Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha : ચૂંટણીમાં ચૌરે ચૌટે આ એક જ ચર્ચા….! વાંચો આ અહેવાલ

03:35 PM May 06, 2024 | Vipul Pandya

Lok Sabha : આવતીકાલે ગુજરાતની 25 લોકસભા ( Lok Sabha ) બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી તંત્રએ આ સંબધિત તમામ કાર્યવાહીને આખરી ઓપ આપી દીધો છે. રાજકીય પક્ષોએ પણ છેલ્લી ઘડી સુધી મતદારોને રિઝવવાના પ્રયાસો કર્યા છે ત્યારે ગુજરાતની ચૂંટણી આ વખતે ભારે રસપ્રદ બની ગઇ છે. લોકો ક્યાસ લગાવી રહ્યા છે કે ક્યા પક્ષને કેટલી બેઠક મળશે.

ભાજપે સુરતની બેઠક બિનહરીફ જીતીને ખાતુ ખોલાવી દીધું

જો કે ચૂંટણીના મતદાન પહેલાં જ ભાજપે સુરતની બેઠક બિનહરીફ જીતીને ખાતુ ખોલાવી દીધું છે. છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતી હતી અને ગત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતી હતી અને તેથી પુરવાર કર્યું હતું કે ગુજરાત વર્ષોથી ભાજપનું ગઢ રહ્યું છે.જો કે આ વખતે કોંગ્રેસ કેટલીક બેઠકો પર આ વખતે ટક્કર આપી શકે છે.

ચૂંટણી ભારે રસપ્રદ

જો કે આ વખતની ચૂંટણી ભારે રસપ્રદ જોવા મળી રહી છે અને તેનું એક કારણ એ છે કે આ ચૂંટણી ક્ષત્રિય સમાજના આંદોલનના ઓછાયા હેઠળ યોજાઇ રહી છે. બીજી તરફ કેટલીક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ભાજપને ટક્કર આપી શકે તેવા છે.

રાજકોટ બેઠક પર સહુની નજર

જેમ કે આ વખતે સહુની નજર રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા પર છે જેમનું ભાવિ આવતીકાલે ઇવીએમમાં કેદ થઇ જશે. રુપાલા સાથે ક્ષત્રિય આંદોલનનો વિવાદ જોડાયેલો છે અને તેથી રુપાલાના ભાવિ પર સહુની નજર રહી છે. રુપાલા જીતશે તો કેટલી લીડથી જીતશે તેનો પણ ક્યાસ લોકો લગાવી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનની રાજકોટ બેઠક પરકે ટલી અસર થશે અને અન્ય બેઠકો પર કેટલી અસર થશે તેની પણ ચર્ચા થઇ રહી છે. પરશોત્તમ રુપાલાની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી છે અને બંને ઉમેદવારો અમરેલીના છે અને ચૂંટણી લડવા રાજકોટ આવ્યા છે તે મુદ્દો પણ રસપ્રદ બની રહ્યો છે.

ભરુચમાં ખરાખરીનો જંગ

બીજી તરફ ભરુચ બેઠક પર પણ સહુની નજર રહી છે કારણ કે ઇન્ડી ગઠબંધનના કારણે કોંગ્રેસે આ બેઠક આમ આદમી પાર્ટીને આપી છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી છે જ્યારે ભાજપે વર્ષોથી જીતતા આવેલા મનસુખ વસાવાને જ ટિકિટ આપી છે. ઉપરાંત છોટુ વસાવાનો પુત્ર પણ ચૂંટણી લડી રહ્યો છે. આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર કોણ ફાવી જાય છે તેની પર સહુની નજર રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર અને પુત્રી આ બેઠક પર ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા હતા પણ આ બેઠક આપને ફાળે જતાં બંને ચૂંટણી લડી રહ્યા નથી જે મુદ્દો પણ આ ચૂંટણીમાં નજર અંદાજ કરી શકાય તેમ નથી.

બનાસકાંઠામાં 2 મહિલા વચ્ચે જંગ

ઉપરાંત બનાસકાંઠા લોકસભા બેઠક પર પણ સહુની નજર છે કારણ કે કોંગ્રેસે આ બેઠક પર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે જેથી બનાસકાંઠામાં 2 મહિલાઓ વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. આ બેઠક જીતવા બંને પક્ષોએ કમર કસી છે અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ બેઠક પર પ્રચાર માટે જાહેરસભા યોજી હતી.

શું થશે જામનગરમાં

આ સાથે જામનગર બેઠક પર પણ સહુની નજર છે કારણ કે ક્ષત્રિય આંદોલનની અસર જામનગરમાં પણ જોવા મળી છે. અહીં ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.વી.મારવિયા વચ્ચે જંગ છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેરસભાને સંબોધન કર્યું હતું અને જામસાહેબને મળીને શિશ ઝુકાવ્યું હતું. જામસાહેબે તેમને હાલારી પાઘડી પણ પહેરાવી હતી.

આ પણ વાંચો—— Jamsaheb : મતદાનના 1 દિવસ પૂર્વે જામસાહેબે પત્રમાં શું લખ્યું ?