Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Panchmahal: ખટકપુર ગામના સપૂત ભલાભાઈએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકોને હંફાવ્યા હતા

02:41 PM Jul 26, 2024 | VIMAL PRAJAPATI

Panchmahal: માં ભારતી કાજે યા હોમ કરીને કુદી પડનારા એ દરેક વીર સપૂતને ગુજરાત ફર્સ્ટ નો સલામ છે. દરેક ભારત દેશવાસી એમનો ઋણી છે, આ કારગીલ યુદ્ધમાં કુલ 527 વીર સપૂત શહિદ થયા હતા. જેમાં ગુજરાત રાજ્યના 12 સપૂત શહીદ થયા હતા. 1999 માં કરગીલ, બટાલિક અને દ્વાસના ઉંચા પહાડો પર 74 દિવસ ચાલેલું યુદ્ધ 26 જુલાઈ 1999 ના રોજ સમાપ્ત થયું હતું. જેને લઈ 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં આવેલી કારગીલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવવાની કોશિષ કરવામાં આવી હતી ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું જેને કારગિલ વોર તરીકે ઓળખવામાં આવે છે.

પોતાનો જીવ દેશ પર ન્યોછાવર કર્યો હતો

નોંધનીય છે કે, આ કારગિલ યુદ્ધમાં ગુજરાતના 12 સપૂત શહીદ થયા હતા. તેઓએ પોતાનો જીવ દેશ પર ન્યોછાવર કર્યો હતો. જેમાં પંચમહાલ (Panchmahal) જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના એક જાંબાઝ વીર જવાન ભલાભાઈ અખમભાઈ બારીયા પણ શહીદ થયા હતા. વીર જવાન ભલાભાઈ બારીયાએ પાકિસ્તાની સૈનિકોને હંફાવ્યા હતા અને બંકર પર ગોળીઓ વરસાવતી વખતે દુષ્મનોની ગોળી વાગતા પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આજે તેમને યાદ કરવાનો અવસર છે. ત્યારે આવો આપણે એ જાંબાજ વીર સપૂતની વીર ગાથા….

હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ 10 માં ધોરણ સુધી લીધું

પંચમહાલ (Panchmahal) જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના ભલાભાઈ બારીયાનો ખેડૂત પરિવારમાં જન્મ તારીખ 07/06/1975 ના રોજ થયો હતો. વીર જવાન ભલાભાઈ બારીયાના પિતા અખમભાઈ અને માતા ઝીનીબેન ખેતી કરતા હતા. ભલાભાઈ બારીયાનો પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાં 7 માં ધોરણ સુધી લીધા બાદ બાજુમાં આવેલા નાંદરવા ગામની હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ 10 માં ધોરણ સુધી લીધું હતું. તેઓમાં બાળપણથી જ દેશદાઝની ભાવના હોવાથી તેઓએ સેનામાં જવાનું નક્કી કર્યું હતું અને તેઓ દેશ ની સેવા કરવા માટે સૈન્યમાં વર્ષ 1996 ભરતી થયા હતા અને તેઓની પોસ્ટિંગ 12 મહાર રેજીમેન્ટમાં થઇ હતી અને તેઓ 12 મહાર રેજીમેન્ટમાં જોડાયા હતા.

તેઓ લડતા લડતા દેશ માટે શહીદ થયા હતા

1999 માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તારમાં કબજો જમાવવાની કોશિશ કરવામાં આવી અને ત્યાર બાદ ઘર્ષણ પછી ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગિલ વિસ્તારમાં ભીષણ જંગ ખેલાયો હતો. પરંતુ દુશ્મનોને માત આપવા ભલાભાઈ અડીખમ અને અડગ હતા. તેઓએ દુશ્મનોના બંધ બંકર ઉપર ગોળીબાર કરીને જવાબ આપતા હતા ત્યારે દુષ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીંધાઇ હતી. તેમજ લડતાં લડતાં દેશ માટે શહીદ થયા હતા. તેમના પાર્થિવ દેહને માદરેવતન ખટકપુર લાવીને સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આજે પણ તેમના પરિવારના સભ્યો ભલાભાઈ બારીયાને યાદ કરે છે. ભલાભાઈ ના ભાઈએ જણાવ્યું કે, ભલાભાઈ ને નાનપણથી જ આર્મી માં જોડાવાની પ્રબળ ઇચ્છા હતી ત્યારે ધોરણ 10 બાદ ગોધરા ખાતે આર્મી ભરતી કેમ્પમાં ભલાભાઈ ગયા હતા અને આર્મીમાં ભરતી થઈ ગયા હતા.

અમે બધા એક શાળામાં ભણતા હતાઃ મિત્રો

એક વર્ષની આર્મી ટ્રેનિંગ બાદ તેઓ ઘરે આવી જતા તેઓનો લગ્ન સામાજિક રીતે કરવામાં આવ્યા હતા, પરંતુ લગ્ન બાદ તેઓ પોસ્ટિંગ પર ગયા બાદ કારગિલ યુદ્ધ શરૂ થયો હતો અને તે સમયે તેઓ પણ આર્મીની ગાડીપર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. કારગિલ યુદ્ધ દરમિયાન ભલાભાઈના ભાઈ ભારતભાઈ જવાનો માટે અનાજની ગાડી લઈને શ્રીનગર પહોંચ્યા હતા ત્યારે તેઓને સમાચાર મળ્યો હતો કે તેઓના ભલાભાઈ શહીદ થયા છે. તે સાથે જ વીર જવાન ભલાભાઈના મિત્રએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ જોડે એક શાળામાં ભણતા હતા ત્યારે ભલાભાઈ મિત્રોને કહેતા હતા કે તેઓને આર્મીમાં ભરતી થઈ મોટા અધિકારી બનવું છે અને દેશ ની સેવા કરવાની છે.

ભરતી થયાના દોઢ જ વર્ષમાં શહીદ થયા

ભલાભાઈએ દેશની સેવા કરતા શહીદ થયા જેનો ગર્વ અનુભવી રહ્યા છે. ભલાભાઈ બારીયા ખૂબ જ નાની વયે અને ભરતી થયાના દોઢ જ વર્ષમાં દેશ માટે બલિદાન આપી શહીદ થયા છે. ભલાભાઈ લગ્ન માટે ઘરે 15 દિવસની રજા લઈ આવ્યા હતા દરમિયાન લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પુનઃ ફરજ ઉપર હાજર થઈ ગયા હતા. જેનાબાદ ભલાભાઈ ઘરે ફરી પરત આવ્યા જ નહોતા. કારગિલ યુદ્ધમાં લડતા લડતા ભલાભાઈ શહીદ થયાના 17માં દિવસે તેઓના નશ્વરદેહને માદરે વતન લાવવામાં આવ્યો હતો. ત્યારે આજના દિવસે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પરિવારજનો અને મિત્ર પરિવાર ને ભલાભાઈએ દેશ માટે આપેલ બલિદાન ને ગર્વ અનુભવી રહ્યા છે.

ભલાભાઈની યાદમાં ગામની સરકારી શાળાને તેમનું નામ આપવામાં આવ્યું

દેશના વીર સપૂત ભલાભાઈનો પરિવાર ખટકપુર ગામમાં રહે છે. ભલાભાઈ બારીયા નાનાભાઈ બળવંતભાઈ ખેતી વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ભલાભાઈના માતા -પિતા અવસાન પામ્યા છે. તો એક ભાઈ આર્મીમાંથી સેવાનિવૃત્ત છે. ત્યારે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ભલાભાઈને પરિવારજનો અને સમગ્ર જિલ્લાના લોકો આજે પણ તેઓને યાદ કરે છે. ભલાભાઈની યાદમાં (Panchmahal) ગામની સરકારી શાળાને તેમનું નામ આપવામાં આવ્યું છે, શાળાના કંપાઉન્ડમાં ભલાભાઈ બારીયાની ખાંભી આવેલી છે. જેના પર અમર જવાન લખેલું છે. તેના પરના સૂરજ અને ચાંદો કહી રહ્યા છે. જબ તક સૂરજ ચાંદ રહેગા ભલાભાઈ તેરા નામ રહેગા. આ શાળામાં દર વર્ષે શાળા પરિવાર અને શહિદના સ્વજનો સહિત દ્વારા શ્રધ્ધાસુમનનો કાર્યક્રમ રાખવામા આવે છે. આ જ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પણ પોતે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

કારગિલ વિજય દિવસ નિમિત્તે તમામ શહીદોને ગુજરાત ફર્સ્ટ નમન કરે છે

ભલાભાઈના પરિવારને સૂર્યોદય માજી સૈનિક મહામંડળ રાજકોટ તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. આ મંડળના સંયોજક સેવાનિવૃત્ત ઓફિસર મનન દેસાઈ દ્વારા લિખિત પુસ્તક કારગિલ યુદ્ધ ગુજરાતના સૈનિકો જેમાં ભલાભાઈની વીર ગાથા વર્ણવી છે. દર વર્ષે ભલાભાઈ અખમભાઈ બારીયા પ્રાથમિક શાળા પરિવાર અને શહીદના પરિવાર દ્વારા આજના દિવસે શ્રદ્ધા સુમનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. પંચમહાલ (Panchmahal)ના આ પનોતા પુત્રની શહાદત દેશ માટે હમેશા યાદ રહેશે અને આ બલિદાનને સમગ્ર જિલ્લાના લોકો વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. અને આમ આજે બે દાયકા બાદ પણ શહેરા તાલુકાના આ વીર સપૂતને લોકો યાદ કરે છે. આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે તમામ શહીદોને ગુજરાત ફર્સ્ટ નમન કરે છે.

અહેવાલ: નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો: Bharuchથી દહેજ શ્રમિકોને લઇને જતી બસને નડ્યો અકસ્માત, કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા

આ પણ વાંચો: Rajkot: ‘ચા’ નું આવું ઘેરણ! ચાલુ વરસાદે ‘ચા’ની ચૂસકી મારતો યુવક, Video થયો Viral