Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુવરાજસિંહે નામ ના જાહેર કરવા 1 કરોડનો તોડ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ 

11:03 PM Apr 21, 2023 | Vipul Pandya
ભાવનગરના ડમી કાંડ બાદ સ્ટીંગ ઓપરેશનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે પૈસાનો તોડ કરવાના બિપીન ત્રિવેદીએ કરેલા આરોપ બાદ ભાવનગર એસઓજી (Bhavnagar SOG) પોલીસે આ મામલે ઉંડી પુછપરછ કરવા માટે યુવરાજસિંહને (Yuvrajsinh) આજે બોલાવ્યા હતા અને ત્યારબાદ રાત્રે યુવરાજસિંહની ધરપકડ (Yuvrajsinh Arrested) કરવામાં આવી છે. પોલીસે યુવારજસિંહ જાડેજા તથા તેમના બે સાળા શિવુ ભા અને કાનભા, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા, રાજુ સહિતના અન્ય શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ સામે IPC 386, 388, 120 બી મુજબ ગુનો દાખલ કરાયો છે.
રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજી
રાત્રે નવ વાગે રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે SOG અને SIT ની ટીમે પુછપરછમાં સૌથી પહેલા તેમને સાંભળ્યા હતા ત્યારબાદ ડમીકાંડ બાબતે કેટલી માહિતી છે તે અંગે પુછતા તેમણે બે કાગળમાં રહેલી માહિતી પોલીસને આપી હતી. આ માહિતીનું વેરિફિકેશન કરી પોલીસ આગળની કાર્યવાહી કરીને જવાબદારોની ધરપકડ કરશે.
નાણાકીય વ્યવહાર બાબતે સતત પુછપરછ કરવા છતાં ગોળગોળ જવાબ
ગૌતમ પરમારે કહ્યું કે યુવરાજસિંહને તેમના નાણાકીય વ્યવહાર બાબતે સતત પુછપરછ કરવા છતા તેઓ આ અંગે ગોળગોળ જવાબ આપી રહ્યા હતા. તેમની સમક્ષ પોલીસે મેળવેલી હકીકતો મુકાતા તેઓ ગોળગોળ જવાબ આપ્યો. યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રદીપ બારેયા અને પ્રકાશ દવે પાસેથી કુલ 1 કરોડ રૂપિયા જબરજસ્તીથી કઢાવી લીધા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ પાસે રહેલી માહિતીના આધારે યુવરાજસિંહ અને અન્ય લોકો વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં 386, 388, 120 બી મુજબ ગુનો દાખલ કરાયો છે.
પીકે પાસેથી 45 લાખ પડાવ્યા
ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી આપતા કહ્યું કે, ગત 25 માર્ચે યુવરાજસિંહ પોતાના માણસો સાથે ભાવનગર પંથકમાં ફરી, રૂષી બારૈયા નામના વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો. તેમના સાથી ઘનશ્યામ લાધવા દ્વારા આ વીડિયો પ્રકાશ દવે નામના વ્યક્તિને બતાવ્યો હતો ત્યારબાદ તા. 25, 26, 27 ના રોજ ઘનશ્યામ લાધવા અને યુવરાજસિંહે તેમને સતત પ્રેશરમાં રાખીને ડીલ ફાઇનલ કરવા માટે દબાણ કર્યું અને 28 તારીખે મિટિંગનું નક્કી કર્યું.
28 તારીખે સાંજે તેમની મીટિંગ થઇ તે દરમિયાન આખરે રકઝકના અંતે યુવરાજસિંહના સાળા વિક્ટોરિયા પ્રાઇમમાં, પીકે, પીકેના કાકા, તેના પિતરાઇ ભાઇ, બિપિન ત્રિવેદી અને યુવરાજસિંહ તેમના સાળા શિવુભા અને કાનભા અને રાજુ નામના વ્યક્તિની હાજરીમાં મીટિંગ થઇ હતી. આ મીટિંગમાં યુવરાજસિંહે પીકેને ધમકી આપી કે, 28 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરવાનો હતો પણ તારા કારણે મોકુફ રાખેલી છે.  તને હું ગુજરાતના સૌથી મોટા ડમીકાંડના આરોપી તરીકે ચિતરવાનો હતો. જો કે કાનભા સહિતના લોકોની શરમ નડી ગઇ છે ત્યારબાદ 70 લાખની માંગ કરવામાં આવી અને આખરે 45 લાખમાં ડીલ ફાઇનલ થઇ. યુવરાજસિંહ પાસે અનેક આજીજી અને પગે પડ્યા બાદ ડીલ ફાઇનલ થઇ હતી.
પીકેએ બજારમાંથી પૈસા ઉઠાવવાનાં શરૂ કર્યું. પોતાના સસરા, માસીયાઇ ભાઇ સહિતના અનેક લોકો પાસેથી પૈસા એકત્ર કર્યા અને 45 લાખ રૂપિયા ઘનશ્યામ લાધવાને આપ્યા હતા.  ડીલ ફાઇનલ થતા 29 તારીખે પી.કેને હાશકારો થયો હતો.  5-4 ના રોજ યુવરાજસિંહ જે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા તે પહેલા યુવરાજસિંહ- ઘનશ્યામ લાધવા પીકે હાજર હતા તેમણે સાતેક વ્યક્તિના નામ બોલવાનો છું તેવું પુછ્યું હતું. જેમાં પ્રકાશ દવેનું નામ નહી હોવાથી તેમને હાશકારો થયો હતો.
 પ્રદીપ બારૈયા સાથે 55 લાખમાં ડીલ 
આજ રીતે 27-28 તારીખે પ્રદીપ બારૈયા કે જે પોતે પણ આરોપી છે તેને પણ ઘનશ્યામ લાધવાએ ધમકી આપી હતી. જેથી તે ગભરાઇ જતા તેમણે પણ યુવરાજસિંહ સાથે ડીલ ફાઇનલ કરવા માટે ઘનશ્યામને આજીજી કરી હતી. 30 માર્ચે પ્રદીપ બારૈયા, જીગાદાદા, ઘનશ્યા લાધવા, બિપિન ત્રિવેદી, યુવરાજસિંહ, તેના બંન્ને સાળા શિવુભા અને કાનભા અને રાજુભાઇ આ મીટિંગમાં પણ હાજર હતા.
યુવરાજસિંહે એક ડાયરી બતાવીને બીજા લોકોની માહિતી માંગી હતી. પ્રદીપે ગભરાઇને પોતાનું પતાવવા અપીલ કરી હતી. યુવરાજસિંહે કહ્યું કે, તારૂ નામ પ્રેસ કોન્ફરન્સમાં આવશે તો આખી જિંદગી જેલમાં જશે. ત્યાર બાદ કાનભાએ ડીલ શરૂ કરી હતી. પ્રદીપ બારૈયાએ શરૂઆતમાં 10 લાખની તૈયારી બતાવી હતી. જો કે આખરે ડીલ 55 લાખ રૂપિયામાં ફાઇનલ થઇ હતી. પ્રદીપ સાંજે ઘરે ગયો અને તેણે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું હતું. વિવિધ સંબંધીઓ પાસેથી પૈસા ઉઠાવ્યા હતા.
આ પૈસા 3 અલગ અલગ તબક્કામાં યુવરાજસિંહને પહોંચાડ્યા. પ્રથમ તબક્કામાં 25 લાખ 31 માર્ચે, પુજારાવાળા ખાચામાં જઇને શિવુભાને આપ્યા, 3 એપ્રીલે રાત્રે 11 વાગ્યે વિક્ટોરિયા બિલ્ડિંગના પાર્કિંગમાં કાનભાને 17 લાખ રૂપિયા આપ્યા. 4 એપ્રિલે રાત્રે 10 વાગ્યે લીલા સર્કલ પાસે ઘનશ્યામભાઇને 13 લાખ આપ્યા. આ પૈસા ઘનશ્યામ લાધવાએ યુવરાજસિંહને પહોંચાડ્યા. 5 તારીખે યુવરાજસિંહે પ્રેસકોન્ફરન્સ કરી તેમાં તેનું નામ નહી આવતા તેને પણ હાશકારો થયો હતો.
પોલીસને સાંયોગીક પુરાવા પણ મળ્યા
આરોપીઓએ તપાસમાં ધરપકડ થયા બાદ IO ભરવાડ સામે કબુલાત કરી હતી. આ નિવેદનોના સાંયોગીક પુરાવા પણ મળ્યા છે. આ પુરાવાના આધારે જ યુવરાજસિંહને પુછપરછ માટે બોલાવાયા હતા. જો કે પુછપરછમાં તેઓ સંતોષજનક જવાબ નહી આપતા તેમની ધરપકડ કરી છે. સાથે તેમના બંન્ને સાળા કાનભા અને શિવુભા, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા, રાજુ સહિતના અન્ય શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
રિમાન્ડની માગ કરાશે
ગૌતમ પરમારે કહ્યું કે, ગુપ્ત ચેટ, સીસીટીવીના પુરાવા સહિતના અનેક પુરાવાઓ મળી આવ્યા છે. યુવરાજની ધરપકડ બાદ હવે તેમને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે.