Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઈમરાન ખાન પર ભડકી મરિયમ નવાઝ શરીફ, કહ્યું- ભારત બહુ પસંદ હોય તો જઇ શકો છો

09:54 PM Apr 23, 2023 | Vipul Pandya

પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આ દિવસોમાં ભારતની પણ ઘણી ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન ઈમરાન ખાન સતત તેમના ભાષણોમાં ભારતની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે, ભારતની વિદેશ નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને વિશ્વનો કોઈ દેશ ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.
ઈમરાન ખાનના ભારત તરફના આ વલણથી પાકિસ્તાનની રાજનીતિ ગરમાઇ છે. પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા મરિયમ નવાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સલાહ આપતા કહ્યું કે, જો ભારત આટલું પસંદ હોય તો તમારે ભારત જતું રહેવું જોઇએ. વાસ્તવમાં, ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા દેશને કરેલા સંબોધનમાં ભારતની ખૂબ પ્રશંસા કરી હતી. ખાને ભારતને નિઃસ્વાર્થ દેશ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, યુરોપિયન રાજદૂતોમાં ભારતને એ કહેવાની હિંમત નથી કે રશિયા માટે તેમની નીતિ શું હોવી જોઈએ. 
જોકે, તેમના આ નિવેદન બાદ જ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PLM-N)ના નેતા મરિયમ નવાઝે ઈમરાન ખાન પર જોરદાર નિશાન સાધ્યું છે. મરિયમ નવાઝ શરીફે કહ્યું કે, જો તમને ભારત એટલું પસંદ છે તો પાકિસ્તાનનું જીવન છોડીને ભારત જતા રહો. મહત્વનું છે કે, આજે પાકિસ્તાનમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થઈ રહ્યું છે, જોકે ઈમરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું નહીં આપે.
વાસ્તવમાં, ઇમરાને પોતાના ભાષણમાં ત્રણ વખત ભારતનો ઉલ્લેખ કર્યો હતો. બે વખત તેને ખુદ્દાર સમુદાય ગણાવ્યો અને એક વખત EVM માટે તેની પ્રશંસા કરી. ઈમરાને કહ્યું- ભારત અમારી સાથે આઝાદ થયું. હું તેને વધુ સારી રીતે ઓળખું છું. તે એક નિષ્ઠાવાન સમુદાય છે. ભારતને ચલાવવા માટે કોઈ મહાસત્તાની જરૂર નથી. તેઓ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે જ્યારે તેના પર પ્રતિબંધ છે. હું પાકિસ્તાન માટે પણ એવું જ ઈચ્છું છું. 
ઈમરાન ખાનના નિવેદન પર મરિયમ નવાઝ શરીફે કહ્યું કે જેઓ ભારતના વખાણ કરે છે તેને એ પણ જાણવું જોઈએ કે ભારતના અલગ-અલગ વડાપ્રધાનો વિરુદ્ધ 27 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, પરંતુ કોઈએ પણ બંધારણ અને લોકશાહીના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નથી. તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ટાંકીને કહ્યું કે, અટલ બિહારી વાજપેયી એક વોટથી હારી ગયા હતા. પરંતુ તેમણે તમારી જેમ દેશ અને બંધારણને ગીરો ન રાખ્યું.
શુક્રવારે રાષ્ટ્રને સંબોધનમાં ઈમરાન ખાને કહ્યું કે, દેશના સાંસદો વેચાઇ રહ્યા છે. તેમને બંધક બનાવવામાં આવી રહ્યા છે. શરીફ બંધુઓએ રાજકારણીઓને ખરીદવાનું શરૂ કર્યું. હવે એ લોકો પૈસા લઇને વિવેક વેચી રહ્યા છે ઈમરાને કહ્યું કે, અનામત બેઠકો ઘરાનવારાઓને પણ વેચવામાં આવી રહ્યા છે. આપણો વિભાગ તમાશો જોઇ રહ્યો છે, જનતા તમાશો જોઇ રહી છે. કોઇ કશું બોલતું નથી.