Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આજનો અવસર મારા માટે પૂણ્યોત્સવ છે, નવદંપત્તિ સામાજીક ચેતના લાવવાનો પ્રયાસ કરે : વડાપ્રધાનશ્રી

07:30 AM Apr 22, 2023 | Vipul Pandya

વલસાડમાં જનસભાના સંબોધન બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગર પહોંચ્યા હતા. અહીં મારૂતી ઈમ્પેક્ષ ફાઉન્ડેશન લખાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનારી 551 દિકરીઓના સમૂહલગ્નનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું છે. આ સમુહલગ્ન પ્રસંગમાં તેઓ હાજરી આપી નવદંપત્તીને આશિર્વાદ આપ્યા હતા. આ તકે વડાપ્રધાનશ્રીએ નવદંપત્તિ અને તેમના પરિવારજનોને સામાજીક સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતુ. આ તકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા, જીતુભાઈ વાઘાણી સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
પવિત્ર કાર્યના સાક્ષી બનાવવા બદલ આભાર
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ પવિત્ર કાર્યના સાક્ષી બનવાનો મોકો આપ્યો તે બદલ લખાણી પરિવારનો આભાર. લખાણી પરિવાર કે કુંટુંબના કોઈ સભ્યના લગ્ન આવી રીતે નહી થયાં હોય તેવું આયોજન થયું છે.  આનો અર્થ એ છે કે  સમાજ માટેની ભક્તિ અને ભક્તિનો ભાવ ના હોય તો આવુ કાર્ય સુઝે નહી. તમારા પૂર્વજોને પ્રણામ કરૂ છું કે આવા તમને આવા સંસ્કારો  આપ્યા. ધન તો બધે દેખાય પણ અહીં લખાણી પરિવારનું મન દેખાય છે. 6 મહિના પહેલા તેઓ સહપરિવાર આગોતરૂ નિમંત્રણ આપવા આવ્યા અને કંકોત્રી છપાય ગયા બાદ પણ આવ્યા. એક-એક દિકરીનો પરિચય આપ્યો હતો. આ પરિવાર લાગણીમાં ડૂબેલો છે. આવા સમારોહમાં પરિવારના સભ્ય પોતે નૃત્ય કરીને સ્વાગત કરે આમાં સદ્ભાવ છે. લખાણી પરિવારનો આ પ્રસંગ ગુજરાતના અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનવો જોઈએ.
નવ દંપત્તિ અને તેમનો પરિવાર સામાજીક સંકલ્પ લે
તેમણે જણાવ્યું કે, આજના સમયમાં સમુહ લગ્ન સમાજે સ્વિકાર્યા છે. પહેલા દેખાદેખીમાં દેવું કરીને લગ્ન કરાવતા અને તેની હોડ ચાલતી પણ ધીરે ધીરે જાગૃતતા આવી સમુહલગ્ન તરફ લોકો વળ્યા. તે માટે હું મુખ્યમંત્રી હતો ત્યારે અમે કુંવરબાઈનું મામેરૂ યોજના શરૂ કરી હતી અને તેવા આયોજનોમાં હું જતો પણ હતો. આપણે ત્યાં સમુહ લગ્ન થઈ ગયા બાદ નાતને જમાડવા પડે તેવા સગાવ્હાલાના દબાણ થતાં હોય છે પણ મહેરબાની કરીને બીજો સમારંભ ના કરતા, પૈસા હોય તો સારા કામ માટે મુકી રાખજો તમારા સંતાનો માટે કામ આવશે. લખાણી પરિવારે એવી દિકરી શોધી કે જેણે તેના પિતા ગુમાવ્યા અને તેને કંઈ ઓછું ન આવે તેવું વિચાર્યું છે પિતૃતુલ્ય ભાવથી આ લખાણી પરિવાર તમારી સાથે જોડાઈ ગયું છે. જે દિકરીના લગ્ન થયાં હોય તમે આ પરિવારને યાદ કરી એટલો સંકલ્પ કરજો કે તમારા પરિવારમાં કોઈ અભણ નહી રહે અને તેમાં ખાસ કરીને દિકરી અભણ ના રહે. ઘરમાં અન્નનો એક દાણો બગડવા નહી દઈશ, ઘરમાં ભીનો કચરો અને સુકો કચરો જુદો કરીશું તેવો સંકલ્પ કરી સામાજીક ચેતના લાવવાનો પ્રયાસ કરવાની જરૂર છે. લખાણી પરિવાર જેવું આયોજન ના કરીએ પણ આવા નાના-નાના કામોની પ્રેરણા લેવી જોઈએ.
અમારી સરકારે યોજના બદ્ધ કામ કર્યાં
અહીં  ઉપસ્થિત અમારા સી.આર.પાટિલે રાજ્યમાં કુપોષિત બાળકોને દત્તક લેવડાવ્યા અને બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવા યોજના બદ્ધ કામ કર્યું તો અહીં ઉપસ્થિત મનસુખભાઈ કે હાલ જેઓ આરોગ્ય મંત્રાલય સંભાળે છે. તેમણે ટીબી મુક્ત ભારત કરવા ટીબીના દર્દીઓને દત્તક લેવડાવવાનું શરૂ કર્યું છે. હાલ ટીબીના દર્દી કરતા દાતા વધી ગયા અને ટીબી મુક્ત ભારત કરવા અમારાથી બધુ બનતુ કર્યું હતું.
આજનો અવસર મારા માટે પૂણ્યોત્સવ છે
તેમણે કહ્યું, અમે ગુજરાતમાં લોકો પાસેથી જુના રમકડા ભેગા કરી ગરીબ વિસ્તારની આંગણવાડીઓમાં આપવાનું બિડુ ઉઠાવ્યું હતું, તે વખતે ભાવનગરના લોકો ટેમ્પો ભરીને નિકળ્યા હતા અને દોડી દોડીને રમકડાં આપ્યા હતા. આવી રીતે સામાજીક સંતુલન લાવવાનો પ્રયાસ કર્યો કારણ કે, સમાજને ઈશ્વરનુ રૂપ છે. આજનો અવસર મારા માટે પૂણ્યોત્સવ છે. જે દિકરીઓ પોતાના સંસાર યાત્રાની શરૂઆત કરે છે તેમને આશિર્વાદ અને સમાજને દિકરીઓના આશિર્વાદ અપરંમપાર મળે છે અને મને તો આશિર્વાદ મળતા રહ્યાં છે. લખાણી પરિવારનો હૃદયપૂર્વકનો આભાર, ધનને કારણે નહી મનને કારણે આ કાર્ય કર્યું છે.