Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડને મળ્યાની વાતથી નરેશ પટેલનો ઇનકાર, કહ્યું –દસ દિવસમાં નિર્ણય કરીશ

02:44 PM Apr 27, 2023 | Vipul Pandya

પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમને નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને અનેક અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે તેઓ મગનું નામ મરી નથી પાડી રહ્યા. દર વખતે એક જ જવાબ આપે છે કે સમય આવશે ત્યારે જણાવીશ. આ બધા વચ્ચે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તેમાં પણ ગઇ કાલે સાંજે તો કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના નિવેદન બાદ તો એવું જ લાગતું હતું કે દિલ્હીમાં નરેશ પટેલ અને કોંગ્રેસ હાઇકમાન્ડ વચ્ચે બધું નક્કી થઇ ગયું છે. જો કે હવે ફરી એક વખત નરેશ પટેલે કંઇક અલગ જ વાત કરી છે. 
ગઇકાલે એવી વાત સામે આવી હતી કે દિલ્હી પહોંચેલા નરેશ પટેલ સાથે ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યો પણ હતા. જેઓ તમામ લોકો પ્રશાંત કિશોરની હાજરીમાં કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલને મળ્યા છે. ગઇ કાલે સાંજે દિલ્હીથી વડોદરા એરપોર્ટ પહોંચેલા પ્રતાપ દૂધાતે પણ આ વાતનું સમર્થન કર્યુ હતું. જો કે હવે નરેશ પટેલે આ વાતને સંપૂર્ણ રદિયો આપ્યો છે. તેમણે કોંગ્રેસના ચાર ધારાસભ્યોને મળ્યાની વાત સ્વીકારી છે, પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે વાત કરી હોવાનો ઇનકાર કર્યો છે. જેના કારણે ફરી વખત અનેક સવાલો ઉભા થયા છે.
નરેશ પટેલે શું કહ્યું?
આજે રાજકોટ એરપોર્ટ પર પહોંચેલા નરેશ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ગઇ કાલે હું દિલ્હી ગયો, ત્યારે પ્રતાપ દૂધાત, લલિતભઆઇ વગેરે મારી સાથે હતા. અમારે રસ્તામાં ચર્ચા થઇ, વિમાનમાં ચર્ચા થઇ. ત્યાંથ હું બનારસ ગયો, બનારસથી આજે મુંબઇ આવ્યો અને ત્યાંથી અત્યારે રાજકોટ આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો સાથે ગઇ કાલે રાજકોટ એરપોર્ટ પર પણ મુલાકાત થઇ અને દિલ્હી એરપોર્ટ પર પણ અમે ઘણીવાર સાથે બેઠા હતા.  કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક અંગેના સવાલમાં તેમણે કહ્યું કે મારે આવી કોઇ બેઠક નથી થઇ, કદાચ તે લોકોને થઇ હશે. તેઓ આજે પણ દાહોદમાં રાહુલ ગાંધીને મળવાના હતા અને ચર્ચા કરવાના હતા. હજુ મારા સુધી કોઇ સંદેશ આવ્યો નથી કે કોઇએ મારો સંપર્ક કર્યો નથી. 
આગામી દસ દિવસમાં નિર્ણય કરીશ
હવે ટૂંક સમયમાં મારા નિર્ણય અંગે હું જાણ કરીશ. આગામી દસ દિવસમાં આ વાતનો અંત આવી જશે. ખોડલધામના સર્વે અંગેની વાત પર તેમણે કહ્યું કે અમારો સર્વે શનિવાર સુધીમાં પુરો થશે. સર્વેમાં યુવાનો અને બહેનો મને ખૂબ લાગણીપૂર્વક કહે છે કે આપે રાજકારણમાં જવું જોઇએ, જ્યારે વડીલોને થોડી ચિંતા છે કે તમારે ના જવું જોઇએ.
પ્રતાપ દૂધાતે શું કહ્યું હતું?
સારા માણસ રાજકારણમાં આવે તેના પ્રયાસરુપે અમે ચારેય ધારાસભ્યોએ નરેશભાઇ સાથે વાર્તાલાપ કરી હાઇકમાન્ડ સાથે વાત કરવાનો એક પ્રયાસ કર્યો છે. વાતચીત બહુ સારી રહી છે. આવનારા એકાદ અઠવાડીયામાં આ વસ્તુનો અંત આવી જશે. ખુદ નરેશભાઇ અને અમારુ હાઇકમાન્ડ જ આવનારા દિવસોમાં ક્યા પ્રકારનું ડિકલરેશન થશે તે જાહેર કરશે. પ્રતાપ દૂધાતને જ્યારે પૂછવાનમાં આવ્યું કે તમારી વાત પરથી એવું લાગે છે કે નરેશભાઇ કોંગ્રેસમાં જ આવી રહ્યા છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે જે પ્રમાણે મીટીંગ થઇ છે, જે પ્રમાણે અમે મળીએ છીએ, જે પ્રમાણે અમે હાઇકમાન્ડ સાથે આજે ત્રણેક કલાક વાત થઇ છે તે પ્રમાણે અમને વિશ્વાસ છે કે નરેશભાઇ કોંગ્રેસ સાથે જોડાશે.