Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

…એ ફ્લેટમાં એક નહીં, અનેક આત્માઓ વાસ કરે છે!

10:04 PM Apr 16, 2023 | Vipul Pandya

‘ગૂડ ઈવનિંગ, મેઘના!’ શ્રીમતી પવારે ઇન્ડિયન પેરાનૉર્મલ સોસાયટીની કર્મચારી મેઘના પોરવાલને ઘરમાં આવવાનું આમંત્રણ આપતાં કહ્યું.

સાઉથ મુંબઈનું કદાચ એ એકમાત્ર એવું એપાર્ટમેન્ટ હશે, જે દેખાવમાં પૉશ નહીં પણ ઠીકઠાક હતું! પાંચમાંથી ત્રણ ફ્લૉર ખાલીખમ હતાં. એ ફ્લૉર્સ કૉલેજિયન અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સિગારેટ ફૂંકવાનો અડ્ડો બની ગયા હતાં! રાત પડ્યે ફ્લેશલાઇટ્સ સાથે કેટલાક અજાણ્યા લોકો પણ અહીં અવરજવર કરી લેતાં. ટૉપ ફ્લૉર એટલે કે પાંચમા માળે પહોંચીને મેઘનાએ ત્રણ-ચાર વખત ડૉરબેલ દબાવવી પડેલી, ત્યારે છેક દરવાજો ખૂલ્યો હતો.

‘ચા લઈશ?’ શ્રીમતી પવારે મેઘનાને સોફા પર બેસાડીને રસોઈઘરમાં જતાં પૂછ્યું.

‘જી, ફક્ત પાણી!’ મેઘનાની આ આદત હતી. કામ પર જાય ત્યારે વાતચીત કે ઔપચારિકતામાં ખોટો સમય બગાડવો તેને પોસાતો નહોતો. આથી, તે સીધી મુદ્દા પર આવી, ‘ઘરમાં બની રહેલી ઘટના અંગે જણાવશો, મિસિસ પવાર?’

એ દિવસોમાં દિલ્હીની ઇન્ડિયન પેરાનૉર્મલ સોસાયટીનો ફાઉન્ડર ગૌરવ તિવારી બીજા કશાક પ્રોજેક્ટમાં અટવાયેલો હોવાથી તેની સાથીદાર મેઘનાએ જાતે જ આ કેસ સૉલ્વ કરવાનો નિર્ણય લીધો હતો. પાછલા થોડા દિવસોથી શ્રીમતી પવાર અને એમનો પરિવાર કેટલીક પેરાનૉર્મલ એક્ટિવિટીનો સામનો કરી રહ્યા હતાં. દીકરા અંકિતને નોકરી માટે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં જવું પડે, એટલે એ સવારથી નીકળી જાય પછી ઘરમાં પત્ની, પુત્ર અને મા રહે! પિતાનો સ્વર્ગવાસ વર્ષો પહેલાં થઈ ચૂક્યો હતો.

‘થાય છે એવું કે અંકિતનું લેપટૉપ રાતે બે વાગ્યાની આસપાસ અચાનક ગાયબ થઈ જાય અને થોડી વાર પછી ફરી એની જગ્યાએ ગોઠવાયેલું જોવા મળે!’ મિસિસ પવરે સર્વપ્રથમ બનેલી ઘટના અંગે જણાવ્યું.

‘એપૉર્શન અને એસ્પૉર્શન!’ મેઘનાએ પોતાની નોટબૂકમાં ટાંક્યું.

‘એટલે?’

‘અમારી ભાષામાં એપૉર્શન એટલે કોઈ ચીજ-વસ્તુનું ગાયબ થવું અને એસ્પૉર્શન એટલે ફરી પરત ફરી આવીને મૂળ જગ્યાએ ગોઠવાઈ જવું!’ મેઘનાએ સરળ સમજૂતી આપી.

‘હમ્મ્મ.. એ પછી કોઈક અદ્રશ્ય તાકતો દ્વારા દીવાલો પીટવાની ઘટના અને કાચની ચીજો ફોડવાના બનાવો વધતાં ગયા!’ શ્રીમતી પવારના અવાજમાં સહેજ ડર ઉમેરાયો હોય એવું લાગ્યું, ‘એ પછી મેં અને અંકિતે તાત્કાલિક ધોરણે મારી પુત્રવધૂ અને પૌત્રને થોડા દિવસ માટે મામાના ઘેર મોકલી દીધાં!’

‘આને કહેવાય, ઑબ્જેક્ટ મેનિપ્યુલેશન!’ મેઘનાએ કહ્યું, ‘ઘરની લાઇટ અથવા બલ્બ ઑન-ઑફ્ફ થવાની ઘટના તેમજ તોડફોડ થકી આત્મા કશુંક કહેવા માંગે છે!’

એટલામાં અંકિત પણ ઑફિસેથી ઘરે આવી ગયો. થોડા અઠવાડિયા પહેલાં જ તેણે પોતાની આ દાયકાઓ જૂની પ્રૉપર્ટી વેચીને નવા ઘરમાં શિફ્ટ થવાનો નિર્ણય લીધો હતો. એક્ચ્યુલી, એ સમયથી જ પેરાનૉર્મલ ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. આ વાત જાણ્યા બાદ મેઘના તુરંત જાણી ગઈ કે ઘરમાં કંઈક તો એવું છે, જે નથી ઈચ્છતું કે આ પ્રૉપર્ટી વેચાઈ જાય!

તેણે પોતાના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ – EMF – મીટર અને ઈલેક્ટ્રોનિક વૉઇસ ફિનોમેનન – EVP – મીટર સાથે ઘરમાં સંશોધન આદર્યુ.

ઈવીપી મીટરમાં સ્પષ્ટપણે એક અવાજ ઝીલાયો, જે એવું કહી રહ્યો હતો કે, ‘ઘર વેચવાનું નથી!’

ત્યારબાદ, મેઘના એ સ્થળ પાસે ગઈ જ્યાં આગલી રાતે અંકિતના સ્વર્ગવાસી પિતાની કાચની ફોટોફ્રેમ તૂટીને નીચે પડી હતી! ત્યાં પણ ઈ.એમ.એફ. મીટર અજુગતા સિગ્નલ દર્શાવી રહ્યું હતું.

‘તમારી પહેલાં આ ઘરમાં કોણ રહેતું હતું?’ મેઘનાએ અંકિતને પૂછ્યું.

‘અમે જ આ ફ્લેટના પહેલાવહેલા માલિક હતા.’ અંકિતે કહ્યું. કઈ રીતે એમના પૂર્વજોએ આ ઘર ખરીદ્યું હતું, અને તેના દિવંગત પિતાને આ પ્રૉપર્ટી સાથે કેટલો લગાવ હતો એ હકીકત પણ જણાવી.

મેઘના ઘડીના છઠ્ઠા ભાગમાં આખો ખેલ સમજી ગઈ. તેણે તરત અંકિતને કહ્યું, ‘તારા પિતાની આત્મા નથી ઈચ્છતી કે ઘર વેચાય!’

ઘરના કેટલાક ફોટોગ્રાફ ક્લિક કરીને મેઘના ત્યાંથી પોતાના ઘરે જવા નીકળી. રસ્તામાં ઇન્ડિયન પેરાનૉર્મલ સોસાયટીની ઑફિસ પર તેણે ડેટા જમા કરાવ્યો અને એનેલિસીસ માટે પોતાના સાથીદાર સિદ્ધાર્થને આપ્યો.

ઘરે પહોંચીને હજુ તો માંડ તેણે શાવર લીધો હશે, ત્યાં તેનું માથું સખત રીતે દુઃખવાની શરૂઆત થઈ. જોકે, ધીમો ધીમો દુઃખાવો તો તેને શ્રીમતી પવારના ફ્લેટ પર જ શરૂ થઈ ચૂક્યો હતો.

તે જેવી વૉશરૂમમાંથી બહાર આવી કે તરત સિદ્ધાર્થનો તેના મોબાઇલ પર ફૉન આવ્યો.

‘મે..મેઘના!’ તેના અવાજમાં થથરાટ હતો, ‘ખરાબ સમાચાર છે!’

‘શું થયું?’ મેઘનાનું કાળજું બેસી ગયું.

‘તું જે ફોટો ક્લિક કરીને લાવી, એનું મેં પૃથક્કરણ કર્યુ… અને..’ સિદ્ધાર્થ ડરને કારણે બોલી પણ નહોતો શકતો.

‘અને શું?’ મેઘનાનો સ્વર ઉચાટને કારણે સહેજ ઊંચો થઈ ગયો.

‘એ ફ્લેટમાં એક નહીં, અનેક આત્માઓ છે! ફોટોમાં સ્પષ્ટપણે બકરીના ચહેરા પર ખૂંખાર શિંગડાં ધરાવતી ભયાવહ આકૃતિ દેખાઈ રહી છે! આનો અર્થ એમ કે…’

‘… કે એ ઘરમાં શૈતાનનો વાસ છે!’ મેઘના ધબ્બ કરતી પલંગ પર બેસી ગઈ.

અંકિતના પિતાની આત્મા એમને ઘર વેચવાથી રોકી રહી છે, એવી તેની માન્યતા ગણતરીની ક્ષણોમાં જ ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી.

નોંધ: આ ઘટના બન્યા બાદના ઘણાં દિવસો મેઘનાની વર્તણૂકમાં બદલાવ જોવા મળ્યો હતો. તેની આસપાસ નકારાત્મક શક્તિઓ પ્રવર્તમાન હોય, તેવું જણાતું હતું. અંકિતના ઘરમાં બૌદ્ધ સાધુઓએ આવીને શુદ્ધિકરણની ક્રિયા કરી, પરંતુ ત્યારથી લઈને આજ સુધીમાં એ આત્માઓ વાસ્તવમાં પાંચમો ફ્લૉર છોડી ચૂકી છે કે નહીં, એ વાતનો કોઈ પુરાવો મળ્યો નથી! 

bhattparakh@yahoo.com


આ પણ વાંચો : ક્રીં કુંડ: અઘોરપીઠનો એક દિવ્યાતિદિવ્ય અનુભવ!