Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે, કોંગ્રેસી ધારાસભ્યોનું મોટું નિવેદન, આવતા અઠવાડીયે જાહેરાત થઇ શકે

01:18 AM May 18, 2023 | Vipul Pandya

પાટીદાર અગ્રણી નરેશ પટેલને લઇને ચાલતી અટકળોનો હવે ટૂંક સમયમાં જ અંત આવી શકે છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જે પ્રમાણે નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવાનું લગભગ પાક્કું છે. આ વાત કોંગ્રેસના જ ધારાસભ્યો દ્વારા કહેવામાં આવી છે. આજે એટલે કે સોમવારે નરેશ પટેલ સાથે ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યો દિલહી પહોંચ્યા હતા. જ્યાં પ્રશાંત કિશોરની હાજરીમાં તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક કરી હતી.
નરેશ પટેલ સાથે દિલ્હી ગયેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોમાં  પ્રતાપ દુધાત, લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલનો સમાવેશ થાય છે. જેમણે કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલ સાથે લગભગ ત્રણ કલાક સુધીની મેરેથોન બેઠક કરી હતી. જેમાં નરેશ પટેલ અને પ્રશાંત કિશોર પણ હાજર હતા. ત્યારે હવે આ ચારેય કોંગી ધારાસભ્યો હવે પરત ગુજરાત પહોંચ્યા છે. વડોદરા એરપોર્ટ પર આવેલા કોંગી ધારાસભ્યએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે નરેશ પટેલ આવતા અઠવાડીયે કોંગ્રેસમાં જોડાઇ શકે છે.
શું કહ્યું પ્રતાપ દૂધાતે?
છેલ્લા ત્રણેક મહિનાથી નરેશભાઇ કઇ પાર્ટીમાં જોડાશે તેની ઘણી બધી વાતો થઇ. સારા માણસ રાજકારણમાં આવે તેના પ્રયાસરુપે અમે ચારેય ધારાસભ્યોએ નરેશભાઇ સાથે વાર્તાલાપ કરી હાઇકમાન્ડ સાથે વાત કરવાનો એક પ્રયાસ કર્યો છે. વાતચીત બહુ સારી રહી છે. આવનારા એકાદ અઠવાડીયામાં આ વસ્તુનો અંત આવી જશે. ખુદ નરેશભાઇ અને અમારુ હાઇકમાન્ડ જ આવનારા દિવસોમાં ક્યા પ્રકારનું ડિકલરેશન થશે તે જાહેર કરશે.
પ્રતાપ દૂધાતને જ્યારે પૂછવાનમાં આવ્યું કે તમારી વાત પરથી એવું લાગે છે કે નરેશભાઇ કોંગ્રેસમાં જ આવી રહ્યા છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે જે પ્રમાણે મીટીંગ થઇ છે, જે પ્રમાણે અમે મળીએ છીએ, જે પ્રમાણે અમે હાઇકમાન્ડ સાથે આજે ત્રણેક કલાક વાત થઇ છે તે પ્રમાણે અમને વિશ્વાસ છે કે નરેશભાઇ કોંગ્રેસ સાથે જોડાશે. 
આટલું બધું મોડું કેમ થઇ રહ્યું છે?
આ સવાલના જવાબમાં પ્રતાપ દૂધાતે કહ્યું કે જાગ્યા ત્યાંથી સવાર. આ કોઇ નાની વાત તો નથી. તેઓ સામાજિક અગ્રણી છે, કોઇ નાની વ્યક્તિ નથી. એ વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રમાણનું છે કે નિર્ણય લેતા પહેલા સો વખત વિચારવું જોઇએ. નિર્ણય લીધા પછી બેકફૂટ પર ના આવવું પડે તે જોવું પડે માટે લેઇટ થયું છે. નરેશ પટેલ જ્યારે પણ કોંગ્રેસમાં જોડાશે ત્યારે અમદાવાદ અથવા તો ગાંઘીનગરમાં જોડાશે. 
નરેશભાઇ કોંગ્રેસમાં આવે તે માટેના અમારા પ્રયત્નો 
તો નરેશ પટેલની જ સાથે દિલ્હી ગયેલા કોંગી ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે અત્યારના સમયમાં ગુજરાત અને દેશમાં કોંગ્રેસની જરુર છે. કોંગ્રેસ પાર્ટીના ભાગરુપે અમે અમારા હાઇકમાન્ડ સાથે વાત કરીને નરેશભાઇ વહેલામાં વહેલા કોંગ્રેસમાં આવે તે માટેના અમારા પ્રયત્નો છે. જે માટે અમારાથી બનતા તમામ પ્રયત્નો અમે કરીએ છીએ. આજે ગુજરાતમાં જે રીતે યુવાનો બેકારી તરફ જઇ રહ્યા છે, જે રીતે નોકરીયાત વર્ગને આંદોલન કરવું પડે છે, જે રીતે ખેડૂતો પાયમાલ છે, મોંઘવારીએ માઝા મૂકા છે. આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત માટે નરેશભાઇ આવે અને આ તમામ સમસ્યાનું નિરાકરણ આવે તેવું હું ઇચ્છુ છું. કોંગ્રેસ પાર્ટી હકારાત્મક રીતે નરેશભાઇને લેવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે.