Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહારાષ્ટ્ર સરકારના વધુ એક મંત્રી EDની રડારમાં, અનિલ પરબના સાત સ્થળો પર દરોડા

06:34 PM Apr 27, 2023 | Vipul Pandya

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને લઘુમતી મંત્રી નવાબ મલિક બાદ હવે પરિવહનમંત્રી અનિલ પરબ EDની રડારમાં છે. EDએ પરબના સાત સ્થળો પર દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રના વધુ એક મંત્રી વિવાદમાં ફસાયા છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના દરિયાકાંઠાના દાપોલી વિસ્તારમાં જમીન સોદામાં કથિત અનિયમિતતાના આરોપમાં મહારાષ્ટ્રના પરિવહનમંત્રી અનિલ પરબના સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.

EDએ મુંબઈ અને પુણેમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા છે. ED દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ નવો કેસ નોંધાયા બાદ દાપોલી, મુંબઈ અને પુણેના સ્થળો પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. 57 વર્ષીય પરબ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ત્રણ વખત શિવસેનાના ધારાસભ્ય અને રાજ્યના પરિવહન મંત્રી છે. 
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી 2017માં પરબ દ્વારા 1 કરોડ રૂપિયામાં દાપોલીમાં જમીનના પાર્સલ ખરીદવાના આરોપો સાથે સંબંધિત છે. પરંતુ તે 2019માં નોંધવામાં આવી હતી. એજન્સી દ્વારા અન્ય કેટલાક આરોપોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપ છે કે બાદમાં આ જમીન મુંબઈના કેબલ ઓપરેટર સદાનંદ કદમને 2020માં 1.10 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી.  આ જમીન પર 2017થી 2020 દરમિયાન એક રિસોર્ટ બનાવવામાં આવ્યો હતો.
આવકવેરા વિભાગની તપાસમાં અગાઉ એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રિસોર્ટનું બાંધકામ 2017માં શરૂ થયું હતું અને રિસોર્ટના નિર્માણ પાછળ 6 કરોડ રૂપિયાથી વધુ રોકડ ખર્ચ કરવામાં આવ્યો હતો. પૂર્વ મંત્રી અનિલ દેશમુખ સાથે સંકળાયેલા અન્ય મની લોન્ડરિંગ કેસમાં ED પહેલાથી જ પરબની પૂછપરછ કરી ચૂકી છે.
આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ ઉદ્ધવ સરકારના બે મંત્રીઓ સામે સકંજો કસ્યો હતો. તેમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને લઘુમતી મંત્રી નવાબ મલિકનો સમાવેશ થાય છે.