Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સિદ્ધપુર સરકારી હોસ્પિટલની દયનીય સ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી

05:04 PM Jun 05, 2023 | Dhruv Parmar

પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે સિધ્ધપુરની મેડિકલ કોલેજ અને હોસ્પિટલની દયનીય સ્થિતિ મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું મેન્ટેનન્સ યોગ્ય રીતે નહીં થતો હોવાની ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં મહેકમના અભાવે દર્દીઓએ છેક અમદાવાદ સુધી સારવાર લેવા આવવું પડતું હોવાની પણ અરજીમાં રજુઆત કરાઈ છે. જે મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આજની સુનાવણી માં શું થયું

આજની સુનાવણીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, સિદ્ધપુરની જનરલ હોસ્પિટલમા 12 સીટમાંથી 11 સીટ ભરવામાં આવી છે. જયારે એક જ સીટ ખાલી છે. કેન્સર હોસ્પિટલમાં 08 માંથી 07 સીટ ભરવામાં આવી છે. જ્યારે એક જ ખાલી છે. જ્યારે સરકારે કિડની હોસ્પિટલમાં 06 જગ્યાઓ ખાલી હોવાનો સ્વીકાર કર્યો હતો. જેને ભરવા નોટિસ અપાઈ ચુકી હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જયનારાયણ વ્યાસના વકીલ મકબુલ મન્સુરીએ કોર્ટને જણાવ્યું હતું કે વર્ષ 2012 માં સિધ્ધપુરમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવી છે. જે હજી સુધી કાર્યરત નથી. તેના બારી બારણાં પણ કેટલાક શખ્સો લઈ ગયા છે. તે ખંડેર હાલતમાં છે. જયનારાયણ વ્યાસના વકીલ મકબુલ મન્સુરીએ તે અંગેના ફોટોગ્રાફસ પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. સવારની સુનવણીમાં સરકાર પક્ષે કેટલાક રિપોર્ટ બાકી હોવાથી કોર્ટમાં બપોરના બીજા સેશનમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટે આ મુદ્દે સરકારને નોટિસ ઇસ્યૂ કરી છે. આ સમગ્ર કેસની વિસ્તૃત સુનાવણી 26 જૂને હાથ ધરવામાં આવશે.

અહેવાલ : કલ્પીન ત્રિવેદી

આ પણ વાંચો : હાલ રાજ્યમાં ચોમાસાના આગમનમાં થશે વિલંબ, કેરળની અસર કે શું ?