Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આવો મળીએ એક અનોખી વ્યક્તિ પ્રતિભાને! અનોખા રીક્ષાવાળા ઉદય જાદવને મળો

02:24 PM Apr 28, 2023 | Vipul Pandya

અમદાવાદ એક એવુ શહેર જેમાં આજે પણ ટ્રાન્સપોર્ટેશન માટે, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રીક્ષાનો ઉપયોગ લોકો સામાન્ય રીતે કરતા હોય છે. રીક્ષાનું ચલણ એટલું બધુ સહજ છે કે તેના પર તો આખે આખી ફિલ્મ પણ બની છે. ‘અમદાવાદનો રીક્ષાવાળો’ એવી ગુજરાતી ફિલ્મ પણ બની છે અને તેનું “અમદાવાદનો રીક્ષાવાળો 999 નંબર વાળો” ગીત પણ ખુબ જાણીતુ બન્યું હતું અને આજે પણ લોકો જીભે એટલું જ પ્રસ્તુત છે.
સાંપ્રતમાં અમદાવાદના રીક્ષાવાળાની વાત આવે તો જે ચહેરો અમદાવાદીઓને યાદ આવે તે ચહેરો છે ઉદય જાદવનો. ઉદય જાદવે જીવન નિર્વાહ માટે અને પોતાના વ્યવસાય માટે રીક્ષા ચલાવવાની શરૂઆત કરી, પણ ઉદય જાદવ કેમ નોખા રીક્ષા ચાલક બન્યા તેનો બોલતો પુરાવો છે. તેમની રીક્ષા ઉદયભાઇ તેમના મુસાફરોને ન માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે પણ તેની સાથે અમદાવાદની ઓળખના દર્શન પણ કરાવે છે. તેમની રીક્ષામાં બેસનાર પેસેન્જર સફર દરમિયાન વાંચી શકે તેના માટે રીક્ષામાં નાનકડી લાઇબ્રેરી પણ તૈયાર કરવામાં આવી છે. તેમની રીક્ષાને જોતા જ તે અલગ રાઇડ હશે તેવી અનુભૂતિ આપે છે કારણકે તેમની રીક્ષા પર અલગ અલગ સ્લોગન લખવામાં આવ્યા છે જે અનોખી સીખ પણ આપે છે.
વાત સ્વચ્છતાની હોય કે વૃક્ષ વાવવાની આ તમામ વાતો તમે ઉદયભાઇની રીક્ષા પર વાંચી શકશો. તેમની રીક્ષામાં બેસનાર પાસેથી ભાડું લેવામાં નથી આવતું પણ એક નાનકડું બોક્સ રીક્ષામાં રાખવામાં આવ્યું છે, તેમાં પેસેન્જર ઉતરીને પોતાની મરજી મુજબ પૈસા મુકી શકે છે, અને ઉદયભાઈ – કેટલા પૈસા મુક્યા, ઓછા હશે તો? તેવા કોઇ જ વિચાર વગર તેમનું ‘સીગ્નેચર’ સ્મીત આપીને આગળ વધે છે. તેમના પેસેન્જર્સ માટે માત્ર પીવાના પાણીની વ્યવસ્થા જ નહીં પણ તેમના માટે અલગ-અલગ પ્રકારનો નાસ્તો પણ રાખવામાં આવે છે.
હવે તો ઉદયભાઇ એટલા જાણીતા બની ગયા છે કે, દેશ વિદેશથી અમદાવાદની મુલાકાતે આવતા લોકો, સેલેબ્રીટીઝ પણ ઉદયભાઇની રીક્ષામાં બેસવાની ઇચ્છા કરે છે અને તેમનો સંપર્ક કરે છે. તેમની રીક્ષાની ઉપર રેંટિયો અને રીક્ષાની પાછળ પણ ગાંધીજીની પ્રતિકૃતિ અને સ્લોગન જોઇને સમજાઇ જશે કે ગાંધીવાદી વિચારસરણીવાળા, આ અનોખા રીક્ષાચાલક ઉદય જાદવ ગાંધીગીરીની અનોખી એક મિસાલ છે.
ઘણા લોકો જે વ્યવસાય કરતા હોય તે જ વ્યવસાયને, તે જ કામને એકદમ નોખી રીતે કરવાના આ અનોખા વિચારે ઉદયભાઇ જાદવને ન માત્ર પોતાના શહેરમાં પણ દેશ દુનિયામાં જાણીતા બનાવી દીધા છે. તેમના કામે ન માત્ર તેમને એક આગવી ઓળખ આપી છે પણ તેમને પોતાના વ્યવસાયનો એક અલાયદો સંતોષ પણ આપ્યો છે.