Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોધરા નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી કયારે થશે, શું ફરીએકવાર પડશે હાલાકી ?

04:32 PM May 28, 2023 | Vishal Dave

અહેવાલઃ નામદેવ પાટીલ, ગોધરા

ગોધરા શહેરના ભૂરાવાવ, ખાડી ફળીયા સહિતના અનેક નીચલા વિસ્તારોમાં દર ચોમાસામાં સામાન્ય વરસાદ વરસતા જ વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે અહીંના સ્થાનિકોના ઘરોમાં અને મુખ્ય માર્ગોપર આવેલ દુકાનોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા થતી હોય છે, જેને લઈ અહીંના સ્થાનિકોને અન્ય જગ્યા સ્થળાંતરિત થવું પડે છે, બીજી તરફ દુકાનોમાં પાણી ભરાઈ જતા લાખો રૂપિયાના માલસામાનને નુકસાન થતું હોય છે, નગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન નાળા અને મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ સફાઈ કામગીરી ચોમાસુ બેસવાના પૂર્વે થોડા દિવસો અગાઉ જ શરૂ કરવામાં આવતા પૂર્ણ રીતે યોગ્ય સફાઈ થતી નથી જેને લઈ સ્થાનિક શહેરીજનો અને અહીંના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે, ત્યારે આ વર્ષે પણ હજી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ નહીં કરવામાં આવતા સ્થાનિક રહીશો ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે અને વહેલી તકે વરસાદી પાણીના નિકાલ માટે ગટર, નાળાની સફાઈ તેમજ માર્ગોની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે એવી માગ કરી રહ્યા છે.

ગોધરા શહેરના ખાડી ફળીયા, શક્તિ નગર, પ્રભા રોડ, ભૂરાવાવ સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પ્રતિ વર્ષ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે માર્ગ નહિં હોવાથી પાણીનો જમાવડો થઈ જતો હોય છે, પાણી ભરાઈ જતાં જાણે મીની તળાવ રચાતા હોય છે અને નીચાણ વાળા રહેણાંક મકાન અને દુકાનોમાં પાણી ઘુસી જતાં નુકશાન વેઠવા નો વારો આવતો હોય છે.

આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ કેટલાક વિસ્તારોમાં આજ સુધી આવી શક્યું નથી પરંતુ ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરી વરસાદી પાણીના નિકાલ માર્ગ સફાઈ કરવામાં આવતાં હોય છે. જેથી સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવા ની સમસ્યા માંથી આંશિક રાહત મળતી હોય છે.

જોકે આ વર્ષે ચોમાસાની ઋતુના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં સુધી હજી પાલિકા એ વરસાદી પાણી નિકાલ માર્ગની સફાઈ અંગે કોઈપણ કામગીરી શરૂ નહીં કરતાં શહેરીજનો ચિંતિત બન્યા છે અને વહેલી તકે પાણીના નિકાલ માર્ગ સાફ કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.

ગોધરાના પ્રભા રોડ ઉપર આવેલા રાજ કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ અભાવે ગત વર્ષે ભારે કફોડી હાલત થઈ હતી.રાજ કોમ્પ્લેક્સ માં આવેલા એક એટીએમ માં પાણી ઘૂસી જતાં ચલણી નોટો પણ પલળી ગઇ હતી.આવી જ સ્થિતિ શક્તિ નગર અને ખાડી ફળિયામાં જોવા મળી હતી જેથી આ વર્ષે ચોમાસુ નજીક આવતાં સૌ ચિંતિત બન્યા છે.નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એવું હાલ તો સિનિયર સેનેટરી ઇન્સ્પેકટર જણાવી રહ્યા છે .વધુમાં તેઓ હાલ મુખ્ય ઓફીસર રજા ઉપર હોવાથી ટેન્ડર પ્રક્રિયા થઈ શકી નથી જેથી શહેરીજનો ની આવતી રજૂઆતો અંગે પણ આગામી ટૂંક દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે એવું આશ્વાસન આપી રહ્યા છે.