Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

G-20સમિટ અનુસંધાને નાણા વિભાગના અગ્ર સચિવે સ્મૃતિવનની મુલાકાત કરી

03:32 PM Apr 23, 2023 | Vipul Pandya

આગામી માસે G-20ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના 27 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજરોજ નાણા વિભાગના અગ્ર સચિવશ્રી મોના ખંધારે ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. ભુજ ખાતે સ્મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળીને G-20 પરિષદના અનુસંધાને કલેકટરશ્રી દિલીપ રાણા સાથે જરૂરી ચર્ચા કરીને સુચન કર્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવ હારીત શુકલા, પ્રવાસન નિગમના એમડીશ્રી આલોક પાંડે સાથે રહ્યા હતા.

ઉલ્લેખનીય એ છે કે 
ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં જાન્યુઆરી 20 સુધી માત્ર ચાર મહિનાના ગાળામાં જ 2 લાખ 80 હજાર  લોકોએ સ્મારકની મુલાકાત લીધી છે જ્યારે 1 લાખ 10 હજારથી વધુ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી થઇ રહી છે, જેના લીધે છેવાડાના માનવી સુધી ખુશહાલી પહોંચી છે. 

ભુજ તેમજ રાજ્યના નાગરિકો એકસાથે આવી શકે તે હેતુથી અહીં યોગ ક્લાસ અને વર્કશોપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટટુગેધર, વોટિંગ માટેની જાગૃતિના કાર્યક્રમ, સંગીતના કાર્યક્રમ અને 21,000+ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્રમ યોજાય છે. તેના લીધે સ્મૃતિવન એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે જેમાં ભુજ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો આવી રહ્યાં છે. 

ખ્યાતનામ દિગ્ગજોએ ભુજિયા ડુંગર પર નિર્માણ કરાયેલા આ મ્યુઝિયમની પ્રશંસા કરી છે. તેમાં જાણીતા રાજનેતાઓ, સશસ્ત્ર દળના અધિકારીઓ, સફળ સીઇઓ, ક્રિકેટર્સ, અભિનેતાઓ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, આરબીઆઇના ગવર્નર અને અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે

ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. અહીં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે જેમાં 3 લાખ વૃક્ષો છે. તે સિવાય 50 ચેકડેમ છે, જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મુકવામાં આવી છે. તે સિવાય સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે.