Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સાધુને પકડવા પોલીસ સાધુ બની, અને 23 વર્ષથી નાસતા ફરતા આરોપીને મથુરાથી ઝડપી લીધો

12:57 PM Jun 30, 2023 | Vishal Dave

અહેવાલઃ આનંદ પટણી, સુરત

સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ એવા 15 આરોપીમાંથી એક આરોપીને સુરત પીસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો અને તે છેલ્લા 23 વર્ષથી પોલીસથી બચવા ભાગતો ફરતો હતો. આરોપી પર પોલીસ દ્વારા 45000નું રોકડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું અને પીસીબી પોલીસે બાતમીના આધારે વેશ પલટો કરીને ઉત્તર પ્રદેશના મથુરાના એક આશ્રમમાંથી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ કર્મી

સુરત પીસીબી પોલીસને બાતમી મળી હતી કે, સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં 23 વર્ષ પહેલાં નોંધાયેલા હત્યાના ગુનાનો આરોપી પદમ ઉર્ફે રાકેશ પાંડા ઉત્તર પ્રદેશના મથુરાના નંદગામ ખાતે આવેલા એક આશ્રમમાં રહે છે. આ બાતમીના આધારે પીસીબી પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશના મથુરા ખાતે રવાના થઈ હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા ધાર્મિક સ્થળો અને આશ્રમોમાં તપાસ કરવામાં આવી હતી.

પોલીસકર્મી

સુરત પીસીબી પોલીસની જે ટીમ મથુરા ખાતે ગઈ હતી તેમને સાધુનો વેશ ધારણ કરીને બે દિવસ સુધી હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપી પદમ ઉર્ફે રાકેશ પાંડા ની શોધખોળ કરી હતી અને અંતે કુંજ કુટી નામના આશ્રમમાંથી આરોપી પદમ ઉર્ફે રાકેશ પાંડા પોલીસના હાથે ઝડપાયો હતો. પીસીબી પોલીસ દ્વારા આરોપીની ઓળખ કરવી મુશ્કેલ હતી તેથી સાધુ વેશમાં રહેલા પોલીસ કર્મચારીઓએ કુંજકુટી આશ્રમમાં સેવાર્થી તરીકે રહી આરોપી સાથે સારો પરિચય કેળવી તેને વિશ્વાસમાં લઈ તેનો પર્સનલ ડેટા મેળવીને આરોપીની તમામ માહિતી એકત્ર કરી સાધુ વેશમાં રહેલો વ્યક્તિ પદમ પાંડા છે તેની ખરાઈ કરી બાદમાં તેની ધરપકડને અંજામ આપ્યો હતો.

પોલીસકર્મી

સ્થાનિક પોલીસને આ બાબતે માહિતી મળતા સ્થાનિક પોલીસ પણ ચોકી ગઈ હતી અને આરોપીની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, વર્ષ 2001માં તે ઉધનાના શાંતિનગર વિસ્તારમાં ભાડે રૂમ રાખીને રહેતો હતો અને તેને પાડોશમાં એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ મહિલાના ઘરે વિજય સાચીદાસ નામના વ્યક્તિની અવરજવર વધુ હતી અને આરોપી પદમ પાંડાએ વિજયને મહિલાના ઘરે ન આવવા માટે સમજાવ્યો હતો. છતાં પણ વિજય મહિલાના ઘરે જતો હતો અને ત્યારબાદ 3 સપ્ટેમ્બર 2001ના રોજ પદમ પાંડા પોતાના બે મિત્ર સાથે મળી વિજય સાચીદાસનું અપહરણ કર્યું હતું અને તેને શાંતિનગરના ખાડી કિનારે લઈ જઈ ગળેટુંપો આપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ લાશને સગેવગે કરી આરોપી પોતાના વતન ભાગી ગયો હતો. પોલીસ આરોપીને પકડવા માટે તેના વતન જતી હોવાના કારણે પોલીસથી બચવા માટે આરોપી પદમ પાંડા મથુરા ભાગી ગયો હતો અને મથુરાના કુંજકુટી આશ્રમમાં સાધુ બની ગયો હતો. આરોપીને કોઈ ઓળખી ન જાય આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે દાઢી લાંબી કરી હતી અને વાળ વધાર્યા હતા સાથે જ પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. આ ઉપરાંત તે પોતાની પાસે મોબાઇલ પણ રાખતો ન હતો અને પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક પણ કરતો ન હતો.