Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહાશિવરાત્રીના મેળાનું આયોજન શરુ, 14 કમિટિની રચના

09:21 PM Apr 14, 2023 | Vipul Pandya

  • મહાશિવરાત્રીના મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ
  • કલેક્ટર કચેરી ખાતે મહાશિવરાત્રી મેળા માટે ખાસ બેઠક
  • વહીવટી તંત્ર, સાધુ સંતો, સંસ્થાના આગેવાનોની યોજાઈ બેઠક
  • વહીવટી તંત્ર દ્વારા શિવરાત્રી મેળા માટે 13 કમિટી બનાવાઈ
  • બેઠકને લઈને સામાજીક આગેવાનોમાં નારાજગી
  • કોઈપણ આગેવાનને રજૂઆત કરવા દેવાઈ નહીં
જૂનાગઢ (Junagadh)માં આગામી 15 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે જેને લઈને તંત્ર દ્વારા આયોજન અંગે બેઠક બોલાવવામાં આવી હતી, જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાતી મહાશિવરાત્રીના મેળાના આયોજનની બેઠકમાં જીલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો, પોલીસ વિભાગ, મનપાના અધિકારી, પદાધિકારીઓ, સાધુ સંતો, સામાજીક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો અને સરકારના તમામ વિભાગોની સંયુક્ત રીતે મેળાના સુચારૂ આયોજન માટેની બેઠક બોલાવવામાં આવે છે અને સૂચનો લેવામાં આવતાં હોય છે.

13 કમિટિની રચના
જીલ્લા કલેક્ટર કચેરી ખાતે મહાશિવરાત્રી મેળાના આયોજન માટે યોજાયેલી બેઠકમાં આગેવાનોની નારાજગી જોવા મળી હતી. બેઠક માત્ર બોલાવવા ખાતર બોલાવાય હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જીલ્લા કલેક્ટર રચિત રાજની અધ્યક્ષમાં બેઠક શરૂ થઈ અને મેળા અંગેની પૂર્વ તૈયારીઓ વિશે માહીતી આપી 13 કમિટી બનાવાય હોવાનું જણાવાયું હતું, બાદમાં હરીગીરીજીએ મહાશિવરાત્રીના મેળામાં સફાઈ મુદ્દે રજૂઆત કરી હતી અને આ અંગે અનશન પર બેસી જવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી, સાથો સાથ સાધુ સંતોની લાગણી હતી કે મેળો સુવ્યવસ્થિત રીતે થાય, મેળા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટેની તકેદારી રાખવા અંગેના સુચનો કરાયા હતા. બાદમાં જ્યારે સામાજીક આગેવાનો પોતાની રજૂઆત માટે ઉભા થયા ત્યારે તેમની રજૂઆતોને ગણકારવામાં ન આવી અને તેમને બોલવાની તક આપવામાં ન આવી.

આગેવાનોને સાંભળવામાં ના આવતા નારાજગી
સામાજીક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો શિવરાત્રીના મેળામાં સેવા આપતાં હોય છે અને તેમની જરૂરીયાતો કે સુવિધા અંગે તેમના સૂચનો હોય છે તો મેળાની વ્યવસ્થા અંગે પણ સામાજીક અને રાજકીય આગેવાનો વખતોવખત સૂચનો કરતાં હોય છે જે ખરેખર જરૂરી હોય છે અને તંત્ર દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવે તો ઘણી સુગમતા રહે છે. સંસ્થાઓ જે કાંઈ સૂચનો કરે તે લોકહીત માટે અને મેળાના સુચારૂ આયોજન માટે હોય છે નહીં કે કોઈના અંગત ફાયદા માટે ત્યારે તેમને સાંભળવામાં નહીં આવતાં આગેવાનોમાં નારાજગી પ્રવર્તી હતી.

બેઠક માત્ર દેખાડા પુરતી
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મેળાના સુવ્યવસ્થિત આયોજન અને લોકો માટે જરૂરી વ્યવસ્થાઓનું યોગ્ય સંકલન થઈ શકે તે માટે કલેક્ટર રચિત રાજની અધ્યક્ષત્તામાં સાધુ સંતો, પદાધિકારીઓ અને આગેવાનોની બેઠક યોજાઇ હતી. પરંતુ બેઠક દેખાડા પુરતી બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય હતી, જ્યારે તંત્ર કોઈ સૂચનો સાંભળે જ નહીં અને કોઈ આગેવાનોને બોલવાની તક જ ન આપે તો એવી બેઠકનો શું મતલબ…
મેળામાં લાખો ભાવિકો ઉમટી પડે છે
જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો રાજ્યના મોટા ઉત્સવો પૈકીનો એક છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે, જૂનાગઢનો શિવરાત્રીનો મેળો ભજન, ભોજન અને ભક્તિનો મેળો છે, લાખોની સંખ્યામાં ભાવિકો સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ આ મેળામાં આવે છે આમ કુંભમેળાની જેમ જૂનાગઢનો મેળો સાધુ સંતોનો પણ મેળો છે. જ્યારે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડવાનું હોય તેવા મેળાનું સુવ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવે તે જરૂરી છે, જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નિશ્ચિતપણે સુંદર આયોજન થયું જ હશે પરંતુ આગેવાનોના સૂચન માટે બોલાવેલી બેઠકમાં જ્યારે તેમને બૂોલવાની તક આપવામાં ન આવે ત્યારે સ્વાભાવિક પણે નારાજગી પ્રવર્તે છે ત્યારે હવે ક્યારેય પણ બેઠક યોજાય ત્યારે આગેવાનોના જરૂરી સૂચનો લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.