Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NCC ની મોટરસાયકલ રેલી યુવાનોમાં સેવા, સમર્પણ અને દેશપ્રેમનો ભાવ વધુ દ્રઢ કરશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

12:22 AM Apr 27, 2023 | Vipul Pandya

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દાંડીથી દિલ્હી સુધીની NCC કેડેટ્સની આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતિકરૂપે 1300 કિલોમીટરની જાવા-યેઝ્દી મોટરસાયકલ રેલીમાં ભાગ લઈ રહેલા NCC કેડેટ્સને દાંડીમાં તૈયાર થયેલું મીઠું અને બાયસેગ દ્વારા તૈયાર કરાયેલા NCC ના સોફ્ટવેરની સીડી અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ રેલી યુવાનોમાં દેશ પ્રત્યે સેવા અને સમર્પણનો ભાવ વધુ દ્રઢ કરશે. જે દેશના યુવાનોમાં દેશપ્રેમ અને એકતાની ભાવના હોય એ દેશ પ્રગતિના ઉન્નત શિખર સર કરે છે.
સ્થાપનાના 75 માં વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત, દાદરા-નગર હવેલી, દમણ અને દીવના NCC નિદેશાલય દ્વારા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. સાયકલ રેલીના NCC કેડેટ્સ દાંડી પહોંચ્યા હતા, જ્યાં દાંડીથી દિલ્હી સુધીની મોટરસાયકલ રેલીના કેડેટ્સ જોડાયા હતા અને દાંડીમાં NCC ના આ યુવાનોએ મીઠું બનાવ્યું હતું. ગુજરાતના ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મટિક્સ-બાયસેગ દ્વારા NCC નું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં  મીઠું અને સોફ્ટવેર NCC કેડેટ્સને અર્પણ કર્યા હતા. સોલ્ટ અને સોફ્ટવેર લઈને 30 કેડેટ્સ મોટરસાયકલ રેલી રૂપે નવી દિલ્હી પહોંચશે અને તારીખ 28મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આ સોલ્ટ અને સોફ્ટવેર અર્પણ કરશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીએ દાંડીમાં નમક સત્યાગ્રહ કર્યો જે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં સીમાચિન્હ સાબિત થયો. તે સમયે ભારતમાં એક સોય પણ બનતી ન હતી. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યું છે. યુવાનો લાખો સ્ટાર્ટઅપ સાથે આવી રહ્યા છે. દીકરીઓ ફાઈટર પ્લેન સાથે દેશની રક્ષામાં તૈનાત છે. જહાજથી લઈને હવાઈ જહાજ દેશમાં બની રહ્યા છે. સોફ્ટવેર નિર્માણમાં ભારત વિશ્વના શિખરે છે અને આજે પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. આત્મનિર્ભર ભારતે સૉલ્ટથી સોફ્ટવેર સુધી ચૌદિશામાં વિકાસ કર્યો છે ત્યારે NCC ના યુવાનો આ સંદેશા સાથે મોટરસાયકલ રેલી રૂપે જ્યાં-જ્યાં પણ જશે ત્યાંના યુવાનોમાં નવી ચેતના, નવી સ્ફૂર્તિ અને નવા જોશનો સંચાર કરશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, NCC કેડેટ્સ અને NCC ની પ્રવૃત્તિઓ અન્ય યુવાનોમાં કર્તવ્ય, સેવા, સમર્પણ અને દેશભક્તિનો ભાવ વધુ દ્રઢ કરવા માટે મહત્વનું માધ્યમ છે. સામાજિક જવાબદારીઓના વિવિધ કાર્યોમાં NCC એ યુવા પેઢીને હંમેશા પ્રેરણા આપી છે. દાંડીથી નીકળેલી આ મોટરસાયકલ રેલી પણ દિલ્હી સુધીના માર્ગમાં એકતા અને અખંડતાની ભાવના વધુ મજબૂત બનાવશે એવી અભ્યર્થના વ્યક્ત કરતાં તેમને NCC કેડેટ્સને શુભકામનાઓ આપી હતી.
આ પ્રસંગે NCC ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂર, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, બાયસેગના ઉપ મહાનિદેશક વિનય ઠાકુર, NCC ના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એન. કે. રાયજાદા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.