Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતની જનતાએ કોંગ્રેસના ગાલ પર તમાચો માર્યો: પ્રદિપસિંહ વાઘેલા

04:12 AM Apr 26, 2023 | Vipul Pandya

ભાજપની ભવ્ય જીત અંગે પ્રદેશ ભાજપ મહામંત્રીની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
આમ આદમી પાર્ટી એ રાજકીય સંગઠન નહી પણ પ્રાઈવેટ લિમિટેડ કંપની
ગુજરાતમાં ભાજપને 156 બેઠકો સાથે ભવ્ય જીત મળવા અંગે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રદિપસિંહે જણાવ્યુ કે પરિવારવાદમાંથી કોંગ્રેસ બહાર નહી આવી હોવાથી ધીમે ધીમે કોંગ્રેસ ખતમ થઈ રહી છે. આમ આદમી પાર્ટી એ રાષ્ટ્ર વિરોધી પાર્ટી હોવાથી તે ક્યારેય જનતાના હ્રદયમાં સ્થાન નહી મેળવી શકે. 
ભાજપની સફળતા જનતાનો આશિર્વાદ 
ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત માટેનો યશ ગુજરાતની જનતાને આપતા પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યુ કે,ગુજરાતની જનતાના અપાર આર્શિવાદના લીધે આટલી ભવ્ય જીત મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને મેનેજમેન્ટ તેમજ ભાજપના કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમને આ ભવ્ય જીતનો યશ આપી શકાય તેમ છે. મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પ્રસ્થાપિત કરેલી ગુજરાતની વિકાસની રાજનિતિને દેશની જનતાએ સ્વીકારી અને એ જ વિકાસની રાજનિતિ પર ગુજરાતની જનતાએ મહોર મારી છે. 
ભાજપમાં ચૂંટણી પહેલા ટિકીટ મામલે જોવા મળેલા અસંતોષ પર આપ્યો આ જવાબ 
આ વખતે ભાજપમાં પણ કોંગ્રેસ જેવો અસંતોષનો માહોલ જોવા મળ્યો અને વિરોધ કરનારા ધારાસભ્યોએ પ્રથમ વખત ભાજપથી છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી કરી. આ પ્રકારના અશિસ્તના માહોલ અંગે પ્રદિપસિંહે જણાવ્યુકે,વર્ષ 2012 અને વર્ષ 2017ની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં ભાજપમાં અશિસ્તનું પ્રમાણ ઓછુ રહ્યુ. શિસ્ત સાથે કામ કરતા કાર્યકર્તાઓ ભાજપમાં છે અને તેમના કારણે જ આ વખતે સૌથી વધુ બેઠકો અને સૌથી વધુ લીડનો રેકોર્ડ ભાજપે તોડ્યો છે. 
પ્રચારમાં આક્રમકતા 
આ વખતે ભાજપે ગુજરાતમાં કાર્પેટ બોમ્બિંગ પ્રચાર કર્યો હોવા અંગે તેમણે જણાવ્યુ કે પ્રત્યેક ચૂંટણી સમયે ભાજપના કાર્યકર્તાથી માંડીને વડાપ્રધાન સુધી તમામ લોકો કામે લાગી જાય છે. જેના ભાગરુપે કાર્યકર્તાઓ અને ઉચ્ચ નેતૃત્વએ પ્રચાર પ્રસારનું કામ કર્યુ.
કોંગ્રેસને ગણાવી પરિવારની પેઢી 
કોગ્રેસની હારના કારણો સમજાવતા પ્રદિપસિંહ વાઘેલાએ ઉમેર્યુ કે, કોંગ્રેસને જનતાએ પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સત્તાનુ સુકાન આપેલુ પણ જ્યારે કોગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસે તેના પરિવારનું જ ભલુ કર્યુ.કોગ્રેસે ભ્રષ્ટાચાર કર્યા અને માટે જ દેશભરમાંથી પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો. આજે કોંગ્રેસ રાજકીય પાર્ટી નહી પણ એક પરિવારની પેઢી બનીને રહી ગઈ છે. કોંગ્રેસ પરિવારવાદમાંથી બહાર આવતી નથી માટે હવે ધીમે ધીમે કોગ્રેસ ખતમ થઈ રહી છે. 
રાહુલ ગાંધીએ ગુજરાત વિરોધીઓને પોતાની યાત્રા સાથે જોડ્યાઃ વાઘેલા  
ગાંધીજીનુ સ્વપ્ન હતુ કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનુ જે હવે પૂર્ણ થવા તરફ જઈ રહ્યુ છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત જેવા મહત્વના રાજ્યને બાકાત રાખે અને જ્યારે ગુજરાતમાં ચૂંટણી હોય એવા જ સમયે ગુજરાત વિરોધી એવા મેધા પાટકરને યાત્રામાં જોડીને તે ગુજરાતની જનતાને એવો સંદેશો આપે કે કોંગ્રેસ ગુજરાત વિરોધી છે અને રહેવાની છે. આ કારણોથી જ ગુજરાતની જનતાએ કોંગ્રેસના ગાલ પર તમાચો માર્યો છે. 
આમ આદમી પાર્ટીની માનસિકતાને રાષ્ટ્ર વિરોધી ગણાવી
આમ આદમી પાર્ટી વિવિધ રાજ્યમાં ચૂંટણીઓ લડીને વોટશેર વધારી રાષ્ટ્રીય પક્ષ બનવા તરફ આગળ વધી છે ત્યારે તે અંગે પ્રદિપસિંહે જણાવ્યુ કે,આમ આદમી પાર્ટી એ કોઈ રાજકીય સંગઠન નહી પણ પ્રાઈવેટ લિમિટેડ કંપની છે. દેશ વિરોધી તાકાતોના સમર્થનથી ચાલતી કંપની છે. જેએનયુ પર ભારત તેરે ટુકડે હોંગે ઈન્શા અલ્લાહ જેવા નારા ભારતના ભટકેલા યુવાનો લગાવતા હોય અને આપ એ યુવાનોના સમર્થનમાં જઈને બેસે, શાહિનબાગમાં નાગરિકતા કાનૂનનો વિરોધ કરનારાઓ વચ્ચે જઈને બેસે, ભારતના વીર સૈનિકો એરસ્ટ્રાઈક કરે અને આપ એમની વિરતા સામે સવાલ  ઊભા કરે આવી ઘટનાઓથી આપની રાષ્ટ્ર વિરોધી માનસિકતા છતી  થાય છે. 
ગુજરાત ક્યારેય રાષ્ટ્રવિરોધી પાર્ટીને નહીં સ્વીકારે ઃ વાઘેલા 
ગુજરાત ક્યારેય રાષ્ટ્ર વિરોધી પાર્ટીને સ્વીકારે નહી અને માટે જ આપને ક્યારેય ક્યાંય સત્તાનું સુકાન મળવાનુ નથી. આ પ્રકારની પાર્ટીઓનુ કોઈ રાજકીય ભવિષ્ય હોતુ નથી. ગુજરાતની જનતાએ 128 બેઠકો પર આપના ઉમેદવારોની  ડિપોઝીટ પણ ડુલ  કરી છે. વિવિધ રાજ્યમાં ચૂંટણી લડીને વોટશેર મેળવી રાષ્ટ્રીય પાર્ટી બનવાનો આપનો મનસુબો કદાચ પૂરો થાય પણ તેને જનતાના હ્રદયમાં ક્યારેય સ્થાન ન મળે. 
શૈલેષ પરમારના આક્ષેપ પર આપ્યો આ જવાબ 
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપની ભવ્ય જીત માટે ઈવીએમને જવાબદાર ઠેરવ્યા હોવા મુદ્દે પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યુ કે જો શૈલેષ પરમાર ઈવીએમને દોષ દેતા હોય તો તેઓ પણ એ જ ઈવીએમ મારફત વિજેતા થયા છે માટે તેમણે ધારાસભ્ય તરીકે શપથ લેવા ન જોઇએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.