Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મનની સાફસફાઈ પણ એટલી જ જરુરી છે

02:40 AM Apr 21, 2023 | Vipul Pandya

નવરાત્રિ પૂરી થાય એટલે આપણે ત્યાં સાફસફાઈની સિઝન ચાલુ થાય. આખા વર્ષમાં આવતો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. વર્ષોથી ચાલી આવતી ટ્રેડિશન પ્રમાણે ઘરનું ક્લિનીંગ શરુ થઈ જાય. નવા વર્ષે નવું અને સ્વચ્છ હોવું જોઈએ એવું આપણે માનીએ છીએ અને ફોલો પણ કરીએ છીએ. ઘરનો ખૂણે ખૂણો સ્વચ્છ કરવાનું આપણે ચૂકતા નથી. કેટલીક પરંપરા, આદતો હજુ ઘણાં ઘરોમાં સચવાયેલી છે. શહેરોમાં જ્યાં કામ નથી થઈ શકતું કે કામ કરવાવાળાં પોસાય છે એવા લોકો રુપિયા ચૂકવીને ઘર સાફ કરાવવાનું ભૂલતા નથી.  
ઘરની ચોખ્ખાઈ માટે તો આપણે ભારેમાં ભારે કેમિકલ વાપરીને સફાઈ કરાવીશું. પણ મનમાં ભરેલાં કેટલાંક વિચારોના બાવાઝાળાંને આપણે ક્યારે દૂર કરીશું? પાણી ડહોળું હોય તો એક જૂનો ઘરગથ્થું ઈલાજ છે પાણીમાં ફટકડી ફેરવી દેવાનો. પરંતુ જો દિલ જ ડહોળું હોય તો! એનો ઈલાજ શું હોય શકે? નવાં વર્ષે આપણી અંદર પણ કંઈક ઉમેરાવું જોઈએ. અંદર તો ત્યારે જ ઉમેરાય જો આપણી અંદરથી કંઈ નકામું ખાલી થાય. 
મનની અંદર અને આપણાં અસ્તિત્વ સાથે એટલાં બધાં વજન આપણે રાખીને ફરતા રહીએ છીએ કે, હળવાશ જ નથી અનુભવાતી. કોઈ કંઈ બોલી દે તો પણ આપણે મનમાં રાખી મૂકીએ છીએ કે મોકો આવશે ત્યારે હું પણ અને બતાવી દઈશ.  કોઈકને બોલી દઈને આપણે આપણી શક્તિ તો વેડફીએ જ છીએ. સાથોસાથ ગરિમા પણ ગુમાવી બેસીએ છીએ. ઘણી વખત તો મૌન રહેવા જેવો કોઈ રિપ્લાય જ નથી હોતો. પણ એ મૌન આપણી પ્રકૃતિને સદતું નથી હોતું. કોઈ આપણને કંઈ કહી જાય એનો ઉકળાટ આપણી અંદર ઉફાણાં લેતો હોય છે. આ ઉકળાટને  શમવા દેવાની દવા બજારમાં નથી મળતી. ઘણી વખત તહેવારો કંઈક એવું અણગમતું ઓગાળી દેવાના મોકા આપતા હોય છે. જેેણે ઉકળાટને ઉછેર્યો હોય એ આસાનીથી ઓગળી નથી શકતા હોતા.   
અત્યારના સંજોગોમાં રિલેશનશીપ ક્રાઈસીસ સૌથી મોટી સમસ્યા છે. કોવિડના દિવસો બાદ તો ઘણાં બધાં સંબંધો દબાઈ ગયા છે, કેટલાંક દટાઈ ગયા હશે તો કેટલાક મરવાના વાંકે ચાલતા હશે પણ એ ધબકતાં નહીં હોય. આપણને બહુ નજીવી બાબતમાં ખરાબ લાગી જાય છે, ખોટું લાગી જાય છે. મોઢું ફુલાવતા વાર નથી લાગતી. આંખોમાં અણગમો તરી આવે છે. આપણને લાગણી હોય ત્યાં જ ખરાબ લાગતું હોય છે. એ વાત સાવ સાચી પરંતુ સંબંધો ઉપર બાઝી જતાં ઝાળાં જ સંબંધોને એક્સપાયરી ડેટ સુધી પહોંચાડે છે.  
સંબંધો બહુ જ નાજુક હોય છે. એમાં જો વાર-તહેવારે સાફ-સફાઈ ન કરો, રીફ્રેશ ન મારો તો એ ક્યારેય અપડેટ નથી થવાના. કોઈ સંબંધ તૂટે કે છૂટે એ પછી આપણે જ આપણાં જજ બનીને એનાલિસીસ કરવું જરુરી બને. પોતાની ફેવર કરવાને બદલે પોતાનો પણ ક્યાં વાંક છે એ જોવા માટે એક જુદો જ દ્રષ્ટિકોણ કેળવવો પડે.  
આપણી સમસ્યા એ છે કે, આપણે સંબંધને ઝરણાની જેમ વહેવા દેવા કરતાં બંધિયાર બનાવી દઈએ છીએ. બંધ હોય એમાં વાસ પણ આવવાની અને કેટલુંક બાઝી પણ જવાનું છે. સંબંધોની પણ એક બીટ હોય છે. એ બીટ એક વખત મીસ થઈ ગઈ તો પછી ફરી રિધમ પકડાતાં વાર તો લાગવાની. કોઈવાર એવું કહીએ કે, સંબંધોમાં એકવાર તિરાડ પડી ગઈ પછી એ સંધાય નહીં. મન, મોતી ને કાચની તિરાડ ન પૂરી શકાય. હા, તમે ધારો તો એને રીનોવેટ કરી શકો. નવેસરથી એને ડેકોરેટ કરી શકો. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે તહેવારોમાં ઘરને કલર કરાવીશું પણ પોતાની ઉપર ચડેલાં અહમના રંગને ઉતારવાનું નામ પણ નહીં લઈએ. નવા લુક માટે પડદાં બદલીશું કે પછી સોફાની ટેપેસ્ટ્રી ચેન્જ કરાવીશું પણ સંબંધને સજાવવાનો પ્રયત્ન પણ નહીં કરીએ. ઘરમાંથી નકામો સામાન કાઢીશું પણ મનમાં સંઘરી રાખેલી નેગેટિવ વાતોને ક્યારેય ડસ્ટબિનમાં નાખી દેવાનો વિચાર સુદ્ધાં નહીં કરીએ. દિવાળીમાં ઘરને રોશનીથી શણગારવા સિરીઝ લઈ આવશું, દીવડાં લઈ આવશું પણ મનની અને અસ્તિત્વ સાથે જોડાયેલા અંધકારને દૂર કરવા કંઈ નહીં કરીએ.  
તહેવારોમાં થતી સાફસફાઈ માત્ર ઘર જ નહીં પણ અસ્તિત્વને ક્લિન કરવાનો પણ એટલો જ સંદેશો આપે છે.   
jyotiu@gmail.com