Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહારાષ્ટ્ર : બિઝનેસ, ફિલ્મો અને ઘણું બધું

10:53 AM Apr 17, 2023 | Vipul Pandya

ચીનના બૌદ્ધ સાધુ પ્રવાસી મહારાષ્ટ્રના લોકોનું વર્ણન આવી રીતે કરે છે કે, “લોકોનો સ્વભાવ પ્રામાણિક અને સરળ છે. જો તેઓને મુશ્કેલીમાં કોઈને મદદ કરવાનું કહેવામાં આવે, તો તેઓ મદદ કરવાની ઉતાવળમાં પોતાને ભૂલી જશે.” 
જેમ ગુજરાતમાં કાઠિયાવાડ, લાટ પ્રદેશ અને કચ્છ તથા ત્રણ ગુજરાતની એક આગવી સંસ્કૃતિ હોય છે તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ વિદર્ભ, મરાઠવાડા, ખાનદેશ અને કોંકણની સંસ્કૃતિઓ અલગ અલગ છે આમ છતાં સમગ્ર મળીને મહારાષ્ટ્ર બને છે.
 
અહીંયા સાતવાહન, વાકાટક, રાષ્ટ્રકુટ, યાદવો જેવા રાજવંશો દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. ડેક્કન સલ્તનતોએ મહારાષ્ટ્રની સંસ્કૃતિને અનન્ય રીતે આકાર આપ્યું. મહારાષ્ટ્રના લોકોની ભાવના કોસ્મોપોલિટન, સહિષ્ણુતા અને ગતિશીલ જીવનશૈલી વખાણવા જેવી છે. મંદિરો, કિલ્લાઓ, જૂના સ્મારકો અને કલાના જાણકારોને માટે અહીં મહારાષ્ટ્રમાં કેટલું અવનવું છે ! જ્યારે પદ્માવત ફિલ્મ ગુજરાતમાં રિલીઝ  થઈ નહોતી ત્યારે આ ફિલ્મ જોવા અમે મુંબઈ ગયેલા અને ત્યારે કાલાઘોડા આર્ટસ ફેસ્ટિવલમ પણ ગયેલા. જો કે.. મહારાષ્ટ્ર ફક્ત મુંબઈ નથી મહારાષ્ટ્ર એના કરતા ઘણું વધારે છે.
મુંબઈની લોકલ ટ્રેનમાં મુંબઈનું હૃદય ધડકે છે તો ગગનચુંબી ઇમારતોમાં રાજાશાહી જીવન જીવતા લોકો હોય કે પુષ્કળ મહેનત અને સ્ટ્રગલ કરતા લોકો, મુંબઇ બધાને રોટલો આપે છે. પરંતુ અહીંયા કહેવત છે.’અહીંયા રોટલો મળે છે પણ ઓટલો મળતો નથી. એટલું મોંઘુ છે મુંબઇ ! 
ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો મોટા જ્વાળામુખી ફાટવાના પરિણામે મહારાષ્ટ્રની મુખ્ય ભૂમિની રચના થઈ હશે, જેને ડેક્કન ટ્રેપ તરીકે ગોદાવરી અને કૃષ્ણા જેવી નદીઓએ તેમની ઉપનદીઓ સાથે હજારો વર્ષોથી જમીનને સિંચાઈ કરી અને તેમની ખીણો બનાવી. કોંકણ, તટીય મહારાષ્ટ્રમાં બીજા રાજ્યોના પ્રમાણમાં નાની નદીઓ છે. સહ્યાદ્રીઓના ખડકાળ ભૂપ્રદેશને જોતા ત્યાંના કિલ્લાઓએ રાજ્યના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે એમ લાગે છે, દરેક કિલ્લો લશ્કરી વિજયને ચિહ્નિત કરે છે.
અરબી સમુદ્રનું મુંબઈ બંદર અને દરિયાકાંઠાના મેદાનોનો પશ્ચિમી ભાગ, સહ્યાદ્રી પર્વતમાળા, પશ્ચિમ ઘાટ અને તેના ઢોળાવ ધીમે ધીમે પૂર્વ અને દક્ષિણપૂર્વની મુખ્ય નદીઓ અને તેમની મુખ્ય ઉપનદીઓ, ઉચ્ચપ્રદેશને કોતરતી નદીની ખીણો ને જન્મ આપે છે અને અહેમદનગર, બુલઢાણા અને યવતમાલ ઉચ્ચપ્રદેશ બનાવે છે. સરેરાશ ૧૦૦૦મી ની ઉંચાઈ પર આવેલી સહ્યાદ્રી પર્વતમાળા મહારાષ્ટ્રની કરોડરજ્જુ છે. તે પશ્ચિમમાં કોંકણમાં ખડકોમાં પડે છે. પૂર્વ તરફ, પહાડી પ્રદેશ માવલ તરીકે ઓળખાતા રિજિયનમાં ફૂલહારનો આકારના લેતી હારમાળા સહ્યાદ્રી પર્વતમાળાનું એક વિશિષ્ટ લક્ષણ બનાવે છે. 
બોમ્બે અથવા મુંબઈ – મહારાષ્ટ્રની રાજધાની માત્ર ભારતની નાણાકીય રાજધાની તરીકે જ જોવામાં આવતી નથી, પરંતુ તે ખરેખર ગેટવે ઑફ ઈન્ડિયા છે. ૨૮૨ વર્ષ પહેલા તેઓ જ્યાં પ્રવેશ્યા હતા ત્યાંથી જ તેઓએ વિદાય લીધી. અલગ અલગ કમ્યુનિટીના જમાવડા અને ભારતના સમૃદ્ધ પશ્ચિમ કાંઠે આવેલું હોવાથી મુંબઈને ‘વર્લ્ડ સિટી’ તરીકે ખીલવા માટે પોષણ આપ્યું. અહીંયા ફિલ્મ ઉદ્યોગનો અભૂતપૂર્વ વિકાસ થયો જે વિશ્વના સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગનું ઘર છે અને તેનું ટર્નઓવર લગભગ કેટલાક નાના રાષ્ટ્રોના જીડીપી કરતા વધુ છે. જોકે અહીંનો વિદર્ભ અને મરાઠવાડા જેવા પ્રદેશ, પ્રદેશમાં ઓછો વરસાદ પડતો હોવાથી તથા પાણીનું યોગ્ય મેનેજમેન્ટ ન હોવાના કારણે તે પાણી માટે રીતસરનું તલસે છે. જોકે હવે આ બધા તકલીફોને દૂર કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.
લોકોના પારંપરિક પહેરવેશમાં પુરુષો સામાન્ય રીતે ધોતી પહેરે છે. ધોતીઓ સામાન્ય રીતે કેસરી અથવા ક્રીમ અથવા સફેદ રંગની હોય છે, જેને કોઈ યોગ્ય માપની જરૂર નથી. ફેટા એ મરાઠી પુરુષો પહેરે છે. તે ‘ટોપી’ છે અથવા સામાન્ય રીતે કપાસનું બનેલું પ્રવાસીઓ અને બહાર કામ કરતા લોકો પહેરે છે. તે સમારંભો અને તહેવારોમાં પણ પહેરવામાં આવે છે. મહારાષ્ટ્રીયન પુરુષો ક્યારેક-ક્યારેક વેસ્ટકોટ પહેરે છે જે મહારાષ્ટ્રીયન પોશાકને વધુ ફોર્મલ અને યોગ્ય બનાવે છે. પરંપરાગત રીતે સ્ત્રીઓ નવ ગજ લાંબી સાડી પહેરે છે. સ્ત્રીઓ તેમની સાડી કેવી રીતે પહેરે છે તેમાં ઘણી વિવિધતાઓ છે. કેટલાક માત્ર ઘૂંટણની લંબાઈની સાડી પહેરે છે. 
મહારાષ્ટ્ર અનેક રાષ્ટ્રીય ઉદ્યાનોનું ઘર છે. પ્રોજેક્ટ ટાઈગરમાં કેન્દ્રના ચાર મુખ્ય વિસ્તારો છે જેમ કે તાડોબા-અંધારી, મેલઘાટ, સહ્યાદ્રી અને પેંચ. મહારાષ્ટ્રના જંગલો અને વન્યજીવનનો મોટો હિસ્સો પશ્ચિમ ઘાટ અથવા પશ્ચિમ મહારાષ્ટ્ર અને પૂર્વી વિદર્ભમાં આવેલો છે. સહ્યાદ્રી ઘણા સુંદર હિલ સ્ટેશનોને પોતાની ગોદમાં રાખે છે, જે ઠંડી, સુંદર અને તાજગી બક્ષે એવી આબોહવા ધરાવતો શાંત પ્રદેશ છે.
અહીંયા દાયકાઓથી જે લોકો ઘર અને ઑફિસની વચ્ચે રહે છે, તેમની ભૂખને ઘરે રાંધેલા ખોરાકથી પૂરી કરવા પરંપરાગત મહારાષ્ટ્રનો પોશાક અને ગાંધી ટોપી પહેરીને ૫૦૦૦ ડબ્બાવાલાઓની મુંબઈ આર્મી લગભગ બે લાખ મુંબઈકરોને ગમે તેવા ટ્રાફિકમાં પણ સમયસર ટીફીન પહોંચાડી દે છે. હાલ ૮૦૦-૧૦૦૦ રૂપિયામાં આખા મહિનાનું ટિફિન વ્યક્તિદીઠ “લાખો લોકો” ને પહોંચાડે છે જેનું નામ ગીનીઝ બુક્સમાં પણ લખાયેલું છે
આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રનો અનુભવ વૈવિધ્યસભર અને રંગબેરંગી સંસ્કૃતિઓથી સમૃદ્ધ છે, જે એક વિશાળ તાણાવાણામાં વણાયેલ સદીઓ જૂની સંસ્કૃતિ સૂચવે છે. મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી માટે જાણીતું છે અને તેઓ તેમના બહાદુરી ભર્યા અને મહાન કાર્યોથી હંમેશાં ફક્ત મરાઠીઓ જ નહીં પરંતુ ભારત વર્ષના તમામ નાગરિકોના હૃદયમાં ગૌરવભર્યું સ્થાન પામે છે. અહીંના તહેવારો  લોકોને ઉત્સાહિત ગતિમાં ફેરવે તેવા હોય છે. ભવ્ય ઇતિહાસ અને એથીય ભવ્ય વર્તમાન ધરાવતું મહારાષ્ટ્ર ભારત નિર્માણનું અવિભાજ્ય અંગ છે.
(લેખક ગુજરાત સચિવાલયમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં સેક્શન ઓફિસર છે.)
kunalgadhavi08@gmail.com
Maharashtra, Business, movies, Maharashtra tourism