Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વ્યાજખોરી મામલે વધુ એક ફરીયાદ દાખલ, 8 લાખ સામે 12 લાખ વસુલ્યા બાદ પણ વધુ પૈસા માટે અપાતી ધમકીઓ

09:37 AM Apr 17, 2023 | Vipul Pandya

અમદાવાદમાં વધુ એક વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. રખિયાલ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષકે રૂપિયાની જરૂર હોવાથી 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજે લીધેલા 8 લાખ સામે 11 થી 12 લાખ પરત કરવા છતા  હજી પણ 21 લાખ રૂપિયા માંગવામાં આવતા  ત્રસ્ત શિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 
2016માં 5 ટકા વ્યાજે રૂપિયા 8 લાખ લીધા હતા 
શિક્ષકની વર્ષ 2016માં આર્થીક પરીસ્થિતિ ખરાબ હતી જેથી તેમણે રખીયાલ ગામમાં રહેતા મહેન્દ્રકુમાર ઉર્ફે મનુભાઈ રાઠોડ પાસેથી 5 ટકા લેખે આઠ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદ શિક્ષકે ટુકડે ટુકડે પ્રથમ 3 લાખ પછી 2 લાખ અને છેલ્લે રૂપિયા 3 લાખ મળી કુલ 8 લાખ રોકડા ચુકવી આપ્યા હતા.  વ્યાજખોરે શિક્ષક પાસે  હાથ ઉછીના આપેલ છે તેવો રૂપિયા 100ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરાવી લીધો હતો અને તેની કોપી શિક્ષકને આપી ન હતી. જે બાદ શિક્ષકને ધાક ધમકીઓ આપી તેની પાસેથી બેંકના 10 કોરા ચેક, એ.ટી.એમ અને પાસબુક પડાવી લીધા હતા અને દર મહીને શિક્ષકના પગાર થાય ત્યારે વ્યાજખોર મહેન્દ્રભાઈ શિક્ષકના ખાતામાંથી વ્યાજ લેતા હતા.
2 વર્ષ સુધી 5 ટકાના હિસાબે 11થી 12 લાખ રૂપિયા ચૂકવ્યા 
શિક્ષકે 8 લાખ વ્યાજે લીધા બાદ 2 વર્ષ સુધી 5 ટકાના હીસાબે વ્યાજના આશરે 11 થી 12 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આમ છતા વ્યાજખોર મહેન્દ્રકુમાર ઉર્ફે મનુભાઇ શિક્ષકના ઘરે પહોંચી મુડી બાકી છે આપી દે નહીતર જાનથી મારી નાખીશ અને તારે રખિયાલ ગામમાં રહેવુ ભારે પડશે તેવી ધમકી આપતો હતો. વ્યાજખોરો દ્વારા ધમકીઓ આપી શિક્ષકના પત્ની પાસેથી 15 લાખ ઉછીના આપ્યા છે તેવું લખાણ કરવી લેવામાં આવ્યું અને બાદમાં શિક્ષકના ખાતા માંથી 4 લાખ, પત્નીના ખાતા માંથી 3 લાખ અને દીકરાના ગૂગલ પે મારફર 40 હજાર વસુલ્યા હતા. આ ઉપરાંત વ્યાજખોર અગાઉ શિક્ષક પાસેથી લીધેલા 10 કોરા ચેક માંથી 10 લાખનો ચેક બેંકમાં આપ્યો હતો જોકે શિક્ષકના એકાઉન્ટમાં બેલેન્સ નહિ હોવાથી ચેક રિટર્ન થતો હતો અને શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. 
શિક્ષકના દીકરાને પણ ચેક બાઉન્સ કરાવી ફસાવ્યો 
બીજી તરફ વ્યાજખોર મનુભાઇના સાગરીત  હિમાંશુ ઠાકોર દ્વારા પણ 5 લાખનો ચેક બેંકમાં નાખ્યો હતો જે પણ રિટર્ન થતાં હિમાંશુભાઈએ પણ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ઉપરાંત વ્યાજખોર મનુભાઈએ જામીન પેટે શિક્ષકના દિકરા પાસેથી પણ ત્રણ કોરા ચેક લઈ લીધા હતા જેમાંથી 6 લાખનો એક ચેક બેંકમા ભરેલો હતો જે ચેક બાઉન્સ થતા શિક્ષકના દિકરા વિરુધ્ધમાં પણ નેગોશીયલ કોર્ટમા ફરીયાદ કરવામાં આવી હતી. 
જાતિ વિષયક અપશબ્દો બોલી ધમકી આપવાની પણ ફરીયાદ 
વ્યાજખોર મહેન્દ્રભાઈનો ત્રાસ એટલો હતો કે તે શિક્ષકને અવાર નવાર જાતી વિષયક શબ્દો બોલી ધમકી આપતો હતો કે મારા પૈસા આપી દે નહીં તો તને જીવવા નહી દઉં તને તથા તારા પરીવારને જાનથી મારી નાખીશ. જેના કારણે શિક્ષકનો પરિવાર રખિયાલ ખાતેનુ મકાન વેચી નરોડા ખાતે ભાડે રહેવા ચાલ્યા ગયા હતા. હાલતો શિક્ષકની ફરિયાદ પરથી પોલીસે મનુભાઇની ધરપકડ કરી છે.પોલીસે મનુભાઈને વ્યાજખોરી અને એસ્ટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.