Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભાગ-2 : અષ્ટ-ક્ષેત્રપાળ: મહાકાળના વિકરાળ સ્વરૂપનો પરિચય!

10:05 PM Apr 16, 2023 | Vipul Pandya

(ગતાંકથી ચાલુ) 
કાકાને કોઈ જ સંતાન નહીં, એટલે મને અને મારી બહેન ધરાને તેઓ પોતાના જ દીકરા-દીકરી માનતાં હતાં. એમના માટે પાંજરાપોળની ગાયો, કાળીપાટના શ્વાનો, અનાથાશ્રમના ભૂલકાંઓ જ એમનું ફરજંદ હતાં. વિશ્વના પ્રત્યેક જીવમાં આદિશક્તિનો અંશ નિવાસ કરે છે, એવું તેઓ કહેતાં. વ્યક્તિના કર્મો સારા-ખરાબ હોઈ શકે, આત્મા નહીં… એ તો પવિત્ર રહે છે! મૂંગા જીવો પણ તેમની પ્રકૃતિ અનુસાર વર્તણૂંક કરતા હોય છે. માનવજાત પણ એમાંથી બાકાત નથી.
આધ્યાત્મિક વિષય પરની બપોરની કલાકોની ચર્ચાને બાદ કરતા હું અને કાકા લંડનના લોકોની જીવનશૈલી, એમની રહેણી-કરણી, ખાનપાન અંગે પણ ઘણી વાતો કરતા. બકિંગહમ પેલેસ, લંડન આઈ, ટાવર ઑફ લંડન, ધ બ્રિટિશ મ્યુઝિયમ, ધ રોયલ એશિયાટિક સોસાયટી વગેરે જોવાલાયક સ્થળોની ગોષ્ઠિ માંડીએ ત્યારે ઘડિયાળનો કાંટો અકલ્પનીય ગતિએ દોડતો જણાય. સડસડાટ વહી જતા સમયની અટારીએથી રાતે ૧૨ વાગ્યાનો ટહુકો સંભળાય, ત્યારે અમારો દિવસ પૂરો થાય.
શાક્તપંથમાં દીક્ષા આપ્યા બાદ એમણે એક દિવસ મને એવો અનુભવ કરાવ્યો, જે તંત્રશાસ્ત્રમાં મારા ઊંડાણપૂર્વકના અભ્યાસ પાછળ જવાબદાર બન્યો. ‘ધ સિક્રેટ’ અને ‘લૉ ઑફ એક્ટ્રેક્શન’ની ઘટનાઓ તો એકવીસમી સદીમાં પ્રચલિત થઈ હશે, પરંતુ ભારતે તો આદિકાળથી ઊર્જાના સિદ્ધાંતને સમજી લીધું હતું, એ સત્યનું બીજ વાસ્તવમાં મારામાં વર્ષ ૨૦૦૮માં રોપાયું.
ભારતના પ્રમુખ તહેવાર દિવાળીની એ પૂર્વસંધ્યા હતી…
વર્ષની સૌથી અંધકારમય રાત્રિની પૂર્વસંધ્યા… 
કાળીચૌદશ, જેને દેશના અન્ય ભાગોમાં ‘નર્ક ચતુર્દશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તંત્રના ઉપાસકો માટે અત્યંત મહત્વનો દિવસ ગણાય.
સાંજે લગભગ પાંચ વાગ્યા હશે. સામાન્ય ગુજરાતી ઘરોમાં જેવી રીતે વડા બનાવી કકળાટ કાઢવાની પ્રથા ચાલી આવે છે, એ જ પ્રથા મારી મમ્મી પણ અનુસરી રહી હતી. કુળદેવીને નૈવૈદ્ય ધરવાથી માંડીને અન્ય તમામ રીતિ-રિવાજો પૂરા થઈ રહ્યા હતાં. રતુમડી સંધ્યા પર કાળરાત્રિના ઓછાયા આવવાની શરૂઆત થઈ ચૂકી હતી. શિયાળામાં આમ પણ સાંજ વહેલી પધારે! હું અને રવિ કાકા અમારી રોજબરોજની ગોષ્ઠિ પૂરી કરીને કૉફી પી રહ્યા હતાં. રસોડામાં વડા બની રહ્યા હતાં, ખીચડીથી ભરેલાં કૂકરમાં સીટી વાગી રહી હતી, ઘરની બરાબર સામેના મંદિરમાં સંધ્યાઆરતીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી.
મેં એ દિવસે ટ્યુશન-ક્લાસમાંથી રજા લીધી હતી. કાકા અમારી સાથે હોય, ત્યારે હું સામાન્યતઃ બાકીની તમામ પ્રવૃત્તિઓને બાજુ પર મૂકીને એમની સાથે ને સાથે રહેવાનો પ્રયત્ન કરું. આકાશમાં વેરાયેલા અદ્ભુત રંગોની કારીગરીને નિહાળતો હું એમની બાજુમાં બેઠો હતો. એ રાતે શું બનવાનું છે, એનાથી તદ્દન અજાણ… નિર્લેપભાવ સાથે!
‘તું ગઈકાલે મને અષ્ટભૈરવના સ્વરૂપો અંગે પૂછતો હતો ને?’ ખુરશી પર બેઠાં બેઠાં એમણે મારી સામે જોઈને પ્રશ્ન પૂછ્યો.
‘હા… દેવી-દેવતાના ક્ષેત્રપાળનું સ્વરૂપ આટલું વિકરાળ શા માટે હોય છે?’ આંગણે આવેલી તક હું જતી કરવા નહોતો માંગતો. બાળકોને જે ઉંમરે ભૈરવ કે મહાકાળીના સ્વરૂપો, એમના સાધકો, ભૈરવી માતાઓની કથા સાંભળીને ડર લાગતો હોય, એ ઉંમરે હું સતત એવા પ્રયાસોમાં રહેતો કે એમના વિશે વધુ ને વધુ જાણું. કોઈ કહે કે ફલાણી જગ્યાએ આત્માઓનો વાસ છે, તો હું કોઈને જાણ કર્યા વગર વહેલામાં વહેલી તકે ત્યાં પહોંચી જઉં!
ભયની આંખમાં આંખ મિલાવીને ચાલવાની મારી આદતને કાકા કદાચ પારખી ગયા હશે, એવું આજે મને સમજાય છે.
એમણે પોતાના ઘેઘુર અવાજમાં અત્યંત વાત્સલ્યભાવે પ્રત્યુત્તર આપતાં કહ્યું, ‘વ્યક્તિ પોતાના સંરક્ષણ માટે બૉડીગાર્ડની નિમણૂક કરે, ત્યારે શું ધ્યાન રાખે? દેશની સરહદ ઉપર જે સૈનિકો ભારતભૂમિની રક્ષા કરી રહ્યા છે, એમની ભરતી કરતા પહેલાં સેનાના અધિકારીઓ એમની પાસેથી શું અપેક્ષા રાખે?’
‘ખડતલ અને સશક્ત શરીર, જે અત્યંત વિષમ સંજોગોમાં પણ ટકી રહે. તેનું મનોબળ એટલું મજબૂત અને રાષ્ટ્રપ્રેમ એટલો પ્રબળ હોય કે સામ-દામ-દંડ-ભેદની પણ કોઈ અસર ન થાય.’ હું બોલ્યો.
‘બસ એ જ રીતે, ગર્ભગૃહમાં દેવી-દેવતાનું જે સ્વરૂપ બિરાજે છે એ ઊર્જાનું નગ્ન સ્વરૂપ હોય છે. કોઈપણ શ્રદ્ધાળુ વ્યક્તિ ધર્મસ્થાનમાં આવીને એ ઊર્જાનો સાક્ષાત્કાર કરી શકે છે. રાષ્ટ્રવાસીઓ પોતાના ઘરમાં ત્યારે જ આરામથી રહી શકે, જ્યારે સરહદ પર સૈનિકો હાથમાં શસ્ત્ર સાથે તૈનાત હોય! અષ્ટક્ષેત્રપાળ પણ આવા જ રક્ષકો છે, જેમને પોતાના સ્થાનદેવતાના પવિત્ર ક્ષેત્રની રક્ષા માટે પ્રતિષ્ઠિત કરવામાં આવે છે!’
એમના દ્વારા અપાતી સમજૂતી મારા ગળે ઉતરી રહી છે કે નહીં એની ખાતરી કરવા માટે તેઓ સહેજ અટક્યા. મને એકાગ્રચિત્તે સાંભળતો જોઈને તેમણે સંતોષકારક સ્મિત સાથે કહ્યું,
‘ચાલ, આપણે બહાર જઈએ.’ એમણે ઘટસ્ફોટ કર્યો, ‘આજે તને કાળભૈરવની તામસી પ્રકૃતિનો પરચો બતાવું.’
હું સફાળો બેઠો થઈ ગયો. સાંજ ઘટ્ટ બનતી જતી હતી. અંધકારનું સામ્રાજ્ય છવાઈ રહ્યું હતું. પાડોશીઓના આંગણે ધીરે ધીરે દીવા મૂકાવાની શરૂઆત થઈ ચૂકી હતી.
એમની ‘ટવેરા’ કારમાં બેસીને અમે નીકળ્યા. ફક્ત રવિ કાકા, અપેક્ષા કાકી અને એમના ડ્રાઇવરને જ ખબર હતી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. ગોંડલ વટાવ્યું ત્યાં સુધીમાં સાત વાગી ગયા હતાં. થોડા જ આગળ વધ્યા હોઈશું ત્યાં પાંજરાપોળ આવી, જ્યાંથી રસ્તાના બે ફાંટા પડતા હતાં. એમાંનો એક ફાંટો માંડણકુંડલા ગામ તરફ અને બીજો ફાંટો ઘોઘાવદર ગામ તરફ ફંટાતો હતો.
ભૈરવની અનુભૂતિ અંગે વાત આગળ વધારીશું, આવતાં અઠવાડિયે.
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com