Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh : કૃષિ યુનિવર્સિટીમાં મિલેટ્સ મેળો યોજાયો

08:43 PM Oct 09, 2023 | Vipul Pandya

અહેવાલ–સાગર ઠાકર, જૂનાગઢ

  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મિલેટ્સ મેળો યોજાયો
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું આહ્વાન
  • યુનાઈટેડ નેશન દ્વારા મિલેટ વર્ષની કરાઈ રહી છે ઉજવણી
  • ખેડૂતો વધુમાં વધુ જાડા તૃણ ધાન્યોનું વાવેતર કરે
  • લોકો પોતાના ખોરાકમાં વધુમાં વધુ ઉપયોગ કરે તે હેતુ
  • લોકો ફરી સ્વાસ્થ્યપ્રદ ખોરાક તરફ વળે તે માટે આંતરરાષ્ટ્રીય મીલેટની ઉજવણી
  • જુવાર, બાજરો જેવા જુના ધાન્યો ભૂલી જવાથી પોષણ ઘટ્યું અને રોગોનું પ્રમાણ વધ્યું
  • 13 જેટલા સ્ટોલ્સના માધ્યમથી ખેડૂતોએ મેળવી ઉપયોગી જાણકારી

સ્વાદની લ્હાયમાં મનુષ્યએ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે તેમ કહેવું ખોટું નહીં ગણાય. વધતી જતી બિમારીઓ પણ તેની સાબિતી આપે છે. આ સ્થિતિમાં લોકો ફરી બાજરી, જુવાર, સાંબો જેવા તૃણધાન્ય એટલે કે મિલેટ્સ તરફ વળે અને ખેડૂતો પણ જાડા તૃણધાન્ય પાકોનું વાવેતર વધારે તેવા આશય સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મિલેટ મેળો યોજાયો હતો.

સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મીલેટસ્ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2023 ને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મીલેટસ્ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ખેતીવાડી વિભાગ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બિન સ્વાસ્થ્યપ્રદ ખાન પાનના કારણે લોકોનું સ્વાસ્થ્ય કથળ્યુ છે. ત્યારે આ સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી લોકો ફરી સ્વાસ્થ્યપ્રદ ખોરાક તરફ વળે તે માટે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ ઉજવી રહ્યું છે અને આગામી સમયમાં રોગોથી બચવા પ્રણાલીગત બાજરો, જુવાર જેવા તૃણધાન્ય લોકોને અપનાવવા પડશે. આ જાડા તૃણધાન્ય શરીરને ઝેર મુક્ત કરે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ટાઈપ 2 ડાયાબિટીસ અટકાવે છે, બીપી ઘટાડે છે, હૃદય અને શ્વાસ સંબંધી બીમારી સામે રક્ષણ આપે, કિડની, લીવર, આંતરડા ને તંદુરસ્ત રાખે ઉપરાંત કબજીયાત, ગેસ સહિતના રોગોમાં પણ મિલેટ્સ લાભદાયી નીવડે છે.

બરછટ અનાજ લોકોના આહાર વિહારમાં ખુબજ ઉપયોગી છે

વ્યસન ત્યજવા અને તંદુરસ્ત રહેવા માટે તમાકુના માવા છોડી, દૂધમાંથી બનતા માવાની વાનગી ખાવી જોઈએ. કૃષિ અને ઋષિની સંસ્કૃતિને જીવંત રાખવા માટે ખેડૂતોએ એક સારા ખેડૂત બનવું પડશે. આપણો જૂનો ખોરાક એવો બાજરી, જુવાર ભૂલી જવાથી પોષણ ઘટવાની સાથે રોગોનું પ્રમાણ વધ્યું છે. આ સાથે આપણે તૃણ ધાન્ય પાકોના વાવેતરની પણ અવગણના કરી છે. ત્યારે હવે આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષની ઉજવણી થી લોકોમાં તૃણધાન્ય માટે જાગૃતિ આવી રહી છે ત્યારે મિલેટ્સના પોષણક્ષમ ભાવો પણ મળશે. વળી આ તૃણધાન્ય ઓછા ખાતર પાણીથી થઈ શકે છે. આમ ,તૃણધાન્યની નિકાસ પણ વધશે તેનો ખેડૂતોને લાભ પણ મળશે. આપણને જે જમીન વારસામાં મળી તેવી તે તંદુરસ્ત રહી નથી. આપણે જમીનને સુધારવી પડશે. તેની તંદુરસ્તી અને ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે, લોકજીવન, લગ્નગીત, કહેવતો, પૌરાણિક કથાઓ વગેરેમાં પણ બાજરો, જુવાર વગેરે જેવા તૃણધાન્યના ઉલ્લેખો જોવા મળે છે. બરછટ અનાજ લોકોના આહાર વિહારમાં ખુબજ ઉપયોગી છે.

આરોગ્યની દ્રષ્ટિએ લાભ

આ કાર્યક્રમના પ્રારંભ પૂર્વે કૃષિ યુનિવર્સિટીની બેકરી શાળામાં ફરજ બજાવતાં પ્રો. ડો. દિપ્તીબેન ઠાકર એ આહારમાં મીલેટ્સનું મહત્વ અને તેના પોષક તત્વો વિશે વિગતવાર જાણકારી આપી હતી, પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત હિતેશભાઈ દોમડીયા એ પ્રાકૃતિક ખેતી અને તેના લાભોની વિસ્તૃત જાણકારી આપી હતી. બાજરા સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક કે.ડી. મુંગરા એ મિલેટ્સના ઉત્પાદનો વગેરે બાબતોને સાંકળીને પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં બાજરો, જુવાર, રાગી, મોરિયો વગેરે મિલેટ્સના આરોગ્યની દ્રષ્ટિએ લાભો જણાવવામાં આવ્યા હતા.

13 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા

આ મિલેટ મેળામાં ખેતીવાડી, બાગાયત,આત્મા, સખી મંડળ, પશુપાલન, વન વિભાગ, સરદાર સ્મૃતિ કેન્દ્ર, બાજરા સંશોધન કેન્દ્ર, જી.એન. એફ.સી., આયુર્વેદિક, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત નો સ્ટોલ જેવા જુદા જુદા 13 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતોએ સરકારની વિવિધ યોજનાઓ વગેરેની જાણકારી મેળવી હતી.

આગેવાનો હાજર

કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ઠુંમર, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, સંશોધન નિયામક આર.બી. માદરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી. જાદવ, જીલ્લા ખેતીવાડી અધિકારી જે. ડી. ગોંડલિયા, નાયબ ખેતી નિયામક ડી. જી.રાઠોડ, નાયબ ખેતી નિયામક એસ.એમ. ગધેસરિયા સહિતના અધિકારી પદાધિકારી અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો–-WORLD MENTAL HEALTH DAY: ચિંતા, તણાવ અને ડિપ્રેશનથી બચવા ખાસ વાંચો આ અહેવાલ