Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શિક્ષણમંત્રીના વિસ્તારમાં જ શાળાઓની હાલત દયનીય તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં કેવી હશે? : મનીષ સિસોદિયા

10:47 AM Apr 21, 2023 | Vipul Pandya

આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજ્યમાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શિક્ષણને લઇને ગરમાગરમી ચાલી રહી છે. સામસામા નિવેદનો આવી રહ્યા છે. તેવામાં આજે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયા ગુજરાત મુલાકાતે આવ્યા હતા. ખાસ કરીને તેઓ ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાતે આવ્યા હતા.
ગુજરાત ભાજપના શિક્ષણ મોડલને ઉજાગર કરવા આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના વિધાનસભા મત વિસ્તાર ભાવનગરની બે સરકારી શાળાની મુલાકાત લીધી હતી.શાળાઓની મુલાકાત લીધા બાદ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનનું એજ્યુકેશન મોડલ એ છે કે શિક્ષણ મંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં આવેલી શાળાઓમાં શૌચાલય પણ નથી. વિદ્યાર્થીઓ ત્યાં જમીન પર પાથરીને બેસે છે. બેસવા માટે ત્યાં બેન્ચ પણ નથી.

વાઘાણીના વિસ્તારમાં સરકારી શાળાઓની હાલત ખરાબ
ગુજરાતની શાળાઓની મુલાકાત બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની સરકારી શાળા વ્યવસ્થાને વિશ્વકક્ષાની ગણાવનાર ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિધાનસભામાં સરકારી શાળાઓની હાલત ખરાબ છે, ત્યારે બાકીના ગુજરાતની સરકારી શાળાઓની હાલત કફોડી હશે. તેમણે કહ્યું કે ગાંધીજી અને પટેલની જન્મભૂમિ ગુજરાતમાં ભાજપ સરકારે શિક્ષણ વ્યવસ્થાની મજાક ના ઉડાવવી જોઈએ. ભાજપે પોતાની ભૂલો સમજવી જોઈએ અને ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે કામ કરવું જોઈએ. અન્યથા આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા શિક્ષણ પર કામ કરતી સરકારને ચૂંટશે.  
શાળાના બાળકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત 
મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રી કહેતા હતા કે  ભાજપ સરકારે ગુજરાતની સરકારી શાળાઓને ભવ્ય બનાવી છે. તેઓ ઘમંડમાં કહેતા હતા કે જેમને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પસંદ નથી તેમણે દિલ્હી જતું રહેવું જોઈએ. આજે હું વ્યક્તિગત રીતે તેમના વિધાનસભા ક્ષેત્રમાં આવ્યો હતો અને અહીંની સરકારી શાળાઓની મુલાકાત લીધી છે . મને લાગતું હતું કે છેલ્લા 27 વર્ષમાં ભાજપ સરકારે ગુજરાતની સરકારી શાળાઓને તેજસ્વી બનાવી હશે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. શાળાના બાળકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે.  
છત અને દિવાલો જર્જરિત હાલતમાં
ગુજરાતના શિક્ષણ મંત્રીના વિધાનસભા ક્ષેત્રની શાળાઓની હાલત આટલી ખરાબ છે તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં સરકારી શાળાઓની હાલત કેવી હશે. અહીંની શાળાઓમાં, બાળકોને કરોળિયાના જાળાથી ઢંકાયેલા વર્ગોમાં અભ્યાસ કરવાની ફરજ પાડવામાં આવે છે. છત અને દિવાલો જર્જરિત હાલતમાં છે. ભાવનગરનું સમગ્ર વહીવટીતંત્ર છેલ્લા 2 દિવસથી શાળાની સફાઈમાં વ્યસ્ત છે પરંતુ તેમ છતાં શાળાઓમાં ગંદકી જોવા મળી રહી છે. બાળકો જમીન પર બેસીને અભ્યાસ કરવા મજબૂર છે અને ડર એટલો છે કે મારી મુલાકાત પહેલા શાળામાં 4 સ્માર્ટ બોર્ડ લટકાવવામાં આવ્યા હતા. 

ભાજપના લોકોએ શિક્ષણની મજાક ન કરવી જોઈએ
તેમણે કહ્યુ કે  ભાજપના લોકોએ શિક્ષણની મજાક ન કરવી જોઈએ. શાળાઓમાં માત્ર ચાર સ્માર્ટ બોર્ડ લટકાવવાથી શિક્ષણ વ્યવસ્થા સુધરતી નથી. તેમણે કહ્યું કે ગુજરાત ગાંધીજી અને સરદાર પટેલ જેવી મહાન હસ્તીઓની ભૂમિ છે. શરમજનક છે કે અહીં ભાજપ 27 વર્ષથી સત્તામાં હોવા છતાં પણ શિક્ષણ વ્યવસ્થા જર્જરિત છે. આમ આદમી પાર્ટીના નેતાને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ભાજપને સલાહ આપતાં કહ્યું કે,હવે સમય આવી ગયો છે કે ભાજપ પોતાની ભૂલો સમજીને શિક્ષણ માટે કામ કરે નહીંતર આવનારી ચૂંટણીમાં ગુજરાતની જનતા શિક્ષણ પર કામ કરતી સરકારને ચૂંટશે. તો શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રીને દિલ્હીની શાળાઓની રુબરુ મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યુ હતુ.