Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મતદાનનો બહિષ્કાર! 20 ધારાસભ્યો સહિત લાખો લોકોએ મતદાન ન કર્યું, 6 જિલ્લામાં 1 પણ મત નહી

08:48 PM Apr 19, 2024 | KRUTARTH JOSHI

કોહિમા : લોકસભા ચૂંટણી (Lok Sabha 2024) નું આજે પ્રથમ તબક્કાનું મતદાન હતું. જે અંગે નાગાલેન્ડના (Nagaland)છ પૂર્વી જિલ્લાઓમાં મતદાન કર્મચારીઓ બુથ પર 9 કલાક સુધી રાહ જોતા રહ્યા. જોકે આ વિસ્તારના કુલ 4 લાખ મતદાતાઓમાંથી એક પણ વ્યક્તિ મતદાન કરવા માટે આવ્યો નહોતો. ફ્રંટિયર નાગાલેન્ડ ક્ષેત્રની (Frontier Nagaland Territory) માંગ સાથે દબાણ કરવા માટે બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ (Neiphiu Rio) શુક્રવારે કહ્યું કે, રાજ્ય સરકારને ઇસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઇઝેશનની (Eastern Nagaland People’s Organisation) એફએનટીની માંગ સાથે કોઇ સમસ્યા નથી, કારણ કે તેઓ પહેલા જ આ ક્ષેત્રની સ્વાયત્ત શક્તિઓની ભલામણ કરી ચુક્યા છે. ઇએનપીઓ પૂર્વી ક્ષેત્રના સાત આદિવાસી સંગઠનોનું સંયુક્ત સંગઠન છે.

નાગાલેન્ડના 6 જિલ્લામાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ

અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લા તંત્ર અને અન્ય ઇમરજન્સી સેવાઓને છોડીને પૂર્વી નાગાલેન્ડના રસ્તાઓ પર સામાન્ય લોકોની કોઇ જ અવર જવર થઇ નહોતી. સંપુર્ણ વિસ્તારમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઇ હતી. નાગાલેન્ડના મુખ્ય ચૂંટણી અધિકારી આવા લોરિંગે કહ્યું કે, વિસ્તારના 738 મતદાન કેન્દ્ર પર સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન કર્મચારીઓ હાજર હતા. જેમાં 20 વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. સીઇઓ કાર્યાલયના સુત્રોએ કહ્યું કે, તે 9 કલાકમાં એક પણ વ્યક્તિ મતદાન માટે આવ્યો નહોતો. સાથે જ 20 ધારાસભ્યોએ પણ પોતાના મતદાનનો પ્રયોગ કર્યો નહોતો.

લાખો મતદાતા પરંતુ એક પણ મત પડ્યો નહી

નાગાલેન્ડનાં 13.25 લાખ મતદાતાઓમાંથી પૂર્વી નાગાલેન્ડના 6 જિલ્લામાં 4,00,632 મતદાતાઓ છે. મુખ્યમંત્રીએ પ્રદેશની રાજધાનીથી આશરે 41 કિલોમીટર દુર તૌફેમાં ખાતે પોતાના ગામમાં મતદાન કર્યા બાદ કહ્યું કે, તેમણે એફએનટી માટે ડ્રાફ્ટ વર્કિંગ પેપર સ્વીકાર કરી લીધો છે, જે તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સોંપાયો હતો. તેમણે કહ્યું કે, ચૂંટાયેલા ધારાસભ્યો અને પ્રસ્તાવિત એફએનટીના સભ્યોને સત્તામાં ભાગીદારી ઉપરાંત બધુ જ યોગ્ય લાગી રહ્યું છે.

ENPO ની 6 જિલ્લાવાળા અલગ રાજ્યની માંગ

ઇએનપીઓ છ જિલ્લાના એક અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે. સાથે જ તેનો આરોપ છે કે, સરકારે આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક વિકાસ નથી કર્યો. જો કે મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર એક સ્વાયત્ત એકમની ભલામણ કરી ચુકી છે, જેના કારણે આ વિસ્તારને રાજ્યના બાકી હિસ્સાઓ તરફથી પુરતું આર્થિક પેકેજ મળી શકે.

20 ધારાસભ્યોએ નથી કર્યું મતદાન કાર્યવાહી થઇ શકે?

મતદાન નહી કરવા માટે પૂર્વી નાગાલેન્ડના 20 ધારાસભ્યો વિરુદ્ધ કોઇ કાર્યવાહી થઇ શકે તે અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે ટકરાવ નથી ઇચ્છતા. જોઇએ શું થાય છે. નાગાલેન્ડમાં લોકસભા ચૂંટણી શરૂ થયાના થોડા કલાકો પહેલા જ ઇએનપીઓએ ગુરૂવારે સાંજે 6 વાગ્યાથી રાજ્યના પૂર્વી હિસ્સામાં અનિશ્ચિતકાલીન બંધનું આહ્વાન કર્યું હતું. સાથે જ ચેતવણી પણ આપી હતી કે, કોઇ મતદાન કરવા જાય છે અને કાયદો વ્યસવ્થાની સ્થિતિ પેદા થાય છે તો તેની જવાબદારી મતદાતાની પોતાની રહેશે.