+

Rajkot લોકસભા બેઠક પર બાજી કોણ મારશે ?

Rajkot : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત…

Rajkot : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેષણ કરી રહ્યું છે. સમગ્ર ગુજરાત અને દેશની જે બેઠક પર સહુની નજર છે તે બહુચર્ચિત રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પર છે કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય આંદોલન શરુ થયું હતું અને ક્ષત્રિય આંદોલન ભાજપને અસર કરે તેવું વાતાવરણ મતદાન સુધી રહ્યું હતું. હવે ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટ લોકસભા બેઠક પર બાજી કોણ મારશે..

રાજકોટ બેઠક પર છેલ્લી 5 ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન

લોકસભા ચૂંટણી બાદ પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીનું ભાવિ EVMમાં કેદ થઇ ગયું છે. નોંધપાત્ર બાબત એ છે કે આ વર્ષે રાજકોટ બેઠક પર છેલ્લી 5 ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું છે અને આ ઓછા મતદાનની અસર ભાજપને થશે કે કોંગ્રેસને તેની ચર્ચાઓ શરુ થઇ ગઇ છે.

રાજકોટ લોકસભામાં 59.60 ટકા મતદાન

રાજકોટ લોકસભામાં 59.60 ટકા મતદાન થયું છે જેમાં સૌથી વધુ ટંકારા મતક્ષેત્રમાં 65 ટકા તો જસદણમાં 55 ટકા મતદાન થયું છે. 2014માં 63.50 ટકા, 2017 વિધાનસભામાં 69.14 ટકા મતદાન થયું હતું અને 2019માં રાજકોટ લોકસભામાં 63.14 ટકા મતદાન થયું હતું.

ચારેય વિધાનસભા ક્ષેત્રમાં થયેલાં મતદાનથી ભાજપ આશાવાદી

હવે રૂપાલા વિવાદમાં રાજકોટ બેઠક પર સમગ્ર દેશની નજર છે. રાજકોટ બેઠક પર પહેલીવાર બંને ઉમેદવાર આયાતી એટલે મુળ અમરેલીના છે. જો કે ચારેય વિધાનસભા ક્ષેત્રમાં થયેલાં મતદાનથી ભાજપ આશાવાદી છે. રાજકોટ બેઠક પર લેઉઆ પાટીદાર મતદારોનો સહુથી વધુ ઝોક છે પણ કડવા-લેઉઆ પત્રિકાકાંડથી બેઠકે છેલ્લી ઘડીએ ભારે ઉત્તેજના જગાવી હતી.

કોંગ્રેસનું બુથ મેનેજમેન્ટ પહેલીવાર જોવા મળ્યું

ભાજપની સૌથી સલામત આ બેઠક રુપાલા વિવાદ બાદ ચર્ચામાં રહી. શહેરી વિસ્તારમાં સંકલન સમિતિનો દાવો કે ભાજપ ગુમાવે છે. રાજકોટમાં બપોર બાદ વધુ મતદાન જોવા મળ્યું નથી પણ ભાજપ દાવો કરે છે કે ભાજપ બેઠક જીતે છે. લેઉઆ કડવા પત્રિકાના કારણે તેની અસર કેવી રહી છે તે પણ જોવા મળ્યું છે. કોંગ્રેસનું બુથ મેનેજમેન્ટ પહેલીવાર જોવા મળ્યું છે. બંને દિગ્ગજોને કારણે જંગ રસપ્રદ રહ્યો છે.

રાજકોટ બેઠક પાતળી બહુમતીથી ભાજપ જીતે છે

વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ કહ્યું કે એક વાક્યમાં જવાબ આપું તો રાજકોટ બેઠક પાતળી બહુમતીથી ભાજપ જીતે છે. કારણ એ છે કે કોંગ્રેસ પાસે મતદારોને મતબૂથ સુધી લઇ જવાની વ્યવસ્થા ન હતી. રોડ પર કાગારોળ કરવાથી જીતી શકાય નહી. ક્ષત્રિય સમાજ પણ માત્ર પ્રેસ કોન્ફરન્સ પુરતું સિમીત રહ્યો પણ કોઇ વ્યવસ્થા કરી ના હોવાનું ક્યાંય જોવા મળ્યું ન હતું. ભાજપ-કોંગ્રેસના કમિટેડ મતદારોએ મત આપ્યા છે. ભાજપ હારશે નહી પણ પાતળી બહુમતિથી જીતશે.

 

આ પણ વાંચો—– Jamnagar લોકસભા બેઠક પર ભરેલા નારિયેળ જેવી સ્થિતી

આ પણ વાંચો— Banaskantha : ઊંચા મતદાનથી બનાસકાંઠામાં કોને મળશે સત્તાનું સુકાન?

આ પણ વાંચો— Aravalli: અરવલ્લીમાં ભાજપ નેતા પર થયો હુમલો, અસમાજિક તત્વો કાર પર પથ્થરમારો કરી ફરાર

Whatsapp share
facebook twitter