+

ઓહ…હવે મરિયમને માસ્તરની મૂંઝવણ સમજાણી

'ભાઈ, તમારામાં વ્યક્તિના અવસાન પછી કોઈ ધાર્મિક વિધિ તો  થતી હશે ને ?'' માસ્તરે કોઈ જવાબ ન આપ્યો એટલે મરિયમને થયું માસ્તરે પોતાનો સવાલ સાંભળ્યો નથી કે શું ? એથી એણે ફરી એ જ સવાલ પૂછયો.   છતાં  હજુ માસ્તરે કોઈ જવાબ ન આપ્યો. જાણે સવાલ સમજાયો ન હોય એમ મરિયમ સામે જોઈ  રહ્યા.     મરિયમને સમજાયું નહિ. માસ્તર આમ કેમ કરે છે ?  પોતાની વાતનો જવાબ આપવાને બદલે આમ તેની તરફ કેમ તાકી રહ્યા છે. પોતે આવું પૂછી
‘ભાઈ, તમારામાં વ્યક્તિના અવસાન પછી કોઈ ધાર્મિક વિધિ તો  થતી હશે ને ?” 
માસ્તરે કોઈ જવાબ ન આપ્યો એટલે મરિયમને થયું માસ્તરે પોતાનો સવાલ સાંભળ્યો નથી કે શું ? એથી એણે ફરી એ જ સવાલ પૂછયો.   
છતાં  હજુ માસ્તરે કોઈ જવાબ ન આપ્યો. જાણે સવાલ સમજાયો ન હોય એમ મરિયમ સામે જોઈ  રહ્યા.    
 મરિયમને સમજાયું નહિ. માસ્તર આમ કેમ કરે છે ?  પોતાની વાતનો જવાબ આપવાને બદલે આમ તેની તરફ કેમ તાકી રહ્યા છે. પોતે આવું પૂછીને કોઈ ભૂલ કરી છે કે કેમ ? 
‘ભાઈ, મારી કોઈ ભૂલ થઇ છે ? તમારામાં એવી કોઈ વિધિ થતી જ હશે ને ? તો  જે પણ થતું હોય એ બધું મારે કરવું છે. મને ખબર નથી એટલે તમને પૂછયું. મરિયમે સ્પષ્ટતા કરી.’ 
 “હા, બેટા, બધા લોકોમાં મૃત્યુ પછી  કોઈ ને  કોઈક  ધાર્મિક વિધિ જરૂર થતી હોય છે. જે જનાર વ્યક્તિના શોકને ઓછો કરવામાં એક કે બીજી રીતે મદદરૂપ થાય છે. પણ મને એ ખબર નથી કે તમારા લોકોમાં શું પરંપરા હોય છે ? એ તો  જમાલચાચા કે એવા કોઈને પૂછવું પડે.” 
મરિયમ એકાદ પળ માસ્તર સામે જોઈ રહી. ત્યાં નર્યા સ્નેહ સિવાય કશું નહોતું. 
ઓહ…હવે મરિયમને માસ્તરની મૂંઝવણ સમજાણી. એમાં માસ્તરનો કોઈ વાંક નહોતો. એમને સાચી વાતની ખબર જ કયાં હતી ? મનોમન કંઇક નક્કી કરી લીધું હોય તેમ  ધીરેથી તેણે  પૂછયું, 
“ભાઈ, કદાચ તે દિવસે તમને નવાઈ લાગી હશે. મારા અબ્બુના સામાનમાંથી ગીતાજી અને રામાયણ વગેરે નીકળ્યા તે જોઈને  કે પછી તમે તે કાગળ વાંચ્યો હોય… એથી તમારા મનમાં કોઈ સવાલ પણ જાગ્યા હોય.”  
“હા, ખોટું નહિ બોલું. મેં એ  કાગળ વાંચ્યો હતો. મને બહુ નવાઈ લાગી હતી એમ કહું એના કરતા એક ધક્કો લાગ્યો હતો.  કંઈ સમજાયું નહોતું.આજે યે નથી સમજાયું. ઘણાં વિચારો આવ્યા અને ગયા..પણ મનમાં કોઈ ગડ બેઠી નહિ..”
‘ તો પછી એના વિશે  તમે આજ દિવસ સુધી મને કંઇ પૂછયું નહીં.’
‘બેટા, પૂછવાનું મન તો થયું હતું. પણ એ દિવસે તારી અસ્વસ્થતા જોઈને પૂછવાનો સવાલ જ નહોતો.  પછી મને થયું કે એ તમારા બાપ દીકરીની  કોઈ અંગત વાત હશે. જે જાણવાનો મને અધિકાર નથી. એટલે મેં  પૂછવાનું માંડી વાળ્યું. અને સમાજમાં બધા લોકો  કંઈ  મારી જેમ કટ્ટરવાદી નથી હોતા. તારા અબ્બુ  મારી જેમ કટ્ટરવાદી નહીં હોય. નાત, જાતના ભેદભાવ આવા મહાન લોકોને સ્પર્શતા નથી હોતા. એટલે કદાચ ઘરમાં ગીતા, કુરાન બંને હશે. એવી કોઈ અટકળો માંડી હતી. હા, પણ નીચે જનક જોશી એવું વાંચીને કંઈ સમજાય એમ નહોતું આ જનક જોશી વળી કોણ ? એવો  સવાલ પણ થયો હતો.
બાકી દીકરી, હું એક સામાન્ય માણસ.   એવો  મહાન નથી. આપણા વડવાઓને,  બંને કોમને  દેશના વિભાજન સમયે  જે આપદાઓ વેઠવી પડી હતી. એના મૂળિયાં કમનસીબે  બહુ ઊંડા છે બેટા. એ એમ સહેલાઇથી ઉખડી  શકતા નથી. સમજવા છતાં એનો અમલ નથી થઈ શકતો.
 ‘પણ ભાઈ, તમે તો હું એક મુસ્લીમ છું એ જાણવા છતાં..’ 
‘હા  બેટા, મારી આંખોના પડળ  સાવ અચાનક હટી  ગયા.  તને જોયા પછી, ઓળખ્યા પછી  તો તું મુસ્લીમ છે એ યાદ પણ નથી આવતું. અત્યાર સુધી નાતજાતના સંકુચિત વાડામાં જોવા ટેવાયેલી ગ્રંથિ તને મળ્યા પછી આપમેળે, કોઈ પ્રયત્ન સિવાય જ છૂટી પડી. ન જાણે કઈ પળે સઘળા પૂર્વગ્રહો ઓગળી ગયા.  ઘણી વખત બદલાવા માટે માણસને એકાદ આછો પાતળો  ઝબકાર પણ બસ થઇ પડે છે. તો ઘણીવાર આગની જવાળાઓ પણ એને બદલાવી શકતી નથી. માણસનું મન એટલે  જાણે  એક અજાયબ ઘર.”
માસ્તરને પોતાને નવાઈ લાગી હતી. આવું  બધું બોલવાનું  તેને કયાંથી સૂઝે છે ?  કોણ સૂઝાડે છે આવું ? આજ સુધી પોતે કદી આવા વિચારો નથી કર્યા. કે નથી આવું કશું બોલ્યા. 
માસ્તર સાચા અર્થમાં આખેઆખા ..ધરમૂળથી બદલાયા હતા.  તે જાણે  નવો અવતાર પામ્યા હતા. આમ પણ માસ્તરનું  વાંચન તો વિશાળ  હતું જ.  એ સમયમાં  તે કોલેજમાં  ગયા હતા. અલબત્ત સંજોગોને લીધે કોલેજનાં પહેલા વરસ પછી તુરત બધું છોડીને  નોકરીએ લાગી જવું પડયું હતું.  
નાનપણમાં રામાયણ, મહાભારત, વેદમંત્રો બધું  તેમના પિતાની સાથે વંચાયું હતું. પણ સમયે તેની  ઉપર રાખ ફેરવી દીધી  હતી.  હવે જાણે  કોઈએ ફૂંક મારીને ઉપરની રાખ ઉડાડી મૂકી હતી. 
મરિયમ અહોભાવથી માસ્તરની વાત સાંભળી રહી હતી. 
‘ભાઈ, તમે મહાન છો.’
‘ના બેટા, મહાન સંજોગો અને સમય છે. માણસને સારો કે નરસો એ જ બનાવે છે.’
‘ભાઈ, આજ સુધી જે વાત કોઈને જ નથી કહી એ તમને કહી શકું ?’ 
‘બેટા, એ તો મારા સદભાગ્ય હશે.   તેં મને એને લાયક ગણ્યો. મારા મનમાં પણ ઘણાં સવાલો છે જ.’ 
માસ્તર હવે  મરિયમના જીવનનું એ રહસ્ય જાણવા અધીર થયા હતા. શું હશે મરિયમની જિંદગીમાં ? એવું તે કયું રહસ્ય.કેવો ભેદ છૂપાયેલ હશે તેની જિંદગીમાં ? 
 પણ મરિયમ વાત માંડે એ પહેલા અબ્દુલના રડવાનો અવાજ આવ્યો એટલે મરિયમ દોડી. 
અબ્દુલ ખુરશી પરથી ગબડી પડયો હતો. એનો ગોઠણ છોલાયો હતો. થોડું લોહી નીકળ્યું હતું. લોહી જોઈને તે કદાચ ગભરાઈ ગયો હતો. 
અબ્દુલની ચીસ સાંભળીને જમના પણ દોડી આવી. તે અબ્દુલને મૂકીને બાથરૂમ સુધી જ ગઈ હતી. અબ્દુલને લાગી ગયેલું જોઈને  તે અપરાધ ભાવ અનુભવી રહી. 
‘અરે જમના, એમાં તારો કોઈ વાંક નથી. છોકરાઓ તો પડી,આખડીને જ મોટા થાય. તું ચિંતા ન કર. જરીક અમથું લાગ્યું છે. એ તો હમણાં દોડવાનો.’ 
કહેતા મરિયમે અબ્દુલનો  ઘા સાફ કરીને  પટ્ટી  લગાવી દીધી. અબ્દુલ મરિયમ પાસે જવાને બદલે દોડીને જમના  પાસે પહોંચી ગયો. 
જમના હવે હસી પડી. એણે વહાલથી તેને તેડી લીધો. 
માસ્તર અને મરિયમના ચહેરા પણ મલકી રહ્યા.
ભાઈ, હવે સાંજે નિરાંતે વાત કરીશું. 
‘ સારું.  બેટા, હવે તો હું ઘોડા જેવો થઇ ગયો છું. આજે  હું થોડી વાર પોસ્ટઓફિસે આંટો મારી આવું ? નહિતર મને જમવાનું પચશે નહીં. ‘ 
મરિયમ હસી પડી. 
‘જરૂર જઇ આવો. પણ જમીને જ જવાનું છે. ખબર છે કેટલા વાગી ગયા ?’
‘હવે એ બધુ હું કયાં યાદ રાખું છું. હવે એ બધુ તો તારું કામ.’
‘હા, મારુ જ કામ છે. એટલે જ કહું છું.પહેલા ચૂપચાપ જમવા બેસી જાવ. પછી જ જવાની રજા મળશે.’ 
‘પણ જમીને તો મારે થોડી વાર સૂવા જોઈએ છે.’
‘તો ઊઠીને જજો. આમ પણ તમે હજુ રજા પર છો.  બપોરે ઉઠીને એકાદ ચક્કર લગાવી આવજો.’
‘હા.ભાઈ, દીકરીના હુકમ આગળ કયા બાપનું ચાલ્યું છે તે મારુ ચાલવાનું ?  હજુ હંસા આવશે ત્યારે તો ન જાણે મારુ શું થવાનું ? બબ્બે દીકરીઓના હુકમનું પાલન કરવાનું. ‘  મરિયમ મીઠું હસી રહી. 
મરિયમે આસન પાથર્યું. માસ્તરે નીચે જમાવ્યું. થાળીને ગોળ ફરતે પાણીની ધાર કરી. આંખો બંધ કરી કશુંક બોલી રહ્યા. મરિયમ ભાવથી જોઈ રહી. તેના અબ્બુ પણ એક જમાનામાં આવું બધુ કરતાં હશે ને ? પોતાને ખાતર એમને શું નથી છોડવું પડયું ? 
‘બેટા, અબ્દુલ જમના પાસે રમે છે ત્યાં તું પણ જમી લે.’ 
મરિયમ પણ માસ્તરની સામે બેઠી. 
જમતા જમતા ન જાણે કેટલી યે વાતો બાપ દીકરી વચ્ચે ટહુકા કરતી રહી. 
એ રાત્રે  જમીને રોજની જેમ માસ્તર અને મરિયમ બહાર ફળિયામાં આવ્યા.   અબ્દુલ દોડાદોડી કરીને થાકયો હતો. જમના તેને  સૂવડાવતા સૂવડાવતા ધીમા સાદે ગાઈ રહી હતી. “ આભમાં ઉગ્યો ચાંદલો ને જીજીબાઇને આવ્યો બાળ, બાલુડાને માતા હીંચોળે, ધણણણ ડુંગરા બોલે..” 
માસ્તરે  ખાટલા પર લંબાવ્યું. મરિયમ બાજુમાં ખુરશી પર બેઠી. 
બેટા, તું કંઈક વાત કરવાની હતી ને ? 
હકારમાં માથું હલાવતા મરિયમ બોલી. 
‘ભાઈ,  એ દિવસે તમને નવાઈ લાગી હતી ને કે મુસલમાનના ઘરમાં ગીતાજી અને રામાયણ કેમ ? આજે તમને સાચી વાત કહું ? અબ્બુ મારા  કોણ હતા ?’
‘કોણ હતા એટલે ?’
‘ભાઈ, એ માટે મારે માંડીને આખી વાત કરવી પડશે.’
માસ્તર આતુરતાથી મરિયમ સામે જોઈ રહ્યા. 
મરિયમની જિંદગીમાં એવું કયું રહસ્ય છૂપાયું છે ? 
માસ્તર મરિયમની વાત સાંભળવા આતુર હતા. કદાચ પોતાના મનમાં ઊઠતા દરેક સવાલોના જવાબ એ  વાત પરથી મળી રહેશે. 
મરિયમ  હજુ પણ કદાચ કોઇ અવઢવમાં હતી. કહેવું કે ન કહેવું ? દિલની   વાત કરવી કે ન કરવી ?  જોકે હવે  ઠલવાવાનું બીજું કોઈ ઠેકાણું  રહ્યું પણ કયાં હતું ? તે થોડી ક્ષણો મૌન રહીને માસ્તર સામે જોઈ રહી. જાણે  કશુંક ઉકેલવા મથી રહી.
આટલા ઓછા સમયમાં આ  વ્યક્તિએ  તેના વહાલા અબ્બુની જગ્યા લઇ લીધી હતી કે શું ?
માસ્તર કદાચ મરિયમની અવઢવ સમજી ગયા હતા.
‘બેટા,  હું સમજી શકું છું  કે  કોઇ અજાણ્યાનો વિશ્વાસ કરવો કે નહીં એ  વિચારે તું કદાચ મનની  વાત કહેતા અચકાતી હોઇશ. પણ તું  કોઈ વાતે મૂંઝાતી નહીં. તારું મન ન માનતું હોય તો મારે કંઇ જાણવું નથી. હા, વાત કરવાથી, ઠલવાવાથી  તને સારું લાગતું હોય તો અચકાતી પણ  નહીં.”
માસ્તરના  અવાજમાં અંતરની  સચ્ચાઈનો રણકો આપોઆપ ભળ્યો હતો. જે મરિયમને સ્પર્શ્યા સિવાય ન રહ્યો.   
‘ના..ના ભાઈ,  હવે તમે  જરા યે અજાણ્યા નથી રહ્યાં. તમે  મારા અબ્બુ નહોતા. લોહીનો કોઈ સંબંધ નહોતો,  છતાં મારી ચિંતા કરીને  એક સ્નેહાળ પિતાની જેમ મને લેવા આવ્યા,  આટલા ભાવથી  પોતાને ઘેર દીકરીની જેમ રાખી, એ અજાણ્યા કેવી રીતે હોઇ શકે ? મારે તો અબ્બુ સિવાય દુનિયામાં બીજું કોઇ હતું જ નહીં. અને હવે માત્ર તમે..’ 
‘તો બેટા, વિના સંકોચે આ બાપ આગળ ભીતરના આગળિયા ખોલી નાખ. મારી જેમ મનના કમાડ એકવાર ઉઘડી જાય તો પછી બધું ઝળાહળાં. ’
મરિયમને માસ્તરનું બોલવું સમજાયું તો નહીં. પણ તેમની લાગણીનો પડઘો તો અંતરમાં પડયો જ. આ બાપ પાસે હવે કશું છૂપાવવાની જરૂર નથી એટલું તેને  સમજાઇ ગયું.
દિલની સચ્ચાઇથી કહેવાયેલી, અંતરના ઉંડાણમાંથી નીકળેલી  વાત સામેની વ્યક્તિને સ્પર્શ્યા સિવાય રહેતી નથી. એ તો  સોંસરી દિલમાં ઉતરી જાય છે.
મરિયમ બે ચાર પળ આસમાનમાં જોઇ રહી  વાત કહેવા માટે જાણે અબ્બુની રજા ન માગતી હોય ? પછી હળવેકથી ભીતરનો પટારો ખૂલ્યો. અને ચાંદ, તારાની સાખે મરિયમે વાત માંડી. 
 ‘ભાઈ, અબ્બુ મારા સાચે સાચ કોણ હતા ખબર છે ?
‘એટલે ? ‘  પોસ્ટમાસ્ટર મરિયમ સામે જોઇ રહ્યા.
 ‘ભાઈ,  અબ્બુ કંઇ સાચે જ મારા પિતા નહોતા.’  
‘ હેં ?  ‘
 માસ્તરને જાણે ચારસો ચુમાલીસ  વોલ્ટનો ઝટકો લાગ્યો..
એક પિતા સિવાય દીકરી માટેનું આવું બહાવરાપણું, આવી ઝંખના બીજા કોનામાં હોય. ?  મરિયમ આ શું બોલી ? 
‘બેટા,  તું શું કહે છે  ?’
‘હા, ભાઈ, એ મારા જન્મદાતા  પિતા નહોતા. લોહીની કોઇ સગાઇ અમારી વચ્ચે નહોતી અને છતાં  મારે માટે  એ પિતાથી વધારે હતા. અને હું તેમની દીકરીથી વધારે હતી. આજે પહેલી વાર કોઈ સમક્ષ આ વાત ઉચ્ચારું છું.’
‘બેટા, કંઇક સમજાય એ રીતે વાત કર. મને તો કંઇ ગડ નથી બેસતી કે તું કહેવા શું માગે છે ?’
 મરિયમની  ભીતરના સઘળા દરવાજા ખૂલી રહ્યા.  બંધ આંખે  અતીતની ગલીઓમાં તે ખોવાઈ રહી. 
શું હતું એ અતીતમાં ? મરિયમ તેના જીવનનું કયું રહસ્ય ખોલશે ?  
ક્રમશ : 
Whatsapp share
facebook twitter