાન કિશન પણ 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર તૂટ્યા બાદ શ્રેયસ અય્યર અને સંજુ સેમસને ઈનિંગ સંભાળી હતી.
IPLથી ટીમ ઈન્ડિયા શું શીખી?



IPL દુનિયાની સૌથી લોકપ્રિય લીગ છે. આ લીગમાં રમવા લગભગ તમામ દેશોના ખેલાડીઓ આતુર રહેતા હોય છે. ભારતીય ખેલાડીઓને પણ આ મંચથી પોતાનું ટેલેન્ટ બતાવવાની તક મળે છે. આ લીગમાં વિદેશી ખેલાડીઓ પણ ભારતીય ખેલાડીઓ સાથે હળી મળીને તેમની સાથે રમે છે અને સાથે તેમની નબળાઇઓ અને તેમનો મજબૂત પક્ષ પણ નોંધે છે. પરંતુ શું ભારતીય ખેલાડીઓ આ વિદેશી ખેલાડીઓની નબળાઇઓ પકડી રહ્યા છે. હાલમાં રમાયેલી મેચોને જોઇએ તો કહી શકાય કે ટીમ ઈન્ડિયાને પણ આ ખેલાડીઓ સાથે રમ્યા બાદ તેમની નબળાઈઓ અને તેમના મજબૂત પક્ષ વિશે ખ્યાલ આવ્યો છે.