Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રસોઈ બનાવતાં આવડવું જરુરી છે?

10:32 PM Apr 19, 2023 | Vipul Pandya

સાસરે જઈશ તો શું કરીશ? રસોઈ બનાવવવાનું શીખી લે, કામ લાગશે.  
ભણીગણીને શું કરવું છે? આખરે તો રોટલા જ ટીપવાના છેને? 
રસોઈ બનાવતાં નહીં આવડે તો ગૃહસ્થી નહીં ચાલે…. 
દરેક દીકરીએ આમાંથી એક ડાયલોગ તો એકવાર સાંભળ્યો જ હશે.  
શું રસોઈ બનાવતાં આવડવું જરુરી છે? 
શું રસોઈ બનાવવા કરતા બીજા કોઈ મહત્ત્વના કામો હોય તો નહીં કરવાના? 
રસોઈ બનાવતાં આવડતું હોય પણ રસોઈ બનાવવી ન ગમતી હોય તો?  
રસોઈકામ કરવાવાળાને પગાર આપીને રાખીએ તો શું જમવાનું બેસ્વાદ લાગે? 
પરણવાની ઉંમર થઈ ગઈ હોય એવી દરેક સામાન્ય પરિવારની દીકરીની માતાને એક ચિંતા સતાવતી હોય છે કે, મારી દીકરીને સાસરે જઈને રસોડું સંભાળવાનું આવે તો એ જરા પણ અચકાવી ન જોઈએ. એને બધું જ આવડતું હોવું જોઈએ. આપણે ત્યાં એવા પરિવારોની સંખ્યા વધુ છે જ્યાં સ્ત્રીઓની જિંદગી રસોડામાં જ પસાર થાય છે. કેટલાંક ઘરોમાં તો સ્પેશિયલ વાનગીઓ અને એ બનાવનારની ડિમાન્ડ હોય છે. સ્ત્રીઓને કિચનમાં રહેવું ગમતું હોય છે  કે કેમ એ પાછો એક બહુ જ મહત્ત્વનો સવાલ છે. ફરજિયાત કરવાનું આવે ત્યાં પસંદગીને અવકાશ નથી હોતો. તેમ છતાં માથે પડેલું કરવાનું આવે ત્યારે એ પ્રકારનો અણગમો અને કંટાળો તો આવી જ જતો હોય છે.  
એક યંગ દીકરીની વાત છે. એ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. લોડડાઉન આવ્યું ત્યારથી એ વર્ક ફ્રોમ હોમ કરે છે. કોરોનાના સમયમાં જ એની સગાઈ નક્કી થઈ, લગ્ન થયાં અને એ સાસરે આવી ગઈ. સાસુ-સસરા બંને રિટાયર્ડ થઈ ગયા છે. એ યુવતીનો પતિ બિઝનેસ કરે છે. ઘરમાં બે કામવાળા છે. વહુને કંઈ કામ કરવાનું બહુ આવતું નથી. પણ, ઘરેથી કામ કરતી વહુને રસોડામાં જવું પડે છે. એ યુવતીને રસોઈ બનાવતા નથી આવડતી. હોસ્ટેલમાં રહીને ભણેલી આ યુવતીને રસોડામાં જવું પણ નથી ગમતું. લગ્નના શરુઆતના ગાળામાં સાસુએ વહુની આ ખામીને દૂર કરવાની ભરપૂર કોશિશ કરી. બાય ધ વે રસોઈ ન આવડતી હોય એ ખામી તો નથી જ. પણ એ સાસુની નજરે વહુને રસોઈ બનાવતાં ન આવડવી એ વહુની અને એની મમ્મીની ખામી છે.  વહુને એકડેએકથી એમણે શીખવવાનું શરુ કર્યું. નવી સવી પરણેલી એ યુવતીએ કહ્યું, મમ્મી આટલી વારમાં મારી અગત્ચની મિટિંગ હું પૂરી કરી શકું અને કંઈ કામ ન હોય તો હું સોફા ઉપર એમ જ બેસવાનું પસંદ કરું. પણ કિચનમાં રહેવું તો મને નહીં ફાવે.  
એ યુવતીએ બહુ સલૂકાઈપૂર્વક સાસુને કહ્યું કે, મારો પગાર થોડાંક હજાર ઓછો આવે છે એમ માનીને આપણે રસોઈવાળાને બંધાવીએ તો? આ સાંભળીને એ સાસુની આંખો પહોળી થઈ ગઈ. બાદમાં એ કમને એગ્રી થયા કે, સારું મહારાજને બંધાવી દો. પણ એમાંય વળી શરતો રાખી કે, એ અમુકતમુક જ્ઞાતિનો જ હોવો જોઈએ. વહુએ મહામહેનતે રસોઈવાળાને શોધીને રસોડાભેગો કર્યો.  
બીજો એક કિસ્સો એવો છે કે, એક મલ્ટીમિલિયોનેર બિઝનેસવુમન છે. એ સ્ત્રી એવું માને છે કે, રસોઈ બનાવવા આવે એના મનમાં કોણ જાણે કેવા વિચારો ચાલતાં હોય, એ કેવા વિચારો સાથે રસોઈ બનાવે? એ બધું આપણને પેટમાં ઉગે નહીં. હું તો રોજ ઓફિસે જતાં પહેલાં નાહીને, મંત્રોચ્ચાર કરતા કરતા રસોઈ બનાવું છું. મારા પરિવારને જો હું મારા હાથે બનાવેલી રસોઈ ન જમાડું તો તો મને સંતોષ જ ન થાય.  
આપણે ત્યાં દીકરી-સ્ત્રી સાથે એ જડતાપૂર્વકની માન્યતા ઘર કરી ગયેલી છે કે, રસોઈ બનાવતાં તો આવડવી જ જોઈએ. અતિશય પૈસાદાર લોકોમાં આવું કંઈ ખાસ જોવા નથી મળતું. આપણે ત્યાં આવા વર્ગની ટકાવારી બહુ ઓછી છે. બાકીના બધાં જ લોકો રસોઈ બનાવનારા પરિવારની કેટેગરીમાં આવી જાય છે. ઘણાં ઘરોમાં તો રસોઈ કરવાવાળા પોસાતાં નથી હોતાં તો પણ એમને પગાર દઈને રાખવામાં આવે છે. રસોઈ બનાવવાની આળસથી માંડીને રસોઈ કરવી એ અઘરું કામ છે આવી અનેક માન્યતાઓ આ ઘરોમાં જીવતી હોય છે.  
રસોઈ બનાવતાં આવડવી જોઈએ કે નહીં એ દરેક પરિવારની મુનસફી પર આધારિત છે. પણ રસોઈ બનાવતાં ન આવડતી હોય એ કંઈ ખોડ કે ખામી તો નથી જ. દીકરીની જાત છે અને એને રસોઈમાં ખબર પડવી જ જોઈએ એ વાત હવે બધાંને ગળે ઉતરતી નથી. નથી રસોઈ બનાવતાં આવડતું… ઈટ્સ ઓકે. એવો ટ્રેન્ડ સ્વીકારી લેવામાં ખોટું શું છે? આખરે બધાંને બધું જ આવડે એવું જરુરી તો નથીને?