Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વધુ ત્રણ દેશોના નેતા લેશે ઇઝરાયેલની મુલાકાત, સમગ્ર યુરોપ અને અમેરિકા ઇઝરાયેલના સમર્થનમાં

06:51 PM Oct 23, 2023 | Harsh Bhatt

યુરોપિયન દેશ ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ ઇઝરાયેલની મુલાકાતે 

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સમગ્ર વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું છે. એક તરફ આરબ દેશો , રશિયા અને ચીન જેવી શક્તિઓ પેલેસ્ટાઈનને સમર્થન આપી રહી છે તો બીજી તરફ અમેરિકા અને બ્રિટન જેવા પશ્ચિમી દેશોએ ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ પીએમ ઋષિ સુનાક અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ઈઝરાયેલની મુલાકાત લઇ ચૂક્યા છે.. . હવે યુરોપિયન દેશ ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ પણ આજે ઈઝરાયેલ પહોંચી ગયા છે. તેમના સિવાય નેધરલેન્ડના પીએમ માર્ક રુટ્ટે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ ઈઝરાયેલ જવાના છે.

ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલા તેજ કર્યા

આ તમામ નેતાઓ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુને મળશે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ગ્રીક પીએમ બાદ હવે ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને નેધરલેન્ડના પીએમ પણ ટૂંક સમયમાં ઈઝરાયેલની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલા તેજ કર્યા છે. સોમવારે ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટી પર અનેક રોકેટ છોડ્યા હતા. હમાસનો દાવો છે કે ઈઝરાયેલના હુમલામાં 70 લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટી પર 320 ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.

ઇઝરાયેલની સેનાને આગામી કેટલાક દિવસોમાં જમીન પર હુમલો કરવાની મંજૂરી મળી શકે છે

ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ રવિવારે મોડી રાત્રે ટોચના સૈન્ય અધિકારીઓ અને તેમના યુદ્ધ કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં યુદ્ધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને કેટલાક મુશ્કેલ નિર્ણયો પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલની સેનાને આગામી કેટલાક દિવસોમાં જમીન પર હુમલો કરવાની મંજૂરી મળી શકે છે. હાલમાં ઈઝરાયેલ દ્વારા 3 લાખથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને તેમને આગામી આદેશની રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયેલની સેનાનો દાવો છે કે તેણે છેલ્લા બે દિવસમાં હમાસના ઘણા કમાન્ડરોને મારી નાખ્યા છે. તેમાંથી એક મુહમ્મદ કટામાશ છે, જે હમાસના સશસ્ત્ર જૂથના નાયબ વડા હતા.