Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રેમમાં પાગલ બની માતા…. ત્રણ બાળકો થયા નોંઘારા

11:23 PM Apr 16, 2023 | Vipul Pandya

વર્ષ 2017ની સાલ અમદાવાદ શહેર પોલીસ વિભાગ માટે ખૂબ જ આકરી રહી હતી કારણકે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાનું નામ જ આ વર્ષમાં ન હોતો લેતો. આવા સમયમાં ડિસેમ્બર મહિનો પૂરો થવાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા વિસ્તારમાં સદાની ધાબી વિસ્તાર આવેલો છે.  નાના મોટા કેટલાક ગુનેગારો આ વિસ્તારમાં રહે છે. 

29 ડિસેમ્બર 2017ની સાલમાં શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો. જેમાં સામે છેડેથી એક શખ્સે જાણ કરી કે વટવા સદાની ધાબી પાસે આવેલા અવાવરુ જગ્યામાં એક યુવકની લાશ કોથળામાં પડેલી છે. કારણકે પોલીસ કંટ્રોલ રૂમને મળેલા કોલના પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે તપાસ માટે દોડી આવ્યા હતા. દુર્ગંધ મારી રહેલી આ ડેડબોડી નજરે જોતા એવા કોઈ ઈજાઓના નિશાન દેખાયા ન હતા. ડેડ બોડીને વટવા પોલીસે પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક કરતા વધુ ટીમો પણ તપાસ માટે બનાવના સ્થળે આવી ચૂકી હતી.
શરૂઆતમાં સ્થાનિક પોલીસે જરૂરી તમામ પ્રયાસો ગુનો ભેદ ઉકેલવામાં માટે કર્યા હતા પરંતુ કોઈ કારણોસર સ્થાનિક પોલીસના હાથ ગુનેગારો સુધી પહોંચી ન શક્યા. બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ પોતાની રીતે તપાસ કરી રહી હતી. તેજ રીતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક પીએસઆઈ પણ પોતાની રીતે આ કેસ ઉપર કામ કરી રહ્યા હતા. સ્વભાવે શાંત પ્રકૃતિના આ અધિકારી માટે તો કેટલાક ગુનેગારો તેમને સિંઘમ નામના હુલામણાથી પણ બોલાવે છે. આમ તો આ PSI ના વિશ્વસનીય બાતમીદારનો નેટવર્ક ખુબ જ બહોળું છે. આ બાબત પોલીસ વિભાગમાં તેમના સાથી પોલીસ કર્મીઓ પણ જાણે છે. વટવા વિસ્તારમાં એક એક વ્યક્તિની લાશ કોથળામાં મળી આવી હતી તેના આરોપીઓને શોધી કાઢવા માટે થઈને સ્થાનિક પોલીસ અથાગ પ્રયોસો કરી રહી હતી પરંતુ આરોપીઓ સુધીની કોઈ જ ભાળ મળતી ન હતી. આજ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક PSI જે પોતે આ કેસની તપાસમાં જોતરાયેલા હતા. 
વિશ્વાસનીય બાતમીદારોનું નેટવર્ક ધરાવનારા આ અધિકારી અગાઉ વટવા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવી ચૂકેલા હતા માટે વટવા વિસ્તારથી તેઓ ખૂબ સારી રીતે જાણકાર હતા અને આ વિસ્તારમાં તેમના મોટાભાગના હિતેચ્છુઓ પણ રહેતા હતા. જેથી કરીને સૌથી પહેલા તો આ લાશની ઓળખ થવી એ ખૂબ જ જરૂરી હતી અને બનાવ બન્યો એના થોડાક દિવસો બાદમાં આ અધિકારીના બાતમીદારનો ફોન તેમની પર આવ્યો હતો અને કહ્યું કે સાહેબ હમણાં થોડા દિવસો અગાઉ આપણા વિસ્તારમાં જે ડેડબોડી કોથળામાં મળી હતી ત્યાં નવું વટવા પોલીસ સ્ટેશન બન્યું છે તેની પાસે ઓમ શાંતિનગર આવેલું છે.  આ વ્યક્તિ તેની પત્ની અને ત્રણ બાળકો સાથે ભાડે રહેતો હતો. કોર્પોરેશન વિભાગમાં ટ્રેક્ટર ચલાવતો હતો. પણ થોડા દિવસોથી તેની પત્ની અને બાળકો દેખાતા નથી. સાહેબ બસ અત્યારે તો આટલી જ માહિતી આવી છે. ફોન પર બીજા છેડે અધિકારીએ કહ્યું કોઈ વાંધો નથી આટલી વિગતો બહુ છે રાત્રે મળીએ તેવું કહીને ફોન કટ કરી દીધો.
અહીંયા રાત્રે મળવાની વાત એટલા માટે કરી કે બાતમીદારને દરેક બાતમીનું ચોક્કસ ઇનામ આપવું જ જોઈએ તેવી વાતને ખૂબ જ ભારપૂર્વક માનનારા આ અધિકારી હતા માટે તેમનું બાતમીદારનું નેટવર્ક ખૂબ જ મજબૂત અને વિશ્વાસનીય હતું. બાદમાં આ PSI પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળીને પોતાની ખાનગી ગાડી લઈને એકલા વટવા ઓમ શાંતિનગર પહોંચી ગયા. આસપાસમાં રહેતા લોકોની સાથે પૂછપરછ કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારે હત્યા થયેલ વ્યક્તિ અને તેની પત્નીનું નામઠામ ખબર પડી. મકાન ભાડે હોવાથી મકાન માલિકને પણ ઓમ શાંતિનગર બોલાવ્યો. તેની સાથે વાતચીત શરુ કરી દીધી હતી. જેમાં આ અધિકારીને ખ્યાલ આવ્યો કે બનાવની મોડી રાત્રે જ મહિલા તેના ત્રણેય બાળકો અને સમાન લઈને નીકળી ગયા હતા અને કોઈ ભાઈએ મને મારા મકાનની ચાવી મને આપી હતી સાહેબ બસ આટલું બોલતાની સાથે જ અધિકારીના મનમાં તમામ ઘટનાક્રમ સમજાઈ ગયો. એક વાત નક્કી થઇ ગઈ કે આ હત્યા પ્રેમપ્રકરણ અથવા તો કોઈ પૈસાની બાબતમાં થઇ છે. 
બાદમાં PSI મકાન માલિકને પાછા જવાનું કહી દીધું. આટલી માહિતી લઈને તેઓ પાછા ક્રાઈમ બ્રાંચ આવી ગયા અને રાત્રે પોતાના બાતમીદારને મળવા તો બોલાવ્યો જ હતો તેણે આપેલી બાતમીથી ઘણી બધી કડીઓ ખૂલી ગઈ હતી જેથી પોતાના બાતમીદારને ગળે લગાવીને તેના ખિસ્સામાં ચોક્કસ રકમ મૂકી દીધી. પછી કહ્યું કે હવે સાંભળ હજુ પણ મારે આ કેસમાં વધુ વિગતો જોઈએ છે. તું હજુ પણ આ લોકોની વિગતો મેળવતો રહેજે અને બાતમીદારે પણ પોતાના મળેલા ઈનામથી ખુશ થઇ ગયો હતો અને કહ્યું કે “સાહેબ આપ કે લિયે તો જાન ભી હાજર હે, આપ સિર્ફ અવાજ તો કરો”  એટલે અધિકારીએ હસતાં હસતાં કહ્યું કે,  જાન નહિ ચાહિયે મગર મુજે ઓર ઇન્ફોર્મેશન ચાહિયે બાતમીદારે સલામ કરીને કહ્યું સાહેબ આપકા કામ હો જાયેગા
બીજા દિવસે સવારે રાબેતા મુજબ ક્રાઈમ બ્રાંચ પહોંચીને રૂટિન પોલીસીંગનું કામ કરી રહ્યા હતા આ અધિકારી અને બપોરે જમ્યા બાદ થોડો આરામ કરતા કરતા આ PSI સમગ્ર કેસની કડીઓને ગોઠવતા હતા અને પોતાની એક અંગત ડાયરીમાં અમુક બાબતો લખી રહ્યા હતા. બનાવ ક્યારે બન્યો હતો અને બનાવ બાદની તપાસની શરૂઆત અને બાતમીદારે શું કહ્યું જેવી અલગ અલગ બાબતો ડાયરીમાં લખી રહ્યા હતા. આ આદત પણ ખૂબ જ સારી છે કારણકે ગુજરાતીમાં કહેવત છે ને કે “લખેલું હંમેશાં વંચાય અને દેખાય પણ છે”.  આમ તો આવી બધી બાબતોની ટ્રેનિંગ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં આપવામાં આવતી નથી પરંતુ આ ટ્રેનિંગ PSIને પોતાના પિતાજી તરફથી મળેલી હતી. કારણકે તેમના પિતા પણ પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા હતા. વયમર્યાદા પૂર્ણ થતા તેઓ નિવૃત થયા હતા અને ડાયરીમાં મેન્ટેઇન કરવી જેવી બીજી ઘણી બાબતો જે આમ તો જોવામાં અને વાત કરવામાં ઘણી જ સામન્ય લાગતી હોય પરંતુ ખુબ જ ફાયદાકારક નીવડતી હોય છે. આવી કેટલીક બાબતોની સૂઝ આ અધિકારીને તેમના પિતાજી પાસેથી શીખવા મળી હતી.લગભગ બપોરના ત્રણેક વાગ્યા હશે આ એ અધિકારી તમામ  વિગતો પોતાની ડાયરીમાં લખીને સહેજ આરામ કરવા માટે ખુરશી પાછળની તરફ ખેંચીને આંખો બંધ કરીને બેઠા હતા. ત્યાં જ તેમનો ફોન રણક્યો અને એ જ અજાણ્યા નંબર પરથી કોલ આવેલો હતો. ફોન ઉપાડતાની સાથે જ ફોન પર બીજા છેડે રહેલા વ્યક્તિએ પોતાનું નામ આપીને કહ્યું કે, સાહેબ વટવાથી બોલું છે. તમે જે કામ સોપ્યું છે તે થઇ ગયું છે. તમે જે મહિલા અને પુરુષને શોધી રહ્યા છો તે એસ.ટી ગીતામંદિર ખાતે બાંકડા પર બેઠલા છે. સાહેબ, તમે તાત્કાલિક આવો. એટલે PSI સહેજ કહ્યું કે તું નજર રાખીને બેસજે હું આવું જ છું. તાત્કાલિક આ PSIના શરીરમાં જાણ કે એક વેગવંતો કરંટ આવ્યો હોય તેમાં તરત જ ખુરશીમાંથી ઉભા થઈને ચેમ્બરમાંથી બહાર નીકળ્યા. પોતાની સ્ક્વોડના અન્ય કોન્સ્ટેબલોને કહ્યું, આપણે અત્યારે જ ગીતામંદિર જવું પડશે. એક આરોપીની બાતમી છે આટલું સાંભળતાની સાથે જ પોતાના તમામ લોકો જી સર કહીને ઉભા થઇ ગયા અને પીએસાઈ પોતાની ગાડીમાં બે કોન્સ્ટેબલોને લઈને નીકળી ગયા. કોઈપણ જગ્યાએ આરોપીઓ નાસી જાય તો સરળતાથી પીછો કરી શકાય તે માટે અન્ય કોન્સ્ટેબલો બાઈક પર આવ્યા. ક્રાઈમબ્રાંચથી એસ.ટી બસ સ્ટેન્ડ ખૂબ જ નજીક આવેલું છે માટે ગણતરીની મિનિટોમાં PSI પોતાની સ્ક્વોડ સાથે પહોંચી ગયા. બાતમીવાળી જગ્યાથી થોડા અંતરે ઉભા રહીને PSIએ પોતાના બાતમીદારને બોલાવ્યો. પૂછ્યું કે, ક્યાં છે આરોપીઓ? ત્યારે હાથના ઈશારાથી બાતમીદારે આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. બાદમાં ચારેય બાજુથી કોર્ડન કરીને મહિલા અને પુરુષ એમ કુલ બે આરોપીઓને ધરપકડ કરીને ક્રાઈમ બ્રાંચ ખાતે કઈ આવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં લાવ્યા બાદમાં મહિલા અને તેની સાથે રહેલા બાળકોને અલગ કરીને બેસાડવામાં આવ્યા હતા.  મહિલા સાથે જે વ્યક્તિ પકડાયો હતો તેની સૌથી પહેલા પૂછપરછ શરુ કરવામાં આવી. થોડીક આગવી ઢબે આગતા સ્વાગતા કરતાની સાથે જ ભાંગી પડેલા અજીબસિંગ ઉર્ફે અજય જાટવે કબૂલાત કરતા કહ્યું કે, સાહેબ અમારે બંનેને છેલ્લા બે વર્ષથી પ્રેમ સબંધ હતો અને તેનો પતિ ઘરે હાજર ના હોય ત્યારે હું આ પપીતાના ઘરે પણ અવાર-નવાર આવતો જતો હતો. એક વખત હું તેના ઘરે હાજર હતો અને અચાનક તેનો પતિ ઘરે આવી ગયો હતો અને તે દિવસે મારા મનમાં એકા એક ધ્રાસકો પણ પડ્યો હતો. બાદમાં અમારા ત્રણેય જણા વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો હતો માથાકૂટ થતા હું ઘરમાંથી ભાગી ગયો હતો. બાદમાં મારા નીકળ્યા બાદ પપીતા અને તેના પતિ વચ્ચે પણ ખૂબ જ બોલાચાલી થઇ હતી.  પપીતા પોતાના ત્રણેય બાળકોને લઈને ઘરમાંથી નીકળી ગઈ હતી.  બીજા દિવસે અજબસિંગના મોબાઈલ નંબર પર એક કોલ આવ્યો. ફોન ઉપડતાની સાથે જ પપીતા બોલું છું, હું આગ્રા આવી ગઈ છું. મારા બાળકોને સાથે લઈને.  તું પણ આગ્રા આવી જા. આટલું બોલીને ફોન કરી દીધો અને અજીબસિંગ બીજા દિવસે આગ્રા પહોંચી ગયો.  ખાસી સમજાવટ બાદ અજીબસિંગ પપીતાને લઈને તેના પતિના ઘરે આવી ગયો. બંને વચ્ચે સમધાન કરાવી આપ્યું.  પરંતુ આ સમાધાન પાછળ મલીન ઈરાદો કામ કરતા હતા તેની ગંધ આવી ન હતી. આ વખતે પપીતાના પતિએ અજીબસિંગ જોડે એક માફીપત્ર લખાવ્યો કે, અમારી બંને વચ્ચે આજ પછી કોઈ સબંધ નથી. ભવિષ્યમાં અમે બંને એક બીજા સાથે કોઈ સંપર્ક કરીશું નહીં. જેની એક કોપી તેણે પોતાની પાસે રાખી હતી અને બીજી કોપી મને આપી હતી. બાદમાં હું ગાંધીધામ જવ છું તેમ કહીને નીકળી ગયો હતો. પરતું નારોલની જ એક હોટલમાં રોકાઈ ગયો હતો અને રાત્રિના સમયે મારા મોબાઈલમાં પપીતાના મોબાઈલમાં નંબર પરથી મેસેજ આવ્યો હતો અને અમારા બંને વચ્ચે વાતચીત થવા લાગી હતી
વાતચીત દરમિયાન પપીતાએ પોતાના પ્રેમીને કહ્યું, મેં મારા પતિને મનાવી લીધો છે કે તું મારી સાથે રહી શકીશ. માટે તું અહીંયા મારા ઘરે આવી જા. આટલું સંભાળતાની સાથે જ ૨૨ વર્ષીય નવયુવાનના મનમાં જાણે કે એક થનગનાટ થયો. બીજા દિવસે સીધો જ પોતાની પ્રેમિકાના ઘરે પહોંચી ગયો. લગભગ આ સિલસિલો ચારેક દિવસ ચાલ્યો હતો. એક દિવસ એટલે કે નવેમ્બર મહિનાની 29મી તારીખના રોજ રાબેતા મુજબ બધા જમીને બેઠા હતા. બાદમાં ત્રણેય જણાએ દારૂનો નશો પણ કર્યો હતો જેમાં અજીબસિંગ ઉર્ફે અજયે પપીતાના પતિ જનવેદને વધારે દારુ પીવડાવી દીધો. બાદમાં ત્રણેય વચ્ચે ઝઘડો થયો હતો અને આ સમયે અજીબસિંગે પપીતાની હાજરીમાં જનવેદ સાથે અપ્રાકૃતિક શારીરિક સબંધ પણ બાંધ્યો. આ કબૂલાત તેણે ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં કરી. આ સંભાળતાની સાથે જ હાજર PSIના હોશ ઉડી ગયા હતા. પરંતુ, બન્ને પ્રેમીપંખીડા આરોપીઓના ચેહરા પર પસ્તાવો કે અફસોસની એક લકીર પણ જોવા મળી ન હતી.

આ રાતની વાત આગળ વધી. અઢી વાગી ચૂક્યા હતા અને ગાળાગાળીનો અવાજ અને બૂમો પણ જોરજોરથી બોલવામાં આવતી હતી જેના કારણે બીજા રૂમાં સૂઈ રહેલા ત્રણેય બાળકો પણ જાગી ગયા હતા. બાળકો જાગી જતા આ ત્રણેય લોકો શાંત પડ્યા હતા. પપીતાએ ત્રણેય બાળકોને સૂવડાવી દીધા. બાદમાં અજીબસિંગે જનવેદ પાસે આગ્રાના ખર્ચના રૂપિયા માંગતા જનવેદે રૂપિયા તરતજ આપી દીધા. બાદમાં પણ પપીતા અને તેના પતિ વચ્ચે પાછો ઝઘડો થયો હતો.  આ બીજી વખતનો ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો જેમાં અજીબસિંગે પપીતાના પતિની બનિયાન લઈને જનવેદના ગળે લપેટીને દબાવી દીધી. આક્રોશમાં આવેલી પપીતાએ પોતાના જ પતિના પગ પકડી રાખ્યા. આ રીતે જનવેદને મોતને ઘાટ ઉતારી દીધો.  

બાદમાં લાશને સગેવગે કરવા માટે પપીતા ઘરમાંથી એક કોથળો લાવી અને પતિની લાશને એક કોથળામાં ભરી. અજીબસિંગે લાશ ભરેલો કોથળો ઉંચક્યો પણ એનાથી લાશ ન ઉપડી એટલે પપીતાએ એને મદદ કરી. ત્રણ બાળકોની માતાએ પ્રેમમાં પાગલ થઈને પોતના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો અને પોતના જ ત્રણેય બાળકોને અનાથ કરી મૂક્યા. આ તમામ કેફિયત સાંભળી રહેલા PSIએ ઊંડો શ્વાસ ભરીને કહ્યું કે, સાંભળ્યું હતું કે પ્રેમ આંધળો હોય છે.  પાગલ હોય છે પણ આજે જોઈ પણ લીધું અને સાંભળી પણ લીધું. આટલું બોલીને PSI પોતાની ખુરશીમાંથી ઉભા થયા અને બોલ્યા પોતાના રાઈટરને કહ્યું કે, બન્ને પ્રેમીપંખીડાઓ તો હવે સેન્ટ્રલ જેલમાં હવા ખવડાવો. ત્રણેય બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપજો.